બિલાવલ આતંકીઓના પ્રવક્તા બનીને આવ્યા હતા : જયશંકરે રોકડું પરખાવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 May 2023

બિલાવલ આતંકીઓના પ્રવક્તા બનીને આવ્યા હતા : જયશંકરે રોકડું પરખાવ્યું


- એસસીઓ સભ્ય તરીકે પાક.ના વિદેશમંત્રીઓનું યોગ્ય સન્માન કરાયું : ભારત

- પાકિસ્તાન પીઓકે ક્યારે ખાલી કરે છે : એસસીઓ બેઠકમાં કાશ્મીર રાગ આલાપતા બિલાવલને ભારતનો સણસણતો સવાલ

બેનૌલિમ : ગોવામાં એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠક પછી ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીને આતંકવાદી દેશના પ્રવક્તા ગણાવ્યા હતા અને કહ્યું કે પીડિત અને કાવતરાંખોર એક સાથે  બેસીને વાતચીત કરી શકે નહીં. બીજીબાજુ બિલાવલે રાબેતા મુજબ કાશ્મીર રાગ આલાપતા બંને દેશના ખરાબ સંબંધો માટે ભારત પર દોષારોપણ કર્યું હતું.

ગોવામાં યોજાયેલી એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠક પછી ભારતના વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, એસસીઓ સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે અન્ય દેશોના વિદેશ મંત્રીઓ જેવો જ વ્યવહાર કરવામાં આવ્યો હતો, પરંતુ બિલાવલે આતંકવાદના સંરક્ષક, પ્રોત્સાહન આપનારા અને આતંકવાદ ઉદ્યોગના પ્રવક્તા તરીકે વર્તન કર્યું હતું. પાકિસ્તાનની કોઈપણ વાત પર વિશ્વાસ મૂકી શકાય નહીં.

એસસીઓ બેઠકમાં બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે તેમનો દેશ વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે લડવા માટે ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છે. જોકે, આ અંગે પાકિસ્તાનની કંગાલિયતનો આડકતરો ઉલ્લેખ કરતાં જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદ મુદ્દે બધા લોકોમાં ગુસ્સો છે, પરંતુ પાકિસ્તાનની વિશ્વસનીયતા તેના ઘટતા વિદેશી ચલણી ભંડાર કરતાં પણ વધુ ઝડપથી ઘટી રહી છે.

એસસીઓના વિદેશ મંત્રીઓની બેઠકના સત્રને સંબોધન કરતાં જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધ આકરું વલણ અપનાવવું એ એસસીઓના મૂળ જનાદેશોમાંથી એક છે. તેમણે આતંકી પ્રવૃત્તિઓ માટે ફન્ડિંગ રોકવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું, આખી દુનિયા કોરોનાનો સામનો કરવામાં લાગી હતી તેવા સમયે પણ કેટલાક દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા હતા.

બીજીબાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ફરી એક વખત કાશ્મીર રાગ આલાપ્યો હતો અને કહ્યું હતું કે, ભારતે કલમ ૩૭૦ રદ કરી કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો ના હોત તો બંને દેશ વચ્ચે હજુ પણ સારા સંબંધો હોત. ભારતના આ નિર્ણયે બંને પડોશી દેશો વચ્ચે વાટાઘાટો માટેનું વાતાવરણ નબળું કરી દીધું છે. વધુમાં બિલાવલે કાશ્મીરમાં જી-૨૦ બેઠકના આયોજન સામે વાંધો ઉઠાવ્યો હતો. બિલાવલ ભુટ્ટોને જવાબ આપતા હોય તેમ સુબ્રમણ્યમ જયશંકરે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે. દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ જી-૨૦ની બેઠક થઈ રહી છે. આ સિવાય કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે માત્ર એક જ વાત થઈ શકે અને તે એ છે કે પાકિસ્તાન તેણે પચાવી પાડેલા કાશ્મીરનો વિસ્તાર પીઓકે ક્યારે ખાલી કરે છે.

દરમિયાન ચીન સાથેના સંબંધો મુદ્દે જયશંકરે જણાવ્યું હતું કે, પૂર્વીય લદ્દાખથી લઈ અરૂણાચલ પ્રદેશ સુધી સરહદે શાંતિ અને સ્થિરતા નહીં હોય ત્યાં સુધી બંને દેશના સંબંધો સામાન્ય થઈ શકશે નહીં. તેમણે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ સાથેની વાટાઘાટોમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ  સાથે તેમણે પૂર્વીય લદ્દાખ સરહદે આમને-સામને ગોઠવાયેલા બંને દેશના સૈનિકોને પાછા બોલાવવાની પ્રક્રિયાને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. છેલ્લા બે મહિનામાં બંને વિદેશ મંત્રીઓ વચ્ચે બીજી બેઠક થઈ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hoM31Rn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages