મંથનઃ પોઝિટીવિટી વિ. નેગેટીવિટી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 3 November 2020

મંથનઃ પોઝિટીવિટી વિ. નેગેટીવિટી

- જો તમને દરેક વસ્તુ કે બાબત સારી જ લાગશે તો તમે થોડા જ દિવસોમાં શ્રેષ્ઠતા ગુમાવી દેશો


મા ણસ અને પ્રાણીઓમાં અંતર એ છે કે પ્રાણીઓને ક્યારેય ઓપિનિયન આપતા સાંભળવામાં આવ્યા નથી. પ્રાણીઓ યમને અનુસરે છે. ભૂખ લાગે ત્યારે જમી લે છે. ઊંઘ આવે ત્યારે સૂઈ જાય છે. આ સિવાય પણ તેમનામાં વર્તણૂકનું વૈવિધ્ય જોવા મળે છે, પણ તે લિમિટેડ છે. વાઘ ક્યારેય ડાબેરી વિચારધારાનું સમર્થન કરતો નથી, કે સિંહ ક્યારેય વર્તમાન સમાજની ટીકા કરતો નથી. આ બધી વિશેષતા, સુવિધા, ખૂબીઓ પર માણસજાતની મોનોપોલી છે.

યમ એટલે શું? જે નેચરલ આવેગ આવે તેને યમ કહેવાય. જેમ કે ભૂખ લાગવી, ઊંઘ આવવી, ટોઇલેટ લાગવી વગેરે. નિયમ એટલે આવેગ આવે કે ન આવે, ધક્કો લાગે કે ન લાગે પણ પાલન કરવાનું. બપોરે બે વાગ્યે એટલે જમી જ લેવાનું. મૂળ વાત એમ છે  કે માણસ પાસે ઑપિનિયન આપવાની વિશેષતા છે. ઑપિનિયન આપવાની વિશેષતા આપણને આપણી પ્રચંડ વિચાર શક્તિથી પ્રાપ્ત થઈ છે.  ઑપિનિયનની વાત નીકળી તો ઘણાને એમ લાગશે કે હમણા તંત્રીપાનાની વાત છેડાશે, હમણા મોટા-મોટા થોટ લીડર્સ અને ઑપિનિયન રાઇટર્સના નામ આવશે. તમે વન સાઇડ વિચારો છો. અભિપ્રાય કે અભિવ્યક્તિની સીમા શૂન્યથી અનંત સુધી છે. આવું બે પ્રકારે હોય છે.

 અભિપ્રાય નાનામાં નાની ચીજથી શરૂ થાય છે. જેમ કે આ ટેબલ સારું નથી બન્યું, આજે શાક બરાબર નથી બન્યું, તું લાલ કલરનો શર્ટ પહેર એ તને બહુ શોભે છે. મોટા અભિપ્રાયો જેમ કે તમે જે લખી એ ગઝલમાં ક્યાંય કવિતા નથી. ફ્રાંસમાં થયેલા ત્રાસવાદી હુમલા વિશે મુન્નવર રાણાએ જે સ્ટેન્ડ લીધું છે તે ટીકાપાત્ર છે. રાજનાથસિંહની જેમ કડી નિંદા કરવી. નાનામાં નાના માણસનેય પોતાનો ઑપિનિયન હોઈ શકે છે. તે કોઈ ચીજવસ્તુ વિશેનો હોઈ શકે છે અને દેશ વિશેનો પણ હોઈ શકે છે. અરે વોટ પણ એક ઑપિનિયન જ છેને. મત. મારો મત. 

મત ક્યાંથી પેદા થાય છે? અવલોકનમાંથી. હવે તમે જ વિચારો. જો તમે એક આંખે અવલોકન કરશો તો સાચું ચિત્ર પામી શકશો? નહીં, પામી શકો. બેય આંખે જોવું જરૂરી છે. આ બે આંખ એટલે પોઝિટિવિટી અને નેગેટિવિટી. પોઝિટીવ થિંકિંગ ખોટુંછે એવું નથી, પણ ઑન્લી પોઝિટીવથી દુનિયા ચાલી શકવાની નથી. પોઝિટિવિટી અને નેગિટિવિટી વિશે દરેકનું સત્ય જુદું હોય છે. 

એક ગુરુ તેના શિષ્યની હંમેશા ટીકા કરે છે. ક્યારેય વખાણ કરતો નથી. તેને તેનામાં નેગેટીવ જ દેખાય છે. વખાણ ન થવાની પીડામાં બળતો શિષ્ય સખત મહેનત કરતો રહે છે અને સચિન તેન્ડુલકર કે ગીતા ફોગાટ બની જાય છે. તો ગુરુજીએ કરેલી ટીકાને તમે પોઝિટિવ કહેશો કે નેગેટીવ. સચિન તેન્ડુલકરે રમાકાંત અચરેકરને કહેલું, સર હવે હું નિવૃત્ત થઈ ગયો છું. હવે તમે મારા વખાણ કરી શકો છો.

જો ગુરુજીએ તેના શિષ્યમાં વખાણની હવા ભરી દીધી હોત તો તે ક્યારેય શ્રેષ્ઠ પરફોર્મન્સ સુધી પહોંચી શક્યો નહોતો. સમાજમાં નેગેટિવિટીની જરૂર છે. આપણે તે નેગેટિવિટી સુધી જવું કે ન જવું તે આપણી ગ્રહણશક્તિને આધીન છે. દરેક વસ્તુને સારી કહેવાથી કે હંમેશા સારું જ વિચારવાથી પોઝિટિવિટી તો જળવાય છે, પણ ગુણવત્તા પડી ભાંગે છે.

સારો મોબાઈલ હોય કે સારું ટેલવિઝન, બેડશિટની ડીઝાઈન હોય કે વૉલપીસ, આપણે જે કોઈ શ્રેષ્ઠ ચીજ સુધી પહોંચ્યા છીએ તેની પાછળ હજારો લાખો રીજેક્ટ થયેલી ચીજોનો ઢગલો છે. એ પણ કોઈકે તો બનાવેલી જ છે. જે-તે ક્ષેત્રના જાણકારોએ એ ચીજોને, એ કૃતિઓને, એ સેવાઓને રીજેક્ટ ન કરી હોત તો આજે જે કંઈ શ્રેષ્ઠ આપણે ભોગવી રહ્યા છીએ તેનાથી વંચિત રહી જાત.

પોઝિટિવિટીના હઠયોગીઓની વાત માની લઈએ. આજથી ઊંધા ચાલવાનું શરૂ કરીએ. જે કંઈ હોય એમાં સારું જ જોવાનું અને વખાણ કરવાના. તમે કોઈ હોટલમાં જાવ અને ખરાબ રૂમ સર્વિસ મળે તોય વખાણ કરવાના, સવારે નળમાં ગંદું પાણી આવે તોય એમાં સારું જ જોવાનું. અવાર-નવાર વીજળી જતી રહે તોય સારું જ વિચારવાનું, સારું જ બોલવાનું. તો ધીમે-ધીમે એવું થશે કે તમને મળતી સારી સેવાઓ બંધ થઈ જશે. કારણ કે હવે તમને ખરાબમાંય સારું દેખાવા માંડયું છે. ખરાબથી ચાલવા લાગ્યું છે. રસ્તાઓ તૂટી ગયા હોય અને છાપામાં તેની ટીકા કરતા સમાચાર છપાય તેને નેગેટીવ ન્યૂઝ માનવામાં આવે છે. એ નેગેટીવ ન્યૂઝ વાંચીને બીજે દિવસે તંત્ર કામે લાગે છે અને સડક નવી બનાવે છે. તો આ ન્યૂઝ નેગેટીવ થયા કે પોઝિટીવ? બધી નેગેટિવિટી ખરાબ નથી. એ જ નેગેટિવિટી ખરાબ છે જેની ઇમ્પેક્ટ પણ નેગેટીવ હોય. જેની ઇમ્પેક્ટ નેગેટીવ હોય એવી પોઝિટિવિટી પણ ખરાબ છે.

કોઈ વ્યક્તિને નેગેટીવિટી નથી સાંભળવી કે નથી જોવી, માત્ર પોઝિટીવ જ સાંભળવું છે, પોઝિટિવ જ જોવું છે તો તે તેની વ્યક્તિગત પસંદગી છે. તેને ફોર્સ કરી શકાય નહીં. નેગેટિવિટીના પોતાના નુકસાન પણ છે. તમારી માનસિક ક્ષમતા કરતા વધારે નેગેટીવ તમે જોવો, સાંભળો તો તમારા માનસ પર એની અસર થાય છે. સહેજ પણ નેગેટિવિટી સહી ન શકતા લોકોને ખરેખર નેગેટિવિટી નહીં, પોતાનું નબળું મન નુકસાન પહોંચાડતું હોય છે. તેમણે નેગેટિવિટીથી ભાગવાને બદલે પોતાનું મન કેળવવાની જરૂર હોય છે. મેડિટેશન મનને કેળવવાનો ઉત્તમ માર્ગ છે. 

ઘણા એવા ક્ષેત્રો છે જેમાં સંકળાયેલી વ્યક્તિએ નેગેટિવિટી સાથે રોજેરોજ કામ પાર પાડવાનું હોય છે. જેમ કે પોલીસ. તેમને દિવસ-રાત અપરાધીઓના જ મોઢા જોવાના. ખરાબ ઘટનાઓની જ પાછળ દોડવાનું. પણ ઘણા પોલિસ કર્મીઓને તમે મળો તો એકદમ પ્રફુલ્લિત હોય, ઋષિ જેવી શાતા હોય તેમના ચહેરા પર. જાણે કે તેઓ આ વ્યવસાયમાં રહીને પણ નેગેટિવિટીથી અલિપ્ત છે. એ બીજું કશું નહીં, તેમની માનસિક શક્તિ છે, તેમની સાચી થોટ પ્રોસેસ છે. તેઓ ક્યારેય એમ કહેતા નથી કે સમાજમાં ગુંડા છે જ નહીં. તેઓ ગુનો નોંધે છે, અપરાધીઓને પકડે છે, જેલ ભેગા કરે છે. તોય તેમના માનસ પર નકારાત્મક અસર થતી નથી.

આવું આપણાથી થાય તો શ્રેષ્ઠ ન થાય તો આપણને આપણી દુનિયા બનાવીને જીવવાનો, આપણી કલ્પનાઓમાં, ગમતી વાસ્તવિકતાઓમાં વિહરવાનીય સ્વતંત્રતા છે. દુનિયામાં તો નેગેટિવ ઘટનાના દરિયા પડેલા છે. દરેક દરિયાને આપણે ઉલેચવાની કે દરેક વિશે કંઈ જાણવાની જરૂર નથી. પણ પણ પણ, આપણે પોઝિટીવ થિન્કિંગમાં માનતા હોઈએ એટલે નકારાત્મકતા સાથે ડીલ કરતા લોકોની ટીકા કરવી, તેમને રીજેક્ટ કરવા એ એક પ્રકારની બાલિશતા છે.

કોઈ પણ વિચારધારા ખરાબ નથી. ખરાબ જો કંઈ હોય તો તે છે કટ્ટરતા છે. આપણે ભલે બીજાના વિચારને આપણી લાઇફમાં ન લાવવા માગતા હોય, પણ બીજાના વિચારને ચોકડી મારી દેવી, હું એક જ સાચો છું એવું માની લેવું એ ડેન્જર છે. આવું એકાંગી ચિંતન તમને કોઈ ફાયદો આપી શકશે નહીં. એક વાત યાદ રાખો, મંથન માટે દેવો અને દાનવો બંનેની જરૂર છે. દોરડાને પણ બે છેડા હોવા અનિવાર્ય છે.

આજની નવી જોક

લલ્લુ (પાનવાળાને): તમે મને ઓળખો છો?

પાનવાળોઃ ના.

લલ્લુઃ મારા પપ્પાને ઓળખો છો?

પાનવાળોઃ ના.

લલ્લુઃ ઓકે. તો એક સિગારેટ આપો.

પાનવાળોઃ હેં!?



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GoTzpp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages