
શનિવારે બ્રિટનમાં યોજાશે ઐતિહાસિક સમારોહ
ડબ્બાવાળાઓ રાજવી મિત્ર ચાર્લ્સને ને પુણેરી પાઘડી અને વારકરી સમાજ તરફથી શાલ ભેટ આપશે
2003માં પ્રિન્સ ચાર્લ્સ મુંબઈ આવ્યા ત્યારથી ડબ્બાવાળાઓ સાથે પ્રગઢા સંબંધ, 2005માં કેમિલા પાર્કર સાથે લગ્નમાં પણ નોતર્યા હતા
મુંબઇ : કિંગ ચાર્લ્સ ત્રીજાના શનિવારે યોજાનારા રાજ્યાભિષેકના ઐતિહાસિક સમારોહમાં દુનિયાભરના મહાનુભાવોની સાથે મુંબઇના ડબ્બાવાળા પણ માનવંતા મહેમાન તરીકે હાજરી આપશે. લંડનના વેસ્ટ મિન્સ્ટર એબે પેલેસમાં રાજ્યાભિષેકના સમારંભમાં મુંબઇના બે ડબ્બાવાળા પોતાના રાજવી મિત્ર માટે પુણેરી પાઘડી અને સુંદર શાલ ભેટરૃપે લઇ જશે.
મુંબઇના ડબ્બાવાળાને કિંગ ચાર્લ્સે દુનિયાભરમાં જાણીતા કરી દીધા છે. પ્રિન્સ ચાર્લ્સ ૨૦૦૩માં મુંબઇની મુલાકાતે આવ્યા ત્યારે આ ડબ્બાવાળાની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમની સાથે ૨૦ મિનિટ ગાળીને આ અજાણ ડબ્બાવાળા માત્ર જુદી જુદી નિશાનીને આધારે જરા પણ ભૂલ વગર મુંબઇગરાને ઘરનું ભોજન પહોંચાડે છે એ જોઇને તાજ્જુબ થઇ ગયા હતા. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળા વિશે બી.બી.સી.ની ડોક્યુમેન્ટ્રરી જોઇ હતી એટલે મુંબઇ આવ્યા ત્યારે ડબ્બાવાળાને રૃબરૃ મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
૨૦૦૫માં જ્યારે પ્રિન્સ ચાર્લ્સની કેમિલ્લા પાર્કર સાથે લગ્ન થયા ત્યારે બે ડબ્બાવાળાને રાજવી ઠાઠ સાથે યોજાયેલા લગ્ન- સમારોહમાં નોતર્યા હતા. મુંબઇથી લંડનનો પ્રવાસ ખર્ચ પણ પ્રિન્સ ચાર્લ્સે જ આપ્યો હતો. નૂતન મુંબઇ ટિફિન બોક્સ સપ્લાયર્સ એસોસીએશનના હોદ્દાદાર રઘુનાથ મેડગે અને સોપાનકાકા મરેને લંડન જવાનો મોકો મળ્યો હતો.
ઝાકઝમાળભર્યા રાજ્યાભિષેક સમારોહ માટે બ્રિટનમાં તડામાર તૈયારી થઇ રહી છે. ૧૦૦ મિલિયન પાઉન્ડના ગંજાવર ખર્ચે આ સમારોહ યોજાશે. ભારત તરફથી ઉપરાષ્ટ્પરતિ જગદીપ ધનખડ અને અમેરિકા તરફથી પ્રેસિડેન્ટ જો બાઇડનના પત્ની ફર્સ્ટ લેડી જીલ બાઇઢન સહિત દેશ- વિદેશના મહાનુભાવો સમારોહમાં સામેલ થશે. આ બધાની સાથે મુંબઇની આગવી ઓળખ બની ગયેલા ડબ્બાવાળાને પણ શાહી મહેમાનગતિ માણવાની તક મળશે. ડબ્બાવાળા ભેટરૃપે જે પુણેરી પાઘડી અને વારકરી સમાજ તરફથી શાલ આપવાના છે એ ભેટ પેક કરીને લંડન પહોંચાડવાની તૈયારી કરી લીધી છે.
રાણી એલિઝાબેથને કોલ્હાપુરી સેન્ડલ અને સોનેરી સાડી ભેટ આપેલી
પ્રિન્સ ચાર્લ્સના ૨૦૦૫માં લગ્ન થયા ત્યારે ડબ્બાવાળાના સંગઠનના બે હોદ્દેદારો લંડન ગયા હતા. એ વખતે રાણી એલિઝાબેથે તેમને ખાસ નાસ્તો- પાણી માટે બોલાવ્યા હતા. ત્યારે તેમણે રાણીને સોનેરી સાડી અને કોલ્હાપુરી સેન્ડલની ભેટ આપી હતી. પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટ મિડલટનને લગ્ન વખતે પૈઠણી સાડી અને ભગવાન વિઠોબાની મૂર્તિ ભેટ આપી હતી. નાના રાજકુંવર પ્રિન્સ હેરીના લગ્ન વખતે મહારાષ્ટ્રીયન કૂર્તા અને પાઘડીની ભેટ આપી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VnH4GLR
No comments:
Post a Comment