
- અગાઉ બજેટમાં યુરિયા પર 70,000 કરોડની સબસિડી અપાઇ હતી
- આ સાથે જ એપ્રિલ-સપ્ટેમ્બર સુધીની ખરીફ સિઝનમાં ખાતર પરની કુલ સબસિડી વધીને રૂ. 1.08 લાખ કરોડ થઇ
- આઇટી હાર્ડવેર પીએલઆઇ સ્કીમ-૨ માટે 17000 કરોડની ફાળવણીને મંજૂરી
- રૂ. 2430 કરોડનું રોકાણ આવશે તથા 75000 લોકોને રોજગારી મળશે : સરકાર
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટે આજ ફોસ્ફેટ અને પોટાશ ખાતરો માટે ૩૮૦૦૦ કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે. આ સાથે જ વર્તમાન ખરીફ સિઝનમાં ખાતર સબસિડીનો કુલ ખર્ચ વધીને ૧.૦૮ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. ખડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે ઉદ્દેશથી સરકાર ખાતર પર સબસિડી આપે છે.
૧.૦૮ લાખ કરોડની ખાતર સબસિડીમાં ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય બજેટમાં યુરિયા ખાતર માટે ફાળવેલ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા સામેલ છે. ૩૮,૦૦૦ કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરતા સરકારે વધુમાં જણાવ્યું હતું કે ખાતરની મહત્તમ છૂટક કીંમત (એમઆરપી)માં કોઇ ફેરફાર થશે નહીં.
ઉલ્લેખનીય છે કે ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ખરીફ સિઝન ચાલુ રહેશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક ભાવોમાં ઘટાડો થતાં વર્તમાન ખરીફ સિઝનમાં ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પરના સબસિડી બોજમાં ઘટાડો થયો છે.
સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખાતર બિલ ૨.૨૫ લાખ કરોડ રૂપિયાએ પહોંચવાની શક્યતા છે. એક કીલો નાઇટ્રોજન (એન) પર ૭૬ રૂપિયા, એક કીલો ફોસ્ફરસ (પી) પર ૪૧ રૂપિયા, એક કીલો પોટાશ (કે) પર ૧૫ રૂપિયા અને એક કીલો સલ્ફર (એસ) પર ૨.૮ રૂપિયા સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ વધુ એક નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે આજે આઇટી હાર્ડવેર પીએલઆઇ સ્કીમ-૨ માટે ૧૭૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે.
આઇટી હાર્ડવર માટેની પીએલઆઇ સ્કીમ-૨માં લેપટોપ, ટેબલેટ, ઓલ ઇન વન પીસી, સર્વર અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ડિવાઇસનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર આ સ્કીમને કારણે ૨૪૩૦ કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને ૭૫૦૦૦ લોકોને રોજગારી મળશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bY8mxQh
No comments:
Post a Comment