
કોરોના કાળમાં અમેરિકામાં યોજાઈ રહેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં આ વખતે રાષ્ટ્રીય મુદ્દાઓ અને સમસ્યાઓ હાંસિયામાં જતા રહ્યા છે. જે નેતાઓ પ્રજાને રાષ્ટ્રવાદના ઘેનના ઈન્જેક્શન આપે છે ત્યાં બધી વાતો કપોળકલ્પિત હોય છે. પ્રવાહી બનેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં અમેરિકાનું હિત કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવશે તે અંગેના વાયદાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
રાજકારણીઓ જનતાને હાલના મુદ્દા ભૂલાવીને આમ થશેે તો આમ કરીશું અને તેમ થશે તો તેમ કરીશું એવા મનઘડંત દિવાસ્વપ્ન બતાવવામાં વ્યસ્ત બની ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઇતિહાસમાં આ પહેલી વખત પ્રચારયુદ્ધ અને નિવેદનબાજીએ નિમ્નતાના તમામ તળિયાના રેકોર્ડ તોડી નાંખ્યા છે. બંને પક્ષો મતદારો સુધી પોતાની વાત પહોંચાડવા માટે ધૂમ ખર્ચ કરી રહ્યા છે. જે પણ એક રેકોર્ડ સર્જશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પર આખુ વિશ્વ મીટ માંડીને બેઠું છે. વિશ્વની મહાસત્તા તરીકેનું સ્થાન ધરાવતા અમેરિકાની આર્થિક તાકાત અને રાજકીય પ્રભુત્વની અસર દુનિયાના લગભગ તમામ દેશો પર પડતી હોય છેે. ટ્રમ્પના ચાર વર્ષના કાર્યકાળમાં વિશ્વને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જેવા જવાબદાર સ્થાન પરથી હાસ્યાસ્પદ અને વિચિત્ર નિવેદનો અને નિર્ણયો જોવા મળ્યા છે. જેના ટીકાકારોનો એક બહોળો વર્ગ છે, પણ તેના સમર્થકો પણ ઓછા નથી.
રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ટ્રમ્પનો સામનો કરી રહેલા ડેમોક્રેટિક પક્ષના જોન બાઈડેનના કેેટલાક છબરડા પણ તેમના પક્ષના સમર્થકોને વિચારતાં કરી મૂકે તેવા છે. તાજેેતરમાં એક મુલાકાતમાં બાઈડેને કહ્યું કે, આપણેે વધુ ચાર વર્ષ જ્યોર્જને આપી ન શકીએ. આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો. કારણ કે તેઓ એ જ ભુલી ગયા હતા કે તેમની સામેનો ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે, નહિ કે જ્યોર્જ બુશ સિનિયર કે જુનિયર !
વિવિધ પ્રકારના છબરડા અને નાટકીય અંદાજ સાથેના બેેફિકર નિવેદનોની સાથેે ચાલી રહેેલો ચૂંટણી પ્રચાર જે પ્રકારે આગળ વધી રહ્યો છે, તેને વિશ્વ નાગરિકો થ્રિલર ફિલ્મની જેમ નિહાળી રહ્યા છેે જે ફિલ્મ હવે પૂરી થવાની ઘડીઓ ગણાઈ રહી છે. આ વખતની ચૂંટણીની બીજી રસપ્રદ બાબત પરિણામ સંબંધિત છેે. સામાન્ય રીતે તો ચૂંટણી પૂરી થતાં જ પરિણામ જાહેર થઈ જતું હોય છે.
આ વખતે અમેરિકાની સુપ્રિમ કોર્ટે વિવિધ રાજ્યોને પોસ્ટલ બેેલેટની ગણતરી માટે ચૂંટણી પૂરી થયાં બાદ ત્રણથી સાત દિવસ જેટલો સમય આપ્યો છે. જો મતદારોએ એકમત રજૂ કર્યો હશે તો ભારતમાં આજે બુધવારે સાંજ ઢળતાં સુધીમાં તો પરિણામ જાહેેર થઈ જશે, પણ જો મુકાબલો રોમાંચક હશે તો પરિણામ જાણવા માટે ઈંતજાર કરવો પડશે. આમ પણ બિઝનેસમેન ટ્રમ્પ જાહેેરાત કરી ચૂક્યા છે કે, હું કંઈ એમ આસાનીથી સત્તા નહી છોડું. જરુર પડે તો કોર્ટનું શરણ પણ લઈશ.
ચૂંટણીઓ હાઈપ્રોફાઈલ બની રહી છે. ટેક્નોલોજીનો વધતો ઉપયોગ ચૂંટણીના ખર્ચને નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યો છે. ચાલુ વર્ષે અનુમાન લગાવવામાં આવતું હતુ કે, આ વખતે અમેરિકી ચૂંટણીમાં અગિયાર અબજ ડોલરનો ખર્ચ થશે. જોકે એક સંશોધન સંસ્થાન, ધ સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિક્સના અંદાજ અનુસાર ૨૦૨૦ના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો ખર્ચ આશરે ૧૪ અબજ ડોલરની આસપાસ પહોંચી શકે છે.
અમેરિકામાં ચૂંટણીનો ખર્ચ મેળવવા માટેે ઉમેદવારો નાગરિકોની પાસે ફંડની અપેક્ષા રાખતા હોય છે અને લોકો પાસેથી દાન મેળવવામાં બાઈડેને ટ્રમ્પને ક્યાંય પાછળ છોડી દીધા છે. બાઈડેનને આશરેે એક અબજ ડોલર દાનમાં મળી ચૂક્યા છે. જ્યારે ટ્રમ્પને લગભગ ૬૦ કરોડ ડોલર જ મળી શક્યા છે. દાનની રકમ પણ ઉમેદવારની લોકપ્રિયતાનો એક માપદંડ મનાય છે.
ચૂંટણી માટેના ખર્ચને માપદંંડ માનીએ તો બાઈડેન આગળ ગણાય છે. વિવિધ સર્વેમાં પણ બાઈડેેનની સરસાઈ દર્શાવવામાં આવે છેે, ટ્રમ્પ પણ તેમની નજીક હોવાનો અંદાજ રજૂ થાય છે, જે અમેરિકન મતદારોના અકળ મનના પ્રતિબિંબ સમાન છે. રાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણીની પ્રક્રિયા આશરે દોઢ વર્ષ પૂર્વે જ શરુ થઈ જાય છે અને ઉમેદવારોએ લાંબી તેમજ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.
ઉમેદવારો જનતાનું સમર્થન મેળવવા માટે જેટલા મોટા પ્રમાણમાં પ્રચાર કરેે છેે, તેટલા જ પ્રમાણમાં તેમણે સ્થાનિક કાર્યકર્તાઓથી લઈને સામગ્રીઓ અને જન સંપર્ક માટે જુદા-જુદા સ્તરે ખર્ચની ચૂકવણી કરવી પડે છે. કોઈ પણ લોકશાહી દેેશમાં આ પ્રકારનો ખર્ચ સ્વાભાવિક છે, પણ અમેરિકાની ચૂંટણીમાં ખર્ચની રકમ ચડિયાતી જ રહેતી હોય છે.
કોરોના મહામારી અને વંશીય ભેદભાવ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા અમેરિકામાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઘણી વખત સીધી અને આડકતરી રીતે શ્વેત નાગરિકોની ખુલ્લેઆમ તરફેણ કરી છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. ટ્રમ્પની સત્તાપ્રિયતા અને તેના વિરોધીઓની આક્રમકતાને જોઈને અમેરિકાનો સામાન્ય નાગરિક મુંઝાઈ ગયો છે.
એક સર્વેમાં આશરે ૭૫ ટકા લોકોએ એવી આશંકા વ્યક્ત કરી છેે કે જેવી ચૂંટણી પૂરી થશે કે અમેરિકામાં મોટાપાયે હિંસા અને લૂંટફાટ ફાટી નીકળશેે. અમેરિકામાં ન્યૂયોર્ક સિટી, વોશિંગ્ટન ડીસી, લોસ એન્જલસ, ડેનવર સહિતના વિસ્તારોમાં તો જાહેર સ્થળોએ આવેલા શો રુમ્સ અને સુપરમાર્કેટની કાચની દિવાલોની આગળ લાકડાના જાડા પાટિયા લગાવી દેવામાંં આવ્યા છે.
સામાન્ય રીતે હરિકેન કે વાવાઝોડાનું આગમન થવાનું હોય ત્યારે કાચ અને માલ-મિલ્કતને બચાવવા માટે આવા પગલાં લેવાતા હોય છે, પણ ચૂંટણીની તારીખ નજીક આવતા વૈભવી સ્ટોર્સના માલિકોએ આ પગલાં લીધા છે, જે અમેરિકન નાગરિકો અને વેપારીઓની સલામતીની સ્થિતિનું નિરુપણ કરે છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખની અનેકરંગી ચૂંટણીના પરિણામનો રહસ્યસ્ફોટ કેવો રહેશે તેનો ઈંતજાર આખી દુનિયા કરી રહી છે. ટ્રમ્પની અમેરિકી બિઝનેસ અને કોર્પોરેટ જગત રાજી છે.
ટ્રમ્પે તેના સત્તાકાળમાં અમેરિકાની વૈશ્વિક સંસ્કૃતિની ઈમેજ તોડી છે. જે કંઈ અને જે કોઈ શ્રેષ્ઠ હોય એનું અમેરિકા સ્વાગત કરે છે એ વાતને ઈતિહાસમાં ધકેલી છે. પારકા વિદ્વાનો ન જોઈએ, ઘરના ઠોઠડાઓ ચાલશે - આ ટ્રમ્પની પોલિસી છે જે હવે અમેરિકાની રગેરગમાં વ્યાપી ગઈ છે. બીજાઓની કોઈ જ શ્રેતાને ન સ્વીકારવી એ સ્વપતનનો એક ગુપ્ત માર્ગ છે જે ટ્રમ્પે એની પ્રજાને શીખવ્યો છે.
સરવાળે ટ્રમ્પે કોઈ જ નક્કર કામ કર્યા વિના અને જૂની તમામ પરંપરાઓ તોડીને પોતાનું એક અલગ વિઝન આપવાની કોશિશ કરી છે જે એટલું ત્રુટક અને વિચ્છિન્ન છે કે એની પ્રજા એને સમજી શકી નથી. અસ્પષ્ટતાઓનો શંભુમેળો ટ્રમ્પની મુખ્ય લાક્ષણિકતા છે. લુચ્ચા સલાહકારોએ એમની વિદેશનીતિ પણ સંદિગ્ધ કરી મૂકી છે. આનો પૂરો લાભ લઈને ચીને એનો પ્રભાવ વધાર્યો છે.
ચીનના વધતા પ્રભુત્વ સામે ડોનાલ્ડ ટ્રમ્પ એક પણ મહત્ત્વનું કદમ લઈ શક્યા નથી. અમેરિકા-ચીન ટ્રેડવોર પણ ચીનાઓને નુકસાન કરી શક્યું નથી. ભારતમાં અને એ જ રીતે દુનિયાના અન્ય દેશોમાં ચીનનો કાચો માલ અને તૈયાર ઉત્પાદનો જહાજોના જહાજો ભરીભરીને ઠલવાઈ રહ્યો છે. એટલે ટ્રમ્પ વાઘ મારી શકે એમ હતા પણ એમણે વાઘ માર્યો નથી. માત્ર ઘુરકિયા જ કર્યા છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kWDQx1
No comments:
Post a Comment