રશિયાના મનની વાત . - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 4 November 2020

રશિયાના મનની વાત .


અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં પરિણામ ગમે તે આવે અને નેતૃત્વમાં પરિવર્તન થાય કે ન થાય, એનાથી ચીન અને અમેરિકાના વણસેલા સંબંધોમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. કારણ કે એ વિવાદ માત્ર બે રાષ્ટ્ર નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ નથી. થોડા  દિવસ અગાઉ રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુટિને એક રસપ્રદ કોમેન્ટ કરતાં કહ્યું કે મોસ્કો અને બેઈજિંગ વચ્ચે સૈન્ય ગઠબંધનની જરુરિયાત બંનેમાંથી કોઈ દેશોને નથી.

આમ છતાં આ પ્રકારનું ગઠબંધન શક્ય છે. પુટિનની આ કોમેન્ટ તેમણે ચીન તરફ લંબાવેલા દોસ્તીના હાથ તરીકે જોવામાં આવી રહી છે. જો કે ચીને આ અંગે ઠંડો પ્રતિસાદ આપ્યો છે. રશિયન સૈન્યના હાઈ લેવલના સૂત્રોએ પણ નજીકના ભવિષ્યમાં આવી યોજના ન હોવાના સંકેત આપ્યા છે. આમ છતાં પુટિને આ બાબતને સૈદ્ધાન્તિક રીતે શક્ય ગણાવી છે તો તેના ઘણા અર્થ નીકળી શકે છે.

કોરોના મહામારીના કારણે ચીન અમેરિકાનો નંબર વન શત્રુ બની ચૂક્યું છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે ચીનની સામે વિવિધ રાષ્ટ્રોની ધરી બની રહી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિનું સંતુલન જાળવી રાખવા માટે ભવિષ્યમાં થનારા ગઠબંધનના સંકેત તરીકે આ નિવેદનને જોવામાં આવી રહ્યું છે. રશિયાને આમ પણ અમેરિકાના દુશ્મનોમાં વિશેષ રસ પડતો હોય છે. પુટિનનું આ નિવેદન ચીન કરતાં અમેરિકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોય તેમ વધુ લાગી રહ્યું છે. રશિયા અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ઉકેલાઈ ગયો છે, જેના કારણે બંને દેશોના સંબંધો નવી દિશામાં આગળ વધ્યા છે.

પુટિને તેના જ એ નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે ચીનની સૈન્ય ક્ષમતા વધારવામાં રશિયાની ભૂમિકા મહત્ત્વની રહી છે. આમ છતાં જો સૈન્ય ગઠબંધન માટે બંને દેશોએ વધુ પડતી સાવચેતી રાખવી પડે તેમ છે, નહીંતર બીજા દેશો સાથેના વ્યાપારી સંબંધોને અસર થઈ શકે છે.

જો રશિયા અને ચીન સૈન્ય ગઠબંધન માટે હાથ મિલાવે તો ચીનને યુરોપીયન બજારમાં મોટો ફટકો પડી શકે છે. કારણ કે યુરોપમાં રશિયાના શત્રુઓનો કોઈ પાર નથી. યુરોપના શસ્ત્ર ઉત્પાદક દેશો અને રશિયા વચ્ચે આદિકાળથી ટેકનોલોજિકલ સ્પર્ધા ચાલી રહી છે. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં તો રશિયન જાસૂસો યુરોપીય દેશોમાં રખડતા રહે છે. આમ છતાં અમેરિકા અને ચીન વચ્ચે વધતા અંતર અને એશિયા-પ્રશાંત વિસ્તારમાં અમેરિકાના વધતા જતાં રસને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આ જ રીતે ભારત પણ પુટિનના આ નિવેદનમાં છુપાયેલા સંકેતોની ઉપેક્ષા કરી શકે તેમ નથી.

ચીનની સાથે વર્તમાન તણાવને જોતા ભારતે અન્ય દેશોની સાથે સહયોગ કરવો અને તેમનું સમર્થન હાંસલ કરવું જરુરી છે. જો કે આ અંગેના પ્રયાસમાં અમેરિકા સાથેની વધુ ગાઢ બનતી જતી દોસ્તીની વિપરિત અસર ભારત અને રશિયાના સંબંધો પર ન પડે એ સમતુલા જાળવવાની જવાબદારી ભારતીય વિદેશ મંત્રાલયની છે.

ભારત અને રશિયાના સંબંધો વર્ષો જૂના છે અને બંને એકમેકનો સહયોગ કરતાં આવ્યા છે. શસ્ત્રોની ખરીદીથી આરંભીને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાયી સલામતી સમિતિમાં ભારત તરફી સ્ટેન્ડ લેવા સુધીની દોસ્તી બંને દેશો વચ્ચે રહી છે. હવે બંને વચ્ચે એવો કોઈ વિવાદ-તકરાર કે મતભેદ નથી કે આ દોસ્તીના તારને નબળા પાડવામાં આવે. બધા દેશોએ આ વાત સમજી લેવાની જરુર છે કે ભારત તેના દરેક જૂના મિત્ર રાષ્ટ્રોની સાથે યોગ્ય વ્યવહાર કરતું આવ્યું છે.

કોઈની સાથે ઘનિષ્ઠ મિત્રતા બંધાય એટલે જૂના દોસ્તોને ભૂલી જાય તે ભારતનો સ્વભાવ નથી. હજુ પણ ભારત નહેરુના જમાનાની બિનજોડાણવાદી નીતિના પડછાયામાં ઊભું છે અને જૂના રાજકર્તાઓનો એ આછો અજવાસ પણ વર્તમાન શાસકોને અમાસની રાતના તારા જેમ નિકટનો ભાવિ પથ બતાવે છે. દૂરના વળાંકો તો દરેક દેશના વર્તમાને જાતે ઉકેલવાના કે ધારવાના હોય છે.

આમ છતાં પુટિનના નિવેદન બાદ ભારતે પણ આ અંગેના સ્પષ્ટ સંકેતો મિત્ર દેશને મોકલવાની જરુર છે. ભારતને કોઈની છત્રછાયાની જરુર પડી નથી અને પડશે પણ નહી. આમ છતાં ભારતે અમેરિકા સાથેની દોસ્તીને ટકાવી રાખવાની અને સાથોસાથ રશિયા સાથેના સંબંધોને પણ યથાવત્ રાખતી કૂટનીતિને અમલમાં મૂકવાનો સમય પાકી ગયો છે. જેથી વર્ષો જૂની દોસ્તીને ગાઢ બનાવતો એક નવો અધ્યાય ઉમેરી શકાય. અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી તરફ આખી દુનિયાનું ધ્યાન છે ત્યારે પુટિને ઉચ્ચારેલા ચીન સાથેના સંબંધો અંગેના વિધાનો કહીં પે નિગાહે કહીં પે નિશાના જેવા છે. 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I3ZzEQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages