- અરવલ્લી જીલ્લાના 2500ની વસ્તી ધરાવતા ભુતાવડ ગામમાં પણ સટ્ટેા રમનારા પકડાયા

૧૦મી નવેમ્બરે આઇપીએલની જંગની ફાઇનલ છે. જેમ દારૂ પકડાયો કે જુગાર રમતા પકડાયાના અહેવાલો સામાન્ય થઇ ગયા છે એમ આઇપીએલ જંગ માટે સટ્ટો રમનારા પણ રોજ પકડાતા જોવા મળે છે. સટ્ટો રમાડતી એક ગેંગ છે એમ સટ્ટો રમતો પણ એક વિશેષ વર્ગ છે. સટ્ટો એ વરલી મટકાનું થોડું ઉંચુ વર્જન છે એમ કહી શકાય. સટ્ટો રમનારાઓને રમવાનું બહાનું જોઇતું હોય છે. જુગાર, જૂગટું, બેટીંગ, સટ્ટો,ઓનલાઇન બેટીંગ, લોટરી વગેરે એકજ મા બાપના સંતાનો છે.
સટ્ટો એ બહુ ગળચટ્ટો શબ્દ છે. દરેક વર્ગ અને કોમ વત્તે ઓછે અંશે સટ્ટાના સાગરમાં ડૂબકી લગાવતી હોય છે. છતાં સટ્ટો બદનામ થતો આવ્યો છે. સટ્ટો રમાડનાર કમાય છે અને રમનારા ભાગ્યેજ પૈસો ઘેર લઇને જાય છે એવું જાણતા હોવા છતાં લોકો સટ્ટો રમવા લલચાય છે. જ્યાં અનિશ્ચિતતા છે ત્યાં સટ્ટો છે. મહાભારતમાં યુધિષ્ઠિર જેવો સંયમી અને સત્ય વચની જુગાર રમવામાં પોતાના ભાઇઓ અને પત્નીને ગુમાવે છે, વનમાં ભટકવું પડે છે.
મહાભારત કાળથી લોકોને સમજાવાય છે કે જુગારથી દુર રહો પરંતુ જ્યાં રાજાઓ જુગારી હોય ત્યાં પ્રજાને શિખામણ કેવી રીતે આપી શકાય? હાર્યો જુગારી બમણું રમે એમ યુધિષ્ઠિર જુગાર રમ્યા હતા. જુગાર રમનારા સમક્ષ માહોલ એવો ઉભો થાય છે કે તે બમણું રમવા તૈયાર થઇ જાય છે. આવા લોકો પોતાનું નસીબ અજમાવવામાં ખૂંપેલા રહે છે. અન્ય રાજ્યોની વાત જવા દઇએ અને માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજકાતનો એક પણ ખૂણો બાકી નથી કે જ્યાં આઇપીએલ પર સટ્ટો ના રમાતો હોય.
અહીં ઉદાહરણ તરીકે સાંબરકાંઠાના અરવલ્લિ જીલ્લાનું નામ આપી શકાય. અરવલ્લિ જીલ્લાના ભિલોડા તાલુકાના ભુતાવડ ગામમાં આઇપીએલનો સટ્ટો રમતાં લોકો ઝડપાયા હતા. આ વિસ્તારોમાં મકાઇ,એરંડા,સોયાબીન જેવા પાક લેવાય છે. આવા આંતરિયાળ વિસ્તારમાં પણ લોકોને સટ્ટો રમવાની ધૂન જોવા મળે છે. મુંબઇથી કેટલાક લોકો અહીં આવીને આઇપીએલનો સટ્ટો રમાડતા હતા. સટ્ટો રમાડનારા અને રમનારા એમ બધાજ પકડાઇ ગયા હતા. જોકે અહીં મહત્વની વાત સટ્ટાના ક્રેઝની છે.
ભુતાવડની વસ્તિ માંડ ૨૫૦૦ની છે. ત્યાં પણ આઇપીએલનો સટ્ટો રમાય છે. જ્યાં સટ્ટો રમનારા છે ત્યાં સટ્ટો રમાડનારા પણ હોય છે. સટ્ટો રમાડનારા મુખ્ય બુકીના સર્વર સાથે જોડાયેલા હોય છે અને રોકડમાં વ્યવહાર કરતા હોય છે. કહે છે કે આઇપીએલનો જંગ સટ્ટાબજાર સાથે સીધો સંકળાયેલો હોય છે. અનેક મેચો જોઇને એમ લાગે કે તે ફિક્સીંગ વાળી છે.
કેટલા ચોગ્ગા વાગશે અને કઇ ઓવરમાં કેટલી સિક્સ વાગશે તે સહિતના મુદ્દાઓ પર સટ્ટો રમાય છે. મેચ વિનર, આઇપીએલ વિનર વગેરે પર પણ સટ્ટો રમાય છે. સટ્ટાના આખા નેટવર્કમાં પોલીસ સંડોવાયેલી હોય છે. આઇપીએલની મેચો રસપ્રદ અને તીવ્ર રસાકસી ભરી બનાવવાની સ્ક્રીપ્ટ અગાઉથી લખેલી હોય છે. દર્શકોતો ખોટી ઉછળ કૂદ કરતા હોય છે. અનુભવીઓ માને છે કે આખો મામલો ફિકસ થયેલો હોય છે.
ટોચના ક્રિકેટરો મેદાન પર બોલિવુડના એેક્ટરો કરતાં પણ સારી એક્ટીંગ કરતા જોવા મળ્યા છે. રન આઉટ થવું, કેચ આઉટ થતી વખતે નિરાશા બતાવવી વગેરે તેમની એક્ટીંગનો એક ભાગ હોય છે. લોકોને સટ્ટો રમતા રોકી શકાય એમ નથી . તેનું નેટવર્ક નશીલી દવાઓ જેવું હોય છે.
આઇપીએલ પર સટ્ટો રમનારાઓને પકડવા ના જોઇએ કેમકે ઓન લાઇન સટ્ટાબજાર જાહેરમાં ચાલતું હોય છે. સરકાર તેને રોકી શકતી નથી અને શહેરોમાં રમતા લોકોને પરેશાન કરતી હોવાની ફરિયાદ ઉઠી છે. ઓનલાઇન બેટિંગ પર પણ પ્રતિબંધ છે છતાં વિવિધ આઇડયા હેઠળ ઓનલાઇન સટ્ટાબજાર ચાલુ છે.
વાચકોને ખ્યાલ હશે કે ગયા મહિને ડીજીટલ પેમેન્ટની માસ્ટર એવી પે ટીએમ પર ગુગલ એપ્લિકેશને પ્રિતિબંધ મુકી દીધો હતો અને કેટલીક સ્પષ્ટતા બાદ પ્રતિબંધ ઉઠાવાયો હતો. પે ટીએમ પર એવો આક્ષેપ કરાયો હતો કે તે ઓનલાઇન બેટીંગને પ્રોત્સાહન આપે છે. ઇન્ટરનેટ પર ઓનલાઇન લોટરી અને સટ્ટા જેવા કૌભાંડો જોવા મળે છે. જાયન્ટ સાઇટો ઓનલાઇન તમામ દૂષણોને પંપાળે રાખે છે. આ વખતે આઇપીએલની દરેક મેચો પર સટ્ટો રમાયો છે. ૧૦મીની ફાઇનલ પર પણ કરોડો રૂપિયાની હેરાફેરી થવાની છે. સટ્ટો રમનારે યાદ રાખવું જોઇએ કે સટ્ટો રમાડનાર ક્યારેય ખોટ નથી કરતો અને સટ્ટો રમનારને મોંટાભાગે રોવાનો વારો આવે છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mQeDVq
No comments:
Post a Comment