
મુંબઇ, તા.14 નવેમ્બર, 2020, શનિવાર
થોડા દિવસ અગાઉ મુંબઇ પોલીસે બિહારના એક સાયબર ક્રાઇમ આચરનારને રંગે હાથ ઝડપી લીધો હતો. મુંબઇ પોલીસને તેની પૂછપરછ કરતાં બિહારમાં કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે તેની વિગતો મળી હતી.
પોલીસે જણાવ્યું હતું કે બંકનો ઓટીપી મેળવવા માટે મોબાઇલ ધારકને ફોન કરતાં પહેલાં ગુનો આચરવા માટે તમામ તૈયારી કરી લેવામાં આવે છે. એકવાર તમામ ગોઠવણ થઇ જાય તે પછી ફોન કરી શિકારને જાળમાં ફસાવવા માટે ફોન કરવામાં આવે છે. આ કૌભાંડ આચરવા માટે મોટાપાયે તૈયારીઓ કરવામાં આવે છે. પ્રથમ તો આ ટોળકી બિહાર અને પશ્ચિમ બંગાળમાં આવેલા લેબર કોન્ટ્રેક્ટરનો સંપર્ક કરી તેમની પાસેથી તેમના મજૂરોની વિગતો મેળવે છે અને તેને આધારે બેંકના ખાતાઓ ખોલવામાં આવે છે. આ બેંક ખાતાઓમાં ફોન નંબર સિવાયની તમામ વિગતો આ મજૂરોની હોય છે જ્યારે ફોન નંબર છેતરપિંડી આચરનારનો હોય છે. મજૂરોના આ બેંકના ખાતાઓ વાસ્તવમાં હવે સાયબર ગેંગના હાથમાં હોય છે. સાયબર ગેંગના બીજા સભ્યો વિવિધ સ્થળેથી સીમ કાર્ડ મેળવે છે. જેના માટે ઘણીવાર સાચી તો ઘણીવાર ખોટી વિગતો આપી સીમ મેળવવામાં આવે છે.
ત્યારબાદ બિહારની આ સાયબર ગેંગ મુંબઇ અને ગુજરાતમાં ફોન કરે છે. જ્યાં સૌથી વધારે લોકો ફોન બેન્કિંગનો ઉપયોગ કરે છે. તેઓ બેંકના અધિકારી હોય તેમ જણાવી ફોનધારકને તેનો કેવાયસી અપડેટ કરવા માટે ફોન કર્યો છે તેમ જણાવે છે. જો બકરો ફસાય તો તેને ઓટીપી આપવા માટે જણાવાય છે. અત્રે એ યાદ રાખવું જરૃરી છે કે બેંક અધિકારી કદી કોઇ વિગતો ફોન પર માગતાં નથી. તેમાં પણ ઓટીપી તો કદી માગી ન શકે. તેઓ ફોન રિસિવ કરનાર ન માને તો તેનું કાર્ડ બ્લોક કરવાની ધમકી આપે છે. જેના કારણે ૪૦માંથી એક જણ તેમની આ ચાલાકીમાં ફસાઇ જાય છે જેવો આ ટોપીપી મળે કે તરત જ ગેંગ કામે લાગી જઇ ઓટીપી આપનારના બેંકના ખાતામાંથી તમામ રકમ સફાચટ કરી નાંખે છે. આ રકમો તેમના નિયંત્રણ હેઠળના મજૂરોના ખાતાઓમાં ફેરવી નાંખવામાં આવે છે. એ પછી તેને અસંખ્યવાર ફેરવવામાં આવે છે જેને કારણે આ રકમને પરત મેળવવાનું ભારે મુશ્કેલ બની રહે છે.
સામાન્ય રીતે રોજ ૩૫૦ રૃપિયા રળનાર મજૂરોના આ બેંક ખાતાઓમાં ઘણીવાર રોજના ૨૦,૦૦૦ રૃપિયા જમા થાય છે. જે બાદમાં સાયબર ગેંગના સભ્યો વચ્ચે વહેંચાઇ જાય છે. એકવાર કામ પતી જાય પછી ગુનેગારો તેમના મોબાઇલ અને સીમનો નાશ કરી નાંખે છે તે સાથે તેમના ગુનાના પુરાવાનો પણ નાશ થઇ જાય છે. આમ, બિહારમાં સાયબર ક્રાઇમે હવે એક સંગઠિત ગુનાખોરીનું સ્વરૃપ ધારણ કર્યું છે જેને ડામવા માટે આંતરરાજ્ય પોલીસે સહકાર સાધવો અત્યંત જરૃરી બની ગયો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35y8k2Q
No comments:
Post a Comment