દિવાળી કેમ લાગે છે ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 3 November 2020

દિવાળી કેમ લાગે છે ?


દર વરસે શરદ પૂર્ણિમાનો ચંદ્ર ઢળવા લાગે એટલે દિવાળીના દિવસોની ખરી શરૂઆત થાય. પૂર્ણ ચંદ્ર પછીની આ મોસમમાં બજારમાં ભીડ છલકાતી જોવા મળે. હજુ દિવાળીની ખરીદીની આછી અમથી શરૂઆત જ થઈ છે અને બજારને આશા છે કે એ ગતિ પકડશે. લોકડાઉન અને પછીના આ ક્રમશઃ અનલોકમાં બજાર બેઠા થવાની મથામણમાં છે. અનેક તાલુકા અને જિલ્લા સેન્ટરોમાં હજુ હટાણા માટેની ગિરદી દેખાતી નથી. વેપારીઓનો એમ પણ અનુભવ છે કે બપોર સુધી બૉણી શરૂ થતી નથી.

બૉણી એટલે વેચાણનો માંગલિક શુભારંભ. ગયા વરસે છેલ્લી ઘડીની 'ઘરાકી' દેખાઈ હતી તે એવી ને એટલી  આ વરસે દેખાય તો પણ સારું છે. દેશની ટોચની કહેવાય એવી સંખ્યાબંધ ફાઇનાન્સિયલ કંપનીઓ નાણાંભીડમાંથી પસાર થઈ રહી છે. દેશની વિધવિધ બજારોમાં જે રૂપિયો લ્હેરથી ફરતો હતો એને એનડીએ સરકારે બે વાર વેક્યુમ બ્રેક મારી છે, એક નોટબંધી અને બીજી જીએસટી. એમાં વધારાની થપાટ ચીની વાયરસે મારી છે. 

નાગરિકોના અબજો રૂપિયાનુ ધોવાણ થયું. રોકાણકારોના એ નાણાં ક્યાં ગયા અને હવે એ ક્યાં વપરાશે એ બજારના અઠંગ ખેલાડીઓ તો જાણતા જ હોય છે. શેર બજારમાં ગુજરાતીઓની તો એ જૂની કહેવત છે કે જે ઘોડા પરથી આપણે પડયા હોઈએ એના પર બીજી વાર સવારી ન કરાય અને જ્યારે તેજીનો પવન ચાલુ થાય ત્યારે નવા ઘોડાઓ પર જ ક્રમશઃ સવારી કરાય એટલે રોકાણકારો અત્યારે બજારમાંથી છાને પગલે સરકવા લાગ્યા છે.

ક્રમશઃ વિવિધ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પર શેર બજારની હવે નજર છે. એટલે ડિસેમ્બરના અંત પછી જ બજારમાં નવી સક્રિયતાઓ જોવા મળશે. વિદેશી રોકાણકારો તો ક્યારના ય છટકી ગયા છે. તેઓ સમયસર વચગાળાનો નફો બાંધીને નીકળી ગયા પછી જ બજારે મોટી પછડાટ ખાધી છે.

ગુજરાતની જેમ દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસુ બિનઉપયોગી નીવડયું છે. પ્રમાણસરના વરસાદ વિના ચોમાસાનો સુખદ અનુભવ ખેતીવાડીને હોય નહિ. વીતેલા ચોમાસાનું રાષ્ટ્રીય સરવૈયું સરકાર હવે પ્રગટ કરતી નથી. પરંતુ લોકાનુભવ છે કે, આ વખતનો વરસાદ ખેડૂતો માટે કોઈ કામનો વરસાદ ન હતો. સૌરાષ્ટ્રમાં છેલ્લા રાઉન્ડમાંય ભારે વરસાદ હતો. એક તો કપાસ ઝંખવાઈ ગયેલો છે અને તેમાં પાછોતરો વરસાદ પડયો હતો એટલે બિયારણના નાણાં પણ ખેડૂતોને નહિ મળે. રાજ્ય સરકારને બધી જ બાબતો ચૂંટણી પ્રચારના ત્રાજવે તોળવાની જે કુટેવ પડી ગઈ છે એને કારણે લીલા દુકાળથી સર્જાયેલા અછતગ્રસ્ત જિલ્લાઓની યાદી અને એ માટેની રાહતો જાહેર થતી નથી. 

ચોમાસુ પૂરું થઈ ગયું છે એટલે અછત કે અર્ધ અછત અંગે સરકારે પોતાની જવાબદારી અને પેકેજ નક્કી કરી લેવા જોઈએ. આવી વિષમ પરિસ્થિતિમાં સરદાર પટેલના પડછાયામાં ઊભા રહેવાનો અભિનય કરીને ભાજપે જે એકતા યાત્રાનો રાજ્યવ્યાપી ખેલ કર્યો તે સંપૂર્ણ ફ્લોપ ગયો છે એના કારણમાં પણ એક જ હકીકત છે કે ગુજરાતનો ગ્રામસમાજ અને કૃષિસમાજ આજે કેવા સંયોગોમાંથી પસાર થઈ રહ્યો છે તે અંગે રાજ્ય સરકારમાં સભાનતાની ઘોર તંગી પ્રવર્તે છે.

કોરોનાએ કૃષિ જગતને પણ આકરા ડામ દીધા છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો બજારને ઑનલાઇન શોપિંગ સ્વરૂપે હવે વિકરાળ લાગે છે. દેશના કેટલાક શહેરોમાં તો બજારોમાં હજુ ય સન્નાટો દેખાય છે. આજે ગુજરાતના બજારોની હાલત એ થઈ ગઈ છે કે સોમાંથી દસ વેપારીઓ પોતાના વેપાર દિવાળી પછી સમેટી લેવા ચાહે છે. ઑનલાઇન પ્લેટફોર્મની સામે તેઓ ટક્કર લઈ શકતા નથી. 

જો કે અનેક કંપનીઓએ તેમના કર્મચારીઓના જે પગાર કાપ્યા હતા તે હવે આખા કરી આપ્યા છે. કોર્પોરેટ સેક્ટરમાં સુધારો જોવા મળે છે. ઔદ્યોગિક અને ઓટો સ્પેરપાર્ટની ડિમાન્ડ ભારે હોવાને કારણે ઉત્પાદન યુનિટો ધમધમવા લાગ્યા છે. બજારમાં વેચાતી દરેક વસ્તુના ભાવો હવે 'ઉઘાડા' થઈ ગયા છે.

એવું પણ જોવામાં આવે છે કે ગ્રાહકો માત્ર વસ્તુ ચેક કરવા માટે દુકાનો પર આવે છે અને આનલાઇન ઓર્ડર તો આપે છે કોઈ અન્ય કંપનીને ! ગુજરાતીઓની બહુ જૂની ગણતરી વ્યાજની છે કે, દુકાનની વર્તમાન વેચાણ કિંમત જે હોય તેના વ્યાજ જેટલો આ ચાલુ ધંધામાંથી ચોખ્ખો નફો ન થતો હોય તો એ દુકાનને બીજાને પધરાવી રોકડમાં રૂપાંતર કરી લેવું સારું અને સારી એવી રકમ ગુજરાતીના હાથમાં આવે તો પછી એમાંથી ફરી કેમ કમાતા થવું એ તો કોઈએ ગુજરાતીને શીખવવાની જરૂર નથી. 



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32cfE2i

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages