
મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણ પર દુરોગામી અસરોની ધારણા
બંધારણીય બેન્ચના એક સભ્ય ન્યાયમૂર્તિ તા. ૧૫મી મેએ સેવાનિવૃત્ત થઈ રહ્યા હોવાથી હવે કોઈપણ દિવસે ચુકાદાની ધારણા
મુંબઇ : મહારાષ્ટ્રમાં શિવસેનાના ભાગલા અને તેને પગલે થયેલાં સત્તા પરિવર્તન સંબંધિત કેસોમાં સુપ્રીમ કોર્ટ હવે પોતાનો ચુકાદો કોઈપણ દિવસે જાહેર કરે તેવી ધારણા છે. આ ચુકાદાને પગલે મહારાષ્ટ્રના રાજકીય પ્રવાહો બદલાઈ શકે છે. ધારાસભ્યોનાં પક્ષાંતર બાબતે બંધારણીય બેન્ચ મહત્વની ટિપ્પણીઓ આપી શકે તેમ છે આથી સમગ્ર દેશનાં રાજકારણ પર પણ આ ચુકાદાની દુરોગામી અસરો પડી શકે છે. આ ચુકાદાનું કાઊન્ટડાઉન શરુ થઈ ગયું હોવાથી રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના વ્યાપી છે.
દેશના ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ગઈ તા. ૧૪ ફેબુ્રઆરીથી ૧૬ માર્ચ દરમિયાન આ કેસો બાબતે સુનાવણી હાથ ધરી હતી. તે પછી સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ બેન્ચના અન્ય સભ્ય ન્યાયમૂર્તિઓમાં જસ્ટિસ એમ.આર. શાહ, જસ્ટિસ કૃષ્ણા મુરારી, જસ્ટિસ હીમા કોહલી, જસ્ટિસ પી. એસ. નરસિમ્હાનો સમાવેશ થાય છે. જસ્ટિસ એમ.આર. શાહ તા. ૧૫મી મે એ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. આથી તે પહેલાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરી શકે તેવી રાજકીય વર્તુળોની ધારણા છે.
ગત જૂન માસમાં એકનાથ શિંદેના વડપણ હેઠળના ધારાસભ્યોએ બળવો કર્યો તેને પગલે ઉદ્ધવ ઠાકરેનાં વડપણ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હતું અને એકનાથ શિંદેએ ભાજપ સાથે હાથ મિલાવતાં શિવસેના-ભાજપની નવી સરકારની રચના થઈ હતી. આ સમગ્ર સત્તા પરિવર્તન દરમિયાન નાયબ સ્પીકર દ્વારા બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અપાયેલી નોટિસ, રાજ્યપાલ દ્વારા એકનાથ શિંદેને સરકાર રચવા આમંત્રણ તથા શપથ વિધિ સહિતની અનેક બાબતોને શિંદે જૂથ તથા ઉદ્ધવ જૂથ દ્વારા સુપ્રીમમાં પડકારવામાં આવી છે.
ગત ઓગસ્ટ ૨૦૨૨માં તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન. વી. રમન્નાના વડપણ હેઠળની બેન્ચે આ તમામ કેસો બંધારણીય બેન્ચને સુપ્રત કરવા ઠેરવ્યું હતું.
આ મુદ્દાઓ પર નિર્ણય આવશે
- સ્પીકરને હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ આપી હતી તો શું તેથી તેઓ બંધારણના દસમા પરિશિષ્ટ અનુસાર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી આગળ વધારી શકે કે નહિ ?
-આર્ટિકલ ૨૨૬ અને આર્ટિકલ ૩૨ હેઠળ ગેરસાયક ઠેરવવાની કાર્યવાહી પર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે કે નહિ
- શું કોઈ સભ્ય સ્પીકરના નિર્ણયથી વિપરીત જાય તેના આધારે જ શું કોઈ કોર્ટ તેમને ગેરલાયક ઠેરવી શકે ખરી ?
-સભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ વિચારાધીન હોય તેવા સંજોગોમાં ગૃહની કાર્યવાહીની કાયદેસરતાનું શું ?
-જો સ્પીકર દ્વારા કોઈ સભ્યને બંધારણનાં દસમા પરિશિષ્ટ અનુસાર મૂળ ફરિયાદની તારીખની અસરથી ગેરલાયક ઠેરવાય તો આ અરજી વિચારાધીન રહી હોય તેટલા સમય દરમિયાન થયેલી કાર્યવાહીની કાયદેસરતાનું શું ?
-દસમા પરિશિષ્ટમાંથી ત્રીજા ફકરાની નાબૂદીની અસર શું ? ( તેમાં ભંગાણના કિસ્સામાં પક્ષાંતર સામે કાર્યવાહીથી બચાવની તક અપાઈ છે)
-સંસદીય પાર્ટીના વડા તથા દંડક નક્કી કરવાની સ્પીકરની સત્તામર્યાદા કેટલી ?
-દસમા પરિશિષ્ટની જોગવાઈઓના સંદર્ભમાં આંતરસંદર્ભો ે શું લાગુ પડી શકે ?
-શું પક્ષોની આંતરિક બાબતો પર ન્યાયિક સમીક્ષાને અવકાશ છે ? તેની કાર્યસત્તાની મર્યાદા કેટલી ?
-સરકાર રચવાની રાજ્યપાલની સત્તાની ન્યાયિક સમીક્ષા થઈ શકે ખરી ?
-એક પક્ષની અંદર ભંગાણ બાબતે એક જૂથની તરફેણમાં નિર્ણય કરવા બાબતે સુપ્રીમ કોર્ટની સત્તાની મર્યાદા કેટલી ?
શિંદની શિવસેનાના ધારાસભ્યોમાં ફફડાટઃ સરકારનાં ભાવિ અંગે અટકળો
મોટાભાગના કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે સુપ્રીમ કદાચ ખુદ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શકે. આ સંદર્ભમાં જેમ જેમ ચુકાદાની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ શિંદે જૂથના ધારાસભ્યોમાં ફફડાટ વધતો જાય છે.
રાજકીય વર્તુળોમાં એક ધારણા એવી છે કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં નહિ આવે તેના બદલે સુપ્રીમ કોર્ટ આ મામલો રાજ્યના વિધાનસભાના અધ્યક્ષને પાછો મોકલશે. આનાથી શિંદે-ફડણવીસ સરકાર ટકી જશે.
બીજી ધારણા એવી છે કે સુપ્રીમ કોર્ટ સી.એમ. શિંદે સહિત ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે. આ સ્થિતિમાં શિંદેએ તાત્કાલિક સી.એમ. પદેથી રાજીનામું આપવું પડશે. જોકે, તેથી સરકારનું તત્કાળ પતન થવા અંગે મતમતાંતર છે. એક મત ેએવો છે કે શિંદે નવેસરથી શપથ લઈ શકે અને પછી છ મહિનમાં વિધાનપરિષદમાં ચૂંટાઈ શકે. બીજું કે શરદ પવાર અને છગન ભૂજબળ સહિતના વિપક્ષી નેતાઓ પણ સ્વીકારી ચૂક્યા છે તેમ ૧૬ ધારાસભ્યો ગેરલાયક ઠરે તો વિધાનસભામાં બહુમતીનો આંકડો પણ એટલો નીચો આવે અને તે સંજોગોમાં સરકાર બહુમતી સાબિત કરી શકે.
અલબત્ત ભાજપ ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાને રાખી શિંદેને પડતા મૂકી એનસીપીના અજિત પવારનો સાથ લેવાનું પસંદ કરે તો શિંદે સરકારની વિદાય થાય અને ભાજપ તથા અજિત પવારની ગઠબંધન સરકાર રચાઈ શકે. આ સંભાવનાના સંદર્ભમાં જ શરદ પવારે એનસીપીમાં બળવો અટકાવવા તાજેતરમાં રાજીનામાંનો ખેલ રચ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GK1wAVl
No comments:
Post a Comment