કંડકટર તરીકે ઘંટડી વગાડી અને પછી કલાની દુનિયામાં ડંકો વગાડયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 5 November 2020

કંડકટર તરીકે ઘંટડી વગાડી અને પછી કલાની દુનિયામાં ડંકો વગાડયો


કોરોના કાળમાં સૌથી વધુ જોખમ ઉઠાવે છે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસના કન્ડકટરો અને ડ્રાઇવરો મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના અને મુંબઇની આગવી ઓળખ બની ગયેલી 'બેસ્ટ'ની લાલરંગી બસોના કેટલાય કર્મચારીઓ મહામારીના  સપાટામાં આવી ગયા છે. એકના એક રૂટ પર દોડતી બસમાં, પેસેન્જર ચડે અને ઉતરે ત્યારે ઘંટડી વગાડયા કરવાની અને એક છેડેથી બીજે છેડે ફરતા રહી  ટિકિટ  કાપતા રહેવાની એકધારી કામગીરી કંડકટર માટે કંટાળાજનક બની જતી હોય છે.

પણ જેના હૃદયમાં કલા કે કવિતાના બીજ રોપાયા હોય  એ આ એકધારી કામગીરી કરતા  કરતા  અને ઘંટડી વગાડતા વગાડતા કયારે કલા કે કવિતાની દુનિયામાં ડંકો વગાડે એ કહી ન શકાય. દાયદાઓ પહેલા મુંબઇની 'બેસ્ટ'ની બસના કંડકટર ઇકબાલ હુસેનનો દાખલો સામે છે. જયપુરથી મુંબઇ આવીને ૧૯૪૦ની આસપાલ પેટિયું રળવા કંડકટર તો બની ગયા. પણ મૂળવા  કવિ જીવ હતો. એટલે બસમાં ચડતા ઉતરતા પેસેન્જરોના ચહેરાના ભાવ પારખીને  અને કોઇ ખુબસુરત યુવતી બસમાં પ્રવેશે તો તેને વગર ટિકિટે પણ પ્રવાસ કરવા દે એવો આ કંડકટર વપરાયેલી ટિકિટની પાછળ શેરો-શાયરી લખે ગીતના મુખડા લખે. રાત્રે મુશાયરામાં જાય. આવા જ એક મુશાયરામાં  પૃથ્વીરાજ કપૂર હાજર હતા.

કંડકટરની શારીથી ખુશ થઇ ગયા. તેમણે પુત્ર રાજ કપૂર સાથે ઓળખાણ કરાવી રાજ કપૂરે 'બરસાત' ફિલ્મમાં ઇકબાલ હુસેને લખેલું પહેલું ગીત રેકોર્ડ કર્યું જેના શબ્દો હતા જીયા બેકરાર હૈ  છાંયી બહાર હૈ...... આ ગીત મશહૂર થઇ ગયું અને ઇકબાલ હુસેને  કંડકટરમાંથી હસરત જયપુરીના નામે ગીતકાર તરીકે ડંડો વગાડયો. બી. ઇ. એસ. ટી. ને ટૂંકમાં 'બેસ્ટ'ની ઓળખવામાં આવે છે. 'બેસ્ટ' દ્વારા બીજા એક કંડકટરની બોલીવૂડને ભેટ મળી એ હતા હાસ્યનટ જોની વૉકર. બદરૂદ્દીન જગાલુદ્દીન કાઝી નામના આ કંડકટર પોતાના નખરાથી અને ટીપીકલ અવાજથી પેસેન્જરોને હસાવતા રહેતા હતા. એવું સાભળ્યુ  છે કે બલરાજ સહાનીએ બસમાં પ્રવાસ કરતી વખતે બદરૂદ્દીનને જોઇને એનામાં રહેલા હીરને પારખી લીધું અને ગુરુદત્તની ઓળખાણ કરાવી. ગુરુદત્તે 'બાઝી' ફિલ્મમાં રોલ આપ્યો એટલું જ નહીં હદરૂદ્દીન કાઝીનું નામ બદલી જોની વૉકર કર્યું. પછી તો કોમેડિયન તરીકે એવી નામના મેળવી  કે ૩૦૦થી  વધુ ફિલ્મોમાં અવનવા પાત્રો ભજવી લોકોને પેટ પકડી  હસાવ્યા.

આ બંને પૂર્વાશ્રમના કંડકટરના ફિલ્મી જીવનમાં એવો પ્રસંગ આવ્યો કે ભૂતકાળના એક કંડકટરે  બીજા માટે ગીત લખ્યું. એ ગીત હતું ફિલ્મ 'ચોરી ચોરી'નું ઓલ લાઇન ક્લિયર...... આવા જ એક બસ કંડકટર બેન્ગોલર ટ્રાન્સપોર્ટ સર્વિસ (બીટીએસ)ની બસમાં કંડકટર તરીકે  કામ કરે. નામ શિવાજીરાવ ગાયકવાડ બાપ-દાદા પૂણે પાસેના મવડી - કડેપાઠાર ગામના વતની હતા. આ કંડકટરને પહેલેથી અભિનવનો શોખ હતો એટલે બસમાં પણ અવનવી સ્ટાઇલથી પેસેજન્જરોનું મનોરંજન કરે.

શિવાજીરાવ જે બસમાં ડયુટી પર હોય એમાં બેસવા માટે કન્યાઓ ધસારો કરે. કંડકટરની નોકરી કરવાની સાથે મરાઠી પરિવારનો આ નટખટ નબીરો કન્નડ નાટકોમાં પણ ભાગ લેવા માંડયા. એમાં કોઇ હીરાપારમુએ મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં જોડાઇ એકટીંગ શીશવાનો રસ્તો દેખાડયો. પછી તો નસીબ આડેનું પાંદડું ખસી ગયુ અને જોતજોતામાં શિવાજીરાવ ગાયકવાડમાંથી રજનીકાંત નામ ધારણ કરીને દક્ષિણની ફિલ્મી દુનિયામાં તરખાટ મચાવ્યો. આમ કંડકટરમાંથી આવા મહાન કલાકારોની ફિલ્મી આલમને ભેટ મળી. એટલે જ કહેવું  પડે :

ધગશ અને કામયાબી મેળવવાની

     જેના મનમાં  ન હોય શંકા

એ જ ઘંટડી વગાડીને

      પછી કલાની દુનિયામાં વગાડે ડંકા.

શાકવાળાના અંતરનો ભાવ કેટલો ઊંચો ?

શાકભાજીના ભાવ વધે ત્યારે ભલભલાના કિચનનું બજેટ ઊંધુચતુ થઇ જાય છે. પણ આસામના એક શાકભાજી વેચનારાના અંતરો ઊંચો ભાવ જોઇ તેને હાથ જોડયા વિના રહી ન શકાય. આસામના તીનસુખિયા જિલ્લામાં રહેતો સુભરન રોજ સવારે લારી લઇને શાકભાજી વેંચવા નીકળે. આખો દિવસ ફેરી કરીને સાંજે ઘરે પાછો ફરે.

આ તેનો નિત્યક્રમ એક વાર એવું બન્યું સવારે સુભરત લારી લઇને નીકળ્યો ત્યારે ઝાડી-ઝાંખરા અને કચરાના ઢગલાની દિશામાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો. લારી એક કોર ઉભી રાખી. દોડીને ઝાડી-ઝંખરામાં જોયું તો ફુલ જેવી કુમળી તરતની જન્મેલી બાળકી રડતી હતી. કોઇ અભાગી સ્ત્રીએ ત્યજી દીકરી હશે. સુંદર બાળકીને સુભરને તેડી લીધી અને ઘરે લઇ ગયો.

સાવ એકલવાયું જીવન જીવતા શાકવાળાના ઘરમાં બાળકીના આવવાથી જાણે અજવાળુ  થઇ ગયું, એટેલે જ નામ રાખ્યું  જયોતિ. બસ પછી તો દીકરીને કોઇ વાતે ઓછુું ન આવે માટે બમણી મહેનત કરવા  લાગ્યો. દીકરી મોટી થઇ એટલે સારી સ્કૂલમાં અને પછી કોલેડમાં ભણાવી. દીકરી ખાતર સુભરને લગ્ન પણ ન કર્યા.

એણે વિચાર્યું કે પરણીને જે સ્ત્રી ઘરમાં આવે એ આ વ્હાલી દીકરીને ન સાચવે તો શું થાય ? વર્ષો વિતતા ગયા. જયોતિ કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ થઇ. ત્યાર પછી આસામની પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પણ પાસ થઇ આજે એ જયોતિ આસિસ્ટન્ટ ઇન્કમ-ટેક્સ કમિશનરે બની  ગઇ છે. જે પાલક પિતાએ પોતાને ફુલની જેમ સાચવી હતી એ પિતાને આજે જયોતિ સંભાળે છે. વ્હાલસોથી બેટીની પ્રગતિ જોઇને હરખાતો અને ગર્વ મહેસૂસ કરતા સુભરને 'બેટી બચાવ બેટી પઢાવ' સૂત્રને સાકાર કરી દેખાડયું છે. આ જોઇને કહેવુ પડે કે :

દીકરી વ્હાલો દરિયો

પિતાના લાડથી ભર્યો ભર્યો

ગામમાં મોર નહીં પણ મોરના ગામ

મુંબઇ જેવા શહેરોમાં કોંક્રિટના જંગલ વચ્ચે મોર કયાં જોવા મળે ? ફોટોગ્રાફમાં કે પછી ટેલિવિજન પર વન્યજીવનની સિરિયલોમાં કળા કરતા મોર કે પછી ઢેલ સાથે ગેલ કરતા મોર જોઇને સંતોષ માનવો પડે. આપણાં ધર્મશાસ્ત્રોમાં અને ભારતીય સંસ્કૃતિમાં મોરનું માનભર્યું સ્થાન છે. એટલે જ ૧૯૬૩માં મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો અપાયો હતો. મોરના સુંદર પીંછા માટે અથવા તો તેનેે ખાવા માટે ગેરકાયદે શિકાર કરવામાં આવતો હોય છે. જયારે બીજી તરફ એવાંય મોરપ્રેમીઓ છે જે માટે અને ઢેલને રક્ષણ આપે છએ, ભરણપોષણ કરે છે એટલું જ નહીં આ સુંદર પક્ષીને પાળીને બંદીવાના બનાવવાને બદલે મનફાવે ત્યાં વિચરવા દે છે. ગામમાં મોર હોય એમાં કંઇ નવાઇ જેવું નથી. પણ આખું ગામ મોરને લીધે ઓળખાય ત્યારે આશ્ચર્ય થાય. આવું જ એક ગામ પૂના પાસે મોરાંચી ચિંચોલી એટલે કે મોરનું ચિંચોલી ગામ છે. ગામની વસતી કરતાં મોર અને  ઢેલ વધુ છે. ગામની વસતી દોઢ-બે  હજાર હશે. જયારે મોરની સંખ્યા અઢીત્રણ હજાર છે. કહેવાય છે કે પેશ્વાના રાજ વખતે આ વિસ્તારમાં આમલી (ચિંચોલી)ના ઝાડ ઉગાડવામાં આવ્યા હતા. આમલી ખાવા માટે મોર આવવા માંડયા અને આમ આખું ગામ મોરમય બની ગયું. મોર  સરસ્વતીનું વાહન છે એટલે ગ્રામજનો તેનો બહુ ખ્યાલ રાખે છે.

 મોર પણ બદલો વાળી દે છે, ખેતરમાંથી જીવડા ખાઇ જાય છે અને સાપને સાફ કરી નાખે છે. બિહારના આરણ ગામે મોટી સંખ્યામાં જોવા મળતા મોરને લીધે આ ગામ પણ મોરના  ગામ તરીકે જાણીતુું છે. ઉત્તર પ્રદેશ તરફ નજર કરીએ તો મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ગોરખપુર પાસેનું કોની ગામ  મોરવાલા ગાંવ તરીકે ઓળખાય છે. ગામવાળા કયારેય મોર વેંચતા નથી અને તેનું સતત રક્ષણ કરે છે. ૨૦-૨૫ વર્ષનું આયુષ્ય ધરાવતા મોર કે ઢેલનું મૃત્યુ થાય ત્યારે વિધિસર તેની અંતિમવિધિ કરવામાં આવે છે. આ બધા ભલાભોળા ગ્રામજનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્સન એકટથી અજાણ છે, પ્રાણી-પક્ષીનું કેવી રીતે રક્ષણ કરવું તેન વન વિભાગમાં તાલીમ નથી લીધી છતાં જીવની જેમ રાષ્ટ્રીય પક્ષીને જાળવે છે, 'પક્ષાપક્ષી'ના રાજકારણથી દૂર પક્ષીની રક્ષાને પોતાનો ધર્મ માને છે. શહેરના શોરથી દૂર ટહુકા કરતા એક નહીં અનેક મોર જોવા મળે ત્યારે રાષ્ટ્રીય શાયર મેઘાણી યાદ આવે : મન મોરબની થનગાટ કરે..... મન મોર બની  થનગાટ કરે.....

લાઇટના થાંભલા શોક ફ્રી

 આજકાલ તો વીજળીના ખોટા અને મોટા બિલ આવે એ હાથમાં લેતાની સાથે જ આંચકો લાગતો હોય છે. પરંતુ ઘણી વાર વીજળીની બત્તીના થાંભલાને અડકવાથી કરન્ટ લાગતો હોય છે. આવાં અકસ્માતો ઘણીવાર થાય  છે એટલે જ મુંબઇ શહેરમાં રોડ લાઇટના થાંભલાનેે શોક-ફ્રી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વીજળીના થાંભલા ઉપર ખાસ પ્રકરાનો વિદ્યુતરોધક રંગ લગાડવામાં આવશે એટલે તેને સ્પર્શ કરતા કરન્ટ ન લાગે. 

શહેર અને ઉપનગરોમાં  બી. ઇ. એસ. ટી. કોલાબાથી  સાયન-માહિમ સુધી સ્ટ્રીટ-લાઇન અને રોડ-લાઇટને વીજળી પૂરી પાડવામાં આવે છે. સૌપ્રથમ તો સ્લમ એરિયા અને ઉદ્યાનોમાં જે બત્તીના થાંભલા ખોડેલા હોય છે તેની ઉપર ૧૦ ફૂટ ઊંચે સુધી વિદ્યુતરોધકે રંગ લગાડવામાં  આવશે. બીજું વીજળીના થાંભલાને એક અર્થિંગ આપવામાં આવે છે તેનેે બદલે બે અર્થિંગ કરવામાં આવશે. એટલે ભવિષ્યમાં લોખંડના થાંભલામાં ખાસ તો ચોમાસામાં પાણી ભરાય ત્યારે કરન્ટ લાગવાના કિસ્સા બને છે એ નિવારી શકાશે. આ શોકપ્રુફ થાંભલાને જોઇને નગરજનો મનોમન કહેશે પણ ખરા કે :

મોટા ને ખોટા બિલથી

આપો છો આંચકા

અને બીજી બાજુ રંગો છો થાંભલા

જેથી લાગે નહીં આંચકા.

પંચ-વાણી

સ : હાથમાં ફટાકડાની લૂમફોડે

એને ગુજરાતી અને અંગ્રેજીની

ભેળસેળવાળી ગુજરેજીમાં શું કહેવાય?

જ : હેન્ડ  - લૂમ.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3etrOc3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages