
મોબાઈલ ફોનના લાસ્ટ લોકેશનને આધારે મૃતદેહ શોધાયો
માતા- પિતા સહિત કુલ ૧૦ જણ સાથે ટ્રેકીંગ માટે ગયેલા ડોક્ટરનું ખીણમાં પડી જવાથી મોત
મુંબઇ: માતા- પિતા અને કુલ ૧૦ જણ સામે ટ્રેકીંગ માટે પનવેલના પેબ કિલ્લા પર ગયેલા યુવાન ડેન્ટીસ્ટ ડો. નિખિલ તન્નીર (૨૪)નું ખીણમાં પડી જવાથી મોત થયું હતું. મૃતક ડો. નિખિલ રવિવારે ટ્રેકીંગ માટે ગયા બાદ ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ તેમના પરિવારજનોએ તેમના ગુમ થવા બાબતની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ અને રેસ્કયુ ટીમે સહ્યાદ્રી ટ્રેકર્સ અને નિસર્ગ મિત્રની મદદથી ભારે જહેમત બાદ ત્રીજા દિવસે ખીણમાંથી ડોક્ટરનો મૃતદેહ શોધી કાઢયો હતો.
ડોક્ટરનો મૃતદેહ કિલ્લાના પગથિયાથી થોડે દૂર મળી આવ્યો હતો. આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર કાંદિવલીમાં રહેતા ડો. નિખિલ રવિવારે તેમના પિતા કિશોર તન્નીર (૫૧) અને માતા સુનિતા (૪૭) તેમજ અન્ય ટ્રેકર મિત્રો સાથે પનવેલના પેબ કિલ્લા પર ટ્રેકીંગ માટે આવ્યા હતા.
આ સમયે ગુ્રપમાં તેમની સાથે કુલ મળીને ૧૦ જણનો સમાવેશ થતો હતો. કિલ્લા પર પહોંચી ગયા બાદ રવિવારે સાંજે તેમણે પાછા નીચે ઉતરવાની શરૂઆત કરી હતી. ડો. નિખિલ નીચે ઉતરતા આગળ આવી ગયા જ્યારે તેમના માતા- પિતા પાછળ રહી ગયા હતા. જોકે નિખિલના માતા- પિતા નીચે પહોંચી ગયા બાદ નિખિલ નજરે પડયા નહીં તેથી તેમના માતા- પિતાએ ફોન કર્યો પણ તેમણે ફોન ઉપાડયો નહોતો.
આ સંદર્ભે નેરળ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યાનુસાર નિખિલના વાલીઓએ તેમની રાહ જોઈ હતી પણ તેઓની મુલાકાત થઈ શકી નહોતી. નિખિલનો ફોન બંધ થઈ ગયો હશે અને તેઓ ઘરે જવા નીકળી ગયા હશે તેવો અંદાજ બાંધી તેમના માતા- પિતા પણ ઘરે આવી ગયા હતા.
જોકે ઘરે આવ્યા બાદ નિખિલ ઘરે આવ્યો ન હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ એક દિવસ રાહ જોઈ મંગળવારે તેમના પરિવારજનોએ તેમના ગુમ થવા બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ડો. નિખિલ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વધુ વિગત મેળવી બુધવારે નેરળ પોલીસ સ્ટેશનના છ અધિકારી અને સહ્યાદ્રી ટ્રેકર્સ તેમજ નિસર્ગ મિત્ર નામની સંસ્થાના કાર્યકરોની મદદથી શોધ અભિયાન આદર્યું હતું. અંતે દિવસભરની શોધ- ખોળ બાદ રાત્રે મોડેથી ડો. નિખિલનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો. નિખિલની શોધ ચલાવવા પોલીસે તેના મોબાઈલ ફોનના લાસ્ટ લોકેશનની મદદ પણ લીધી હતી. ટ્રેકીંગ દરમ્યાન નીચે પડી જવાથી ડો. નિખિલનું મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WGNxiP8
No comments:
Post a Comment