
નવી દિલ્હી, તા.18 મે-2023, ગુરુવાર
અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરે ભારતભરમાં તેની 4 દવાઓનું વેચાણ સ્થગિત કરવાની સૂચના આપી છે. કંપનીએ ઉત્પાદન પ્રક્રિયામાં સમસ્યાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. કંપનીએ 16 મેએ તેના સ્ટોકિસ્ટો, વિતરકો અને હોસ્પિટલોને મેગ્નેક્સ, ઝોસીન, મેગ્નામિસિન ઈન્જેક્શન અને મેગ્નેક્સ ફોર્ટના વેચાણ અને વિતરણને અસ્થાયી રૂપે સ્થગિત કરવા વિનંતી કરી છે. આ દવાઓ ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ અથવા સતત સારવાર હેઠળ રહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપવામાં આવે છે.
કંપનીએ ભારતમાં આ દવાઓનું વેચાણ કર્યું બંધ
કંપનીના જણાવ્યા અનુસાર આ ઉત્પાદનો - મેગ્નેક્સ, ઝોસીન અને મેગ્નામાયસીન ઈન્જેક્શન એસ્ટ્રલ સ્ટેરીટેક દ્વારા ઉત્પાદન કરવામાં છે. મેગ્નેક્સ ફોર્ટનાં ડોઝમાં સામાન્ય ફેરફારો સાથે મેગ્નેક્સ બ્રાન્ડનું જ વિસ્તરણ છે. આ દવાઓનો ઉપયોગ બેક્ટેરિયલ સંક્રમણ જેમ કે શ્વસન માર્ગ, પેલ્વિક બળતરા રોગ, એન્ડોમેટ્રિટિસ, પેટમાં સંક્રમણ, ત્વચા સંક્રમણ, ન્યુમોનિયા અને ગંભીર ગર્ભાશય ચેપની સારવારમાં થાય છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, ફાઈઝર ઉત્પાદન અને સપ્લાય ચેઈન પ્રક્રિયાના દરેક તબક્કે દર્દીની સલામતી અને ઉત્પાદનની ગુણવત્તા પર સૌથી વધુ ભાર મૂકે છે.
જરૂર પડશે તો ફાઈઝર કાર્યવાહી કરશે
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારા ધ્યાને આવેલી કેટલીક ટેકનીકલ સમસ્યાઓના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે તેમજ કંપનીના સ્થાનિક કોન્ટ્રાક્ટ ઉત્પાદકોની વિનંતી બાદ ફાઈઝરે હાલ ભારતમાં તેના ઉત્પાદનો મેગ્નેક્સ, મેગ્નામિસિન અને ઝોસીનનું વેચાણ અને ઉપયોગ સ્વૈચ્છિક રીતે સ્થગિત કરી દીધો છે. હાલ તપાસ ચાલી રહી છે, જરૂર પડશે તો ફાઈઝર વધુ કાર્યવાહી કરશે.
ઉત્પાદકોની યૂનિટમાં સર્જાઈ ખામી
ક્વોલિટી એનાલિસ્ટ સંગીતા નાગરમથે તેમના પત્રમાં જણાવ્યું કે, ઉપરોક્ત ઉત્પાદનોના ઉત્પાદકે તેમના યૂનિટમાં સર્જાયેલી ખામી અંગે અમારુ ધ્યાન દોર્યું છે. ત્યારબાદ કંપની તપાસ કરી રહી છે, પરંતુ કંપનીએ તેના નિયમો મુજબ સાવચેતી અને સલામતીને ધ્યાને લીધા છે અને આ દવાઓના વેચાણ, વિતરણ અથવા સપ્લાયને અસ્થાયી રૂપે સ્થગિત કરવા વિનંતી કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Tc2079b
No comments:
Post a Comment