- દિલ મેં કહાંસે આયી યાદ વહ મત પૂછના,
પેડસે બિછડે હુએ પંછીકા ઘર મત પૂછના.

કોઈ વિશ્વવ્યાપી ઘટના જ્યારે સર્વત્ર રોમાંચક સનસનાટીનું રૂપ ધારણ કરે છે, ત્યારે સત્ય એમાંથી વિદાય લઇ લે છે અને પછી એના પર અસત્યોનાં એટલાં બધાં આવરણ ચડી જાય છે કે સત્યને શોધવું મુશ્કેલ બને છે !
વિજ્ઞાાન, અર્થશાસ્ત્ર, વિશ્વ શાંતિ, ચિકિત્સા કે સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝની પ્રાપ્તિ એ સર્વોચ્ચ પ્રાપ્તિ ગણાય. નોબેલ પ્રાઇઝ કોને મળશે એને વિશે મહિનાઓથી ચર્ચા ચાલતી રહે અને પછી જેને પ્રાપ્ત થાય એને વિશે જગતભરમાં લેખો પ્રગટ થતા રહે અને એની શક્તિનાં ઓવારણા સહુ લેતાં રહે !
૧૯૦૯થી શરૂ થયેલા આ નોબેલ પારિતોષિકના ઇતિહાસમાં એક સાહિત્યકાર એવા છે કે જેમને આ નોબેલ પારિતોષિક મળ્યું. એમણે એનો પ્રારંભમાં સ્વીકાર પણ કર્યો અને એ પછી રશિયાના સરકારી અધિકારીોના દબાણને કારણે એમણે એનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો અને એ સાહિત્યકાર છે રશિયાના બોરિસ પાસ્તરનાક કે જેમની નવલકતા 'ડોક્ટર ઝીવાગો' એ એમને વિશ્વવ્યાપી ખ્યાતિ અપાવી હતી, પરંતુ સરકાર સાથેની એમનું ઘર્ષણ સતત વધતું રહ્યું અને એથી જ રશિયાના સરમુખત્યાર સ્ટાલિને પાસ્તરનાકને પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું નહીં.
એમણે પાસ્તરનાકને જીવવા દીધા, એ જ ઘણી મોટી બાબત હતી જો કે એનું કારણ એ હતું કે આ પાસ્તરનાકે જ્યોર્જિયાના કવિઓની કૃતિઓનો સુંદર અનુવાદ કર્યો હતો અને સ્ટાલિન ખુદ જ્યોર્જિયાનો વતની હતો. એણે પાસ્તરનાકને નોબેલ પારિતોષિક સ્વીકારવાની અનુમતિ આપી નહીં, પરિણામે પાસ્તરનાકના જીવનના અંતિમ વર્ષો અત્યંત અભાવગ્રસ્ત અને યાતનામય પરિસથિતિમાં વ્યતીત થયા.
જ્યારે ૧૯૬૪માં ફ્રાંસના જ્યાં પૉલ સાર્ત્રને સાહિત્યસર્જન માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે સાર્ત્રને આ પુરસ્કારનો અસ્વીકાર કરીને વિશ્વના વાતાવરણમાં ખળભળાટ મચાવી દીધો હતો. કોઇએ કહ્યું, સાર્ત્ર એ સરકારી સન્માનો સ્વીકારતા નથી તો કોઇએ કહ્યું કે સાર્ત્રએ સન્માનનો સ્વીકાર કર્યો હોત એને બદલે એનો અસ્વીકાર કરીને વધુ ખ્યાતિ મેળવી છે ! વીસમી સદીના આ મહાન ફ્રેચ સર્જક અને તત્ત્વચિંતક તથા અસ્તિત્વવાદના સ્થાપક એવા સાર્ત્રએ નોબેલ પારિતોષિકનો અસ્વીકાર કર્યો તે અંગે ઘણા વાદવિવાદો થયા. કેટલીય ચર્ચાઓ થઇ, પણ આ સનસનાટીભરી ઘટનામાં સત્ય સાવ ઢંકાઈ ગયું.
વાત એવી બની હતી કે સાર્ત્રએ 'ફિગૈરો લેટરેયર' નામના ફ્રેન્ચ પત્રમાં એના સ્વીડનના સંવાદદાતાનો એક અહેવાલ વાંચ્યો હતો કે નોબેલ પુરસ્કાર માટે સ્વીડિશ અકાદમી સાર્ત્રના નામનો વિચાર કરી રહી છે, પણ હજુ સુધી એ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી. આ સમયે સાર્ત્રએ વિચાર કર્યો કે એ અકાદમીને એક પત્ર લખીને પોતાના મંતવ્યની જાણ કરશે કે જેથી ભવિષ્યમાં આની કોઈ ચર્ચા ન થાય. સાર્ત્રને ખબર નહોતી કે સ્વીડીશ અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરનારા સાથે પૂર્વે કશોય વિચારવિમર્શ કર્યા વિના પુરસ્કારની ઘોષણા કરે છે.
સાર્ત્રએ વિચાર્યું કે એની ઘોષણા થતાં પહેલાં એ એને અટકાવશે પરંતુ એમને જાણ થઇ કે જ્યારે સ્વીડીશ અકાદમી એક નિર્ણય લે છે, તો તેને પાછો ખેંચી શક્તી નથી. પરિણામે પુરસ્કાર જાહેર થયા પછી સાર્ત્રએ સ્વીડીશ અકાદમીને પત્ર લખ્યો કે કેટલાક વ્યક્તિગત કે વસ્તુનિષ્ઠ કારણોને લીધે તેઓ આ સન્માનનો સ્વીકાર કરી શક્તા નથી. વ્યક્તિગત કારણ આપતા એમણે લખ્યું કે નોબેલ પારિતોષિકનો ઇન્કાર એ કોઈ આવેગભર્યું ભાવપ્રદર્શન નથી. એમણે અગાઉ પણ આવા પુરસ્કારો સ્વીકાર્યા નથી. અને કહે છે કે આવા સન્માનોનો અસ્વીકા કરવો, તેની પાછળ સર્જનકર્મ વિશેની મારી અવધારણા છે.
જોકે કોઈ લેખક પોતાનો આગવો રાજકીય, સામાજિક કે સાહિત્યિક વિચાર ધરાવે છે, તો તેણે પોતાના સંસાધનો પર નિર્ભર રહેવાની તાકાત કેળવવી જોઇએ. એટલે કે પોતાના લિખિત શબ્દો પર એણે એનું જીવન વ્યતીત કરવું જોઇએ. અહીં એક સર્જક તરીકેની સાર્ત્રની ખુમારી જોવા મળે છે અને કહે છે કે આવા સન્માનના સ્વીકારથી ભાવક પર પણ એક પ્રકારનું દબાણ આવે છે. જે યોગ્ય લાગતું નથી. હું જ્યાં પૉલ સાર્ત્ર તરીકે હસ્તાક્ષર કરું અને નોબેલ પ્રાઇઝ વિજેતા જ્યાં પૉલ સાર્ત્ર તરીકે હસ્તાક્ષર કરું, તો એ નિતાંત ભિન્ન બાબત બની જશે.
પુરસ્કાર સ્વીકારીને વ્યક્તિ સન્માનિત કરતી એ સમિતિ કે સંસ્થાની સાથે ખુદ સંબદ્ધ થઇ જાય છે. વેનેઝુએલામાં ચાલતા લોકજુવાળનું તે સમર્થન કરે છે, પરંતુ જો નોબેલ પ્રાઇઝ વિજેતા જ્યાં પૉલ સાર્ત્ર એનું સમર્થન કરે તો એ સંસ્થાગત રીતે સમગ્ર નોબેલ પુરસ્કારને એ માટે પ્રતિબદ્ધ કરે છે, આથી લેખકે પોતાને સંસ્થામાં પરિવર્તિત કરવી જોઇએ નહીં. પછી ભલે એ પરિસ્થિતિ ગમે તેટલી અથવા તો અત્યારે છે એટલી સન્માનજનક હોય. આની સાથોસાથ જ્યાં પૉલ સાર્ત્ર કહે છે કે જેઓ એ નોબેલ પુરસ્કાર મેળવે છે, એમના પ્રત્યે મારી કોઈ આલોચના નથી, એમના પ્રત્યે તો હું સન્માન અને પ્રસંશા ધરાવું છું આમ પુરસ્કારના અસ્વીકારનું વ્યક્તિગત કારણ દર્શાવ્યા બાદ સાર્ત્ર વસ્તુનિષ્ઠ કારણ પણ આપે છે અને કહે છે કે પૂર્વ અને પશ્ચિમ એ બંને સંસ્કૃતિના અંતરવિરોધોથી એ ખૂબ પ્રભાવિત છે.
વળી પોતે પોતાની સહાનુભૂતિ જેને પૂર્વબ્લોક કહેવામાં આવે છે, તેવા સમાજવાદ તરફ છે. જેઓ બંને સંસ્કૃતિને નજીક લાવવા ચાહે છે. એ માટે એ કારય કરે છે. આથી પૂર્વ કે પશ્ચિમના સત્તાધારીઓનું સન્માન લેવા માટે હું અસમર્થ છું. સાર્ત્ર ૧૯૬૪માં માર્કસવાદથી પ્રભાવિત હતા, જો કે એ પછી ૧૯૭૭માં એક મુલાકાતમાં એમણે માર્ક્સવાદ છોડી દીધો છે એવું કબૂલ્યું હતું. સાર્ત્ર એમ પણ કહે છે કે ઉદાહરણ રૂપે મને રશિયા તરફથી અપાતો લેનિન પુરસ્કાર મળે, તો તે પણ હું સ્વીકારીશ નહીં.
સ્વીડીશ અકાદમી વર્તમાન સમયે નોબેલ પારિતોષિક પશ્ચિમના લેખકો અને પૂર્વના વિદ્રોહી લેખકોને આપે છે એ અંગે સાર્ત્ર માર્મિક ટીકા કરે છે. એણે કહ્યુંકે દક્ષિણ અમેરિકા મહાન કવિઓમાંના એક એવા પાબ્લો નેરુદાને અપાયો નથી.આને માટે લુઇ આરાંગા દરેક રીતે યોગ્ય છે, છતાં તેને વિશે કોઈ વિચાર પણ કર્યો નથી. આ પુરસ્કાર પાસ્તરનાકને મળ્યો, પણ શોલાખોવને નહીં. આ રીતે આ પુરસ્કારની ક્ષતિ તરફ પણ જ્યાં પૉલ સાર્ત્ર ધ્યાન દોરે છે.
સ્વીડીશ અકાદમીએ સ્વતંત્રતાની વાત કરી, તે અર્થમાં સાર્ત્ર કહે છે કે આ શબ્દના ઘણા અર્થ થાય છે. પશ્ચિમમાં એક જોડીથી વધારે બૂટ રાખવા અથવા પુષ્કળ ખાવું એને સ્વતંત્રતા માનવામાં આવે છે.
નોબેલ પારિતોષિક આપનારાઓએ જ્યાં પૉલ સાર્ત્રના વિવાદાસ્પદ રાજકીય ભૂતકાળને જોયોહતો તેમ છતાં એનો ઉપયોગ તેની વિરુધ્ધમાં કર્યો નહીં એવા સમાચાર પ્રગટ થયા હતા. એ હકીકત હતી કે યુરોપીય સંસ્થાનવાદ, પશ્ચિમી સામ્રાજ્યવાદ નાઝીવાદ, ફાંસીવાદ, રંગભેદ, મૂડીવાદ અને યહૂદી વિરોધી માનસનો સાર્ત્રએ કટ્ટર અને સક્રિય વિરોધ કર્યો હતો. ફ્રાંસમાં જર્મન શાસન સામેના ભૂગર્ભ પ્રતિકાળ દળોમાં કામ કર્યું હતું. સાર્ત્રએ ફ્રાંસની હકૂમત હેઠળના અલ્જિરિયાના હિંસક સ્વતંત્રસંગ્રામને ટેકો આપ્યો હતો.
આવા સંગ્રામના પક્ષકાર સાર્ત્રની ધરપકડ થવી જોઇએ તેવા પેરિસના થયેલા ઉહાપોહ અંગે ફ્રાન્સના તે સમયના પ્રમુખ દગોલે કહ્યું હતું કે 'વોલ્ટેરને જેલમાં મોકલી શકાય નહીં. શાસનની સામે વિરોધનો બુલંદ અવાજ કરનાર સ્વતંત્ર બૌદ્ધિક સર્જકોની બીજા દેશો કરતાં ફ્રાન્સમાં વધારે પ્રતિષ્ઠા હોવાથી જ કદાચ રાજ્ય પણ એમને આટલું માન આપતું હતું. ત્રીજા વિશ્વના દેશોની સ્વાતંત્ર્ય લડતો અને ક્રાંતિઓને સાર્ત્રનો ટેકો હતો.'
સાર્ત્રએ એક સમયે રશિયન સામ્યવાદને ટેકો આપ્યો હતો. જો કે આથી વિખ્યાત સર્જક આલ્બેર કામૂ સાથેની સાર્ત્રની મૈત્રીનો અંતઆવ્યો હતો. પોતાના આવા 'વિવાદાસ્પદ રાજકીય ભૂતકાળ'ને ભૂલીને સ્વીડીશ અકાદમી આવો પુરસ્કાર આપે, તે તેઓ કઇ રીતે સ્વીકારી શકે ? 'વિવાદાસ્પદ રાજકીય ભૂતકાળ'માં કદાચ પોતાનાથી થોડી ભૂલો થઇ હશે, તેમ છતાં એ કાર્યને પોતે ગૌરવભેર સ્વીકારે છે.
અંતમાં જ્યાં પૉલ સાર્ત્ર એક માર્મિક વાત કહે છે કે અકાદમી વિજેતાને સન્માન સાથે પુષ્કળ ધનરાશિ આપે છે. આ બાબત પમ મારે માટે મૂંઝવણભરી બને, કારણ કે વ્યક્તિ કાં તો એ પુરસ્કાર સ્વીકાર કરે અથવા તો પોતાની પસંદગીનાં સંગઠનો કે આંદોલનમાં એ પુરસ્કારની રકમ આપે. જો મને આ રકમ મળે તો હું લંડનની રંગભેદ વિરોધ સમિતિને આ રકમ આપવા ચાહતો હતો. પણ મને લાગે છે કે રંગભેદની સમસ્યામાં આટલી રકમ કોઈ મોટો આધાર બની શકે નહીં. આથી સાર્ત્ર કહે છે અઢી લાખ ક્રાઉનની ધનરાશિનો એ માટે અસ્વીકાર કરું છું કે હું પૂર્વ કે પશ્ચિમની કોઈ સંસ્થાના રૂપે મારી ઓળખ થાય એમ ઇચ્છતો નથી, તો બીજી બાજુ અઢી લાખ ક્રાઉનને માટે પોતાના સિદ્ધાંતોને અવગણવાનું પણ કઇ રીતે થઇ શકે ?
અંતે સાર્ત્ર કહે છે - 'આ કારમે જ આ પુરસ્કારનો સવીકાર કરવો કે ઇન્કાર કરવો, એ બંને મારે માટે પીડાદાયક બન્યું છે. હું સ્વીડનની પ્રજા સાથે ભાઈચારો વ્યક્ત કરીને મારું આ સ્પષ્ટીકરણ સમાપ્ત કરું છું.'
આજની વાત
બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ : જહાંપનાહ, કોરોના મહામારીને કારણે પોતાના રાજ્યમાં પાછા જતા મજૂરોને 'પ્રવાસી મજૂર' કહેવામાં આવ્યા.
બાદશાહ : ક્યા ખૂબ !
બીરબલ : જહાંપનાહ, મુંબઇના સિનેજગતના કલાકારોને ગાયકો બીજા રાજ્યના છે, દિલ્હીના પત્રકારો મોટે ભાગે બીજા રાજ્યોના છે, ટીમના ખેલાડીઓ બીજા રાજ્યના છે, તો કોઇને પ્રવાસી કલાકાર, પ્રવાસી પત્રકાર, પ્રવાસી ગાયક કે પ્રવાસી લેખક કહેતા નથી, તો પછી મજૂરને જ પ્રવાસી કેમ ? બધા એક જ દેશનો હિસ્સો છે, તો પછી મજૂરને પ્રવાસી કહીને શા માટે અપમાનિત કર્યા ?
પ્રસંગકથા
યુવાન દેશનો વિક્રમ વ્યથાનું કારણ બનશે
ત્રણ ડૉક્ટર. ભારે બડાશખોર. એ ત્રણે એવો દાવો કરે કે દર્દીને તપાસ્યા વિના હું કહી શકું કે એના શરીરમાં કયા અંગનું હાડકું ભાંગી ગયું છે.
એવામાં એક વ્યક્તિ લંગડાતો લંગડાતો નીકળ્યો. એને જોઇને પહેલા ડોક્ટરે કહ્યું, 'આના ઘૂંટણનું હાડકું ભાંગી ગયું લાગે છે.'
બીજા ડોક્ટરે કહ્યું, 'ના, ના. એની કમરનું હાડકું ભાંગી ગયું છે, તેથી આમ ચાલે છે.'
ત્રણે ડૉક્ટરે કહ્યું, 'અરે, જુઓ તો ખરા ! એના પગનાં તળિયામાં તકલીફ છે, ે તમને કોઇને દેખાતું નથી ? એનાપગની એડીનું હાડકું તૂટી ગયું છે.'
ત્રણે ડૉક્ટરો લંગડાતા પગે ચાલતા એ સજ્જન પાસે ગયા અને પૂછ્યું, 'ભાઇ, અમે ત્રણે ડૉક્ટર છીએ, પણ તમારી વ્યાધિના નિદાનની બાબતમાં તફાવત આવે છે. એકના કહેવા મુજબ ઘૂંટણનું, બીજાના કહેવા મુજબ કમરનું અને ત્રીજાના કહેવા મુજબ તમારી એડીનું હાડકું ભાંગી ગયુંછે. તેથી તમે આવી રીતે લંગડાતા ચાલો છો. અમારામાંથી કોનું નિદાન સાચું છે, તે કહેશો ?'
પેલા સજ્જને કહ્યું, 'ભાઈ, મારું કોઈ હાડકું ભાંગી ગયું નથી. માત્ર મારી ચંપલ તૂટી ગઈ છે એટલે આ રીતે ચાલું છું.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે આપણા દેશની સમસ્યાઓની વિચારણા પેલા ત્રણ ડૉક્ટરોના નિદાન જેવી બની ગઈ છે ! કોઈ વધતી જતી બેકારીને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવે છે, તો કોઈ દેશમાં પ્રવર્તમાન ગરીબીના આઘાતજનક આંકડાઓ સામે ધરે છે. બીજી બાજુ મહાનગરોના પ્રદૂષણને જોઇને કોઈ પર્યાવરણના ખતરાને બતાવે છે, તો કોઈ કુપોષણને કારણે થતાં બાળમરણની બિહામણી તસવીર રજૂ કરે છે.
હકીકતમાં દેશની સમસ્યાનું સાચું નિદાન તો આ દેશમાં કૂદકે ને ભૂસકે થતો વસ્તી વધારો છે. દેશનાં સંસાધનોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. પૂરતું અન્ન થતું હોવા છતાં અન્નસમસ્યા ઉકેલી શક્યા નથી. વધતી વસ્તી અર્થવ્યવસ્થા પર કુઠારાઘાત કરે છે. હવે પછીના ત્રીસ વર્ષમાં દેશની વસ્તી બમણી થશે ત્યારે શું થશે ?
સૌથી વધુ યુવાનો ધરાવતા દેશ તરીકે ગૌરવ લઇએ છીએ, પરંતુ કુપોષણ અને બેકારીને કારણે આ ગૌરવભર્યો વિક્રમ દેશની વ્યથાનું કારણ બન્યો છે ! સઘળી સમસ્યાઓના મૂળ સમાન દેશ વસ્તીવધારા તરફ દુર્લક્ષ્ય સેવીશું, તો દેશની હાલત વધુને વધુ બદતર બની જશે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I27Lp1
No comments:
Post a Comment