- બિહારોના કોરોના પ્રચારકને ઓળખો: જવાબદાર હોદ્દા પર હોવા છતાં જાહેરમાં જોખમનું પડીકું બનીને ફરે છે..

બિહારનો જંગ રસાકસી ભર્યો બન્યો છે. વિવિધ ઘટનાઓ આગળ ધરીને ઉમેદવારો પોતાની તરફ મતદારોને આકર્ષી રહ્યા છે. જેમ લાલુ પ્રસાદ યાદવ નાટકીયા હતા એમ તેમનો પુત્ર તેજસ્વી યાદવ પણ નાટકીયો છે. પરિણામો આવતા પહેલાંજ તે પોતાના ઘેર સવારે લાલુ સ્ટાઇલ દરબાર ભરતા થઇ ગયા છે. દરેકને તે એમ કહે છે કે એકવાર હું મુખ્ય પ્રધાન બની જવું પછી પહેલીજ બેઠકમાં તમારું કામ હાથમાં લઇશું.
તાજેતરમાં એવું થયું હતું કે તે હેલિકોપ્ટરમાં જવાના હતા ત્યારે ત્યાં એક યુવાન સામે મોબાઇલથી ફોટા પાડવા ઉભો રહી ગયો. ત્યારે છંછેડાયેલા તેજસ્વીએ તેનું બાવડું પકડીને બાજુ પર હડસેલી દીધો હતો. તેજસ્વીનો ગુસ્સો સૌએ જાહેરમાં જોયો હતો. તે બદનામ ના થાય એટલે એક ચાલબાજી રમાઈ હતી.
ઘટનાના થોડા સમયમાંજ લોકોના મોબાઇલ પર એક ક્લીપ ફરતી થઇ ગઇ કે.. ઇસકે ભુજાઓ મેં દમ હૈ, લીડર ઐસા હી હોના ચાહીયે..પ્રથમ નજરેજ આખી વાત ચૂંટણીની નાટક બાજી હતી. જ્યારે તેજસ્વી પાસે સ્પષ્ટતા મંગાઇ ત્યારે તેણે કહ્યું કે મેં આ યુવાનને ના બચાવ્યો હોત તો અકસ્માત થાય એમ હતો. મારું હેલિકોપ્ટર ચાલુ હતું અને તે આડો આવ્યો હતો. આ ખુલાસો કોઇના ગળે ઉતરે એવો નહોતો કેમકે હેલિકોપ્ટર નજીક સિક્યોરિટી રખાઇ હતી. એટલે તેજસ્વીએે કહ્યું કે મને ચૂંટણીમાં પુરતી સુરક્ષા નથી મળતી. ચૂંટણી પંચ સમક્ષ મેં રજૂઆત કરી છે. તેમના સમર્થકો કહે છે કે બિહારના ભાવિ મુખ્યપ્રધાનનું કેમ ચૂંટણી પંચ સાંભળતું નથી? લાગે છે ને લાલુ સ્ટાઇલની નાટકબાજી..
સુશીલ મોદી ખરેખર સુશીલ નથી..
ભારતના રાજકારણમાં બિહાર પર સૌનું ધ્યાન કેન્દ્રીત થયેલું છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીને કોરોના પોઝીટીવ આવતાં ભાજપના આ સ્ટાર પ્રચારકને પટણાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૨૭ ઓક્ટોબરે ડિસ્ચાર્જ થયા બાદ તેમને સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન થવાની સલાહ અપાઇ હતી. પરંતુ તે તો બે દિવસ આરામ કરીને ફરી પ્રચાર માટે નિકળી ગયા હતા. દરેકની આંખમાં તે આવી ગયા હતા. વિપક્ષોને વધુ એક મુદ્દો મળી ગયો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે સુશીલ કુમાર ભાજપની સંભવિત હાર જોઇને મેદાનમાં આવ્યા છે. તેમની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ થઇ છે. વિપક્ષો તેમને કોરોના સ્પિકર કહે છે...ખરેખર સુશિલકુમાર સુશીલ નથી...
અમિત શાહે જે.પી નડા માટે જગ્યા કરી આપી..
બિહાર વિશે વધુ થોડુંક...બિહારમાં ભાજપના પ્રમુખ જે.પી.નડા જાહેર સભાઓ ગજવી રહ્યા છે. તે પટણામાં ભણેલા હોઇ પોતાના સ્મરણો ટાંકીને જાહેર સભામાં મતદારોને આકર્ષતા હોય છે. રાજકીય ગપસપ એવી ચાલે છે કે જો ગૃહપ્રધાન અમિત શાહ બિહારમાં પ્રચાર માટે આવત તો જે.પી.નડા તેમના પ્રભાવમાં ઢંકાઇ જાત. નડાને જે રીતે આવકાર મળી રહ્યો છે તે જોતાં તે ભલે સ્ટાર પ્રચારક હોય પણ બિહારના લોકોને અમિત શાહને સાંભળવા વધુ ગમે છે. એમ પણ મનાય છે કે અમિત શાહે નડાને છવાઇ જવા માટે જગ્યા કરી આપી છે. ભાજપ માટે બિહારની જીત મહત્વની છે કેમકે બેરોજગારી સહિતના તમામ વિપરીત સંજોગો વચ્ચે ભાજપે લડવાનું છે. બિહારની જીત એ ભાજપના પ્રમુખ નડાની જીત ગણાશે એમ પણ અમિત શાહ કહી ચૂક્યા છે.
પ્રિયંકાને બિહાર સાથે ગોઠતું નથી..
ફરી બિહાર..બિહારમાં રાહુલ ગાંધી જાહેરસભાઓ ગજવી રહ્યા છે પરંતુ પ્રિયંકા ગાંધી ભાગ્યેજ જોવા મળે છે. કહે છે કે છેલ્લા દિવસોમાં તે એકાદ સભા સંબોધવા જવાના છે. બિહારના કોંગીજનોએ પ્રિયંકાનો સમય માંગ્યો હતો પરંતુ તે ઉત્તર પ્રદેશમાં નવું માળખું તૈયાર કરવામાં વ્યસ્ત હતા. ઉત્તર પ્રદેશમાં તે પ્રિયંકા બિટીયા જેવા હુલામણા નામથી બોલાવાય છે તો બિહારમાં તેમને પ્રિયંકા બહન કહીને બોલાવાય છે. બિહારમાં દારૂબંધીના ધજાગરા બાબતે તે જાહેર સભા સંબોધવાનું વિચારતા હતા પરંતુ કોંગ્રેસ હજુ તેમને મેદાનમાં ઉતારવા માંગતા નથી. તેમને ઉત્તર પ્રદેશના નવા માળખાની જવાબદારી સોંપાઇ છે. ઉત્તર પ્રદેશમાં તે જુના ચહેરાઓની બાદબાકી કરી રહ્યા છે..
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I6m6R9
No comments:
Post a Comment