
ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન મોદી આગામી 12મી મેના રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. તેમની મુલાકાત પહેલાં જ ગાંધીનગરમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગાંધીનગરમાં સરગાસણ ખાતે એક ફ્લેટના બેઝમેન્ટમાં પાર્કિંગમાં લાંબા સમયથી પડી રહેલી બિનવારસી કારની પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા ફ્લેટના રહિશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે કારની તપાસ કરતાં ડેકીમાંથી પિસ્તોલ, તમંચા, ખાલી મેગેઝિન, 300 કારતૂસ સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. હવે પોલીસે તપાસના આધારે આરોપી જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી લીધી છે.
બે પિસ્તોલ તથા કારતૂસ અને મેગેઝિન મળ્યાં
પ્રાપ્ત વિગતો મુજબ, સરગાસણની સ્વાગત એફોર્ડ સોસાયટીના ચેરમેન પરેશભાઈ સોની રાત્રે તેઓ સોસાયટીના બેઝમેન્ટમાં હતા. આ દરમિયાન તેમને સોસાયટીના સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડમાં પડેલી જોઈ, આથી તેમણે સિક્યોરિટી સ્ટાફને કહેતાં તેણે તપાસ કરી હતી. એમાં કારનો કાચ પાછળથી તૂટેલો હતો. એમાંથી કારની પાછળી સીટમાં રાઈફલના કાર્ટિજ જોવા મળ્યાં, આથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.ફરિયાદના પગલે પોલીસે તરત સ્થળ પર પહોંચીને કારની તપાસ કરી હતી. એમાં કારની પાછળની સીટમાંથી બે પિસ્તોલ તથા કારતૂસ અને મેગેઝિન મળ્યાં હતાં.
પોલીસને તપાસમાં ગાડી અંગેના પુરાવા મળ્યા
પોલીસે ગાડીના નંબરને આધારે તપાસ કરતાં તેનો નંબર ખોટો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ એન્જિન અને ચેચીસ નંબરને આધારે તપાસ કરતાં ગાડીનો અસલ નંબર મળ્યો હતો. ત્યાર બાદ સુરજિતસિંહ નામના વ્યક્તિને બોલાવીને પુછપરછ કરતાં આ ગાડી તેમની નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં ગાડી મધ્યપ્રદેશની હોવાનું જણાયું હતું. આ ગાડીમાંથી ધર્માદા સ્લીપ મળી હતી જેમાં જીતેન્દ્ર પટેલના નામની સ્લીપ મળી હતી જેની તપાસ ચાલુ છે. આ ગાડીના અમદાવાદમાં જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ હ્યુન્ડાઈ સર્વિસ સ્ટેશનમાં સર્વિસ કરાવી હોવાના પુરાવા પણ મળ્યા હતાં.
રાજુભાઈ નામના વ્યક્તિએ જીતેન્દ્રને આ ગાડી વેચી હતી
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી જીતેન્દ્ર પટેલ સામે મર્ડર, ખંડણી, જમીન સંદર્ભના ગુનાઓ, મારા મારીના કેસ, અપહરણ, હથિયારોની હેરાફેરીના ગુનાઓ નોંધાયેલા છે. 2016માં તે અમદાવાદની સાબરમતિ જેલમાં હતો ત્યારે મહારાષ્ટ્રનો રાજુભાઈ નામના શખ્શ સાથે પરિચય થયો હતો. જે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરના ગુનામાં જેલમાં હતો. આ રાજુભાઈ નામના વ્યક્તિએ જીતેન્દ્રને આ ગાડી વેચાણ આપી હતી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ICM0Zge
No comments:
Post a Comment