
(પીટીઆઈ) શ્રીનગર, તા. 5 મે, 2019, રવિવાર
આત્મસમર્પણ કરનારા આતંકવાદીઓના પુનર્વાસની યોજના અંતર્ગત નિયંત્રણ રેખા પાર કરીને આવનારા ભૂતપૂર્વ કાશ્મીરી આતંકવાદીઓની પાકિસ્તાની પત્નીઓેએ કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર સરકારને ભારતની નાગરિકતા પ્રદાન કરવા અથવા તો દેશવટો આપવા અપીલ કરી છે.
આ મહિલાઓએ પોતાની દુર્દશાનો અંત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક આ મુદ્દે હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે. મહિલા પ્રદર્શનકારી ઝેબાએ જણાવ્યું કે, 'રાજ્યની નાગરિકતા હાંસલ કરવી તે અમારો અધિકાર છે. કોઈ પણ દેશના પુરુષ સાથે લગ્ન કરનારી મહિલાઓની માફક અમને પણ અહીંનું નાગરિકત્વ મળવું જોઈએ. અમે ભારત સરકાર અને રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ કે, અમને નાગરિકતા પ્રદાન કરે અથવા તો દેશનિકાલ કરી દે.'
આ મહિલાઓ ગત એકાદ દશકા દરમિયાન પોતાના પતિઓ સાથે કાશ્મીર આવી હતી. તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં વસતા તેમના પરિવારજનોને મળવા માટે રાજ્ય સરકાર યાત્રા દસ્તાવેજ ન આપતી હોવાનો આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત અન્ય એક મહિલા પ્રદર્શનકારી સાફિયાએ તેમના પ્રશ્નો માનવતાવાદી સમસ્યાને લગતા હોવાનું કહીને તેમનામાંથી મોટા ભાગના લોકો તણાવગ્રસ્ત જીવન જીવી રહ્યા હોવાનું જણાવ્યું. આ મહિલાઓએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને માનવતાવાદી સંસ્થાઓ તેમની સમસ્યાને ધ્યાનમાં લે તેવી અપીલ કરી હતી અને તેઓ પોતાના પરિવારજનોને મળી શકે તે માટે 'કારવાન-એ-અમન'(શ્રીનગર-મુઝફ્ફરાબાદ) બસ સેવા જેવી કોઈ સગવડ ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMNUzc
No comments:
Post a Comment