શેરની માથે સવાશેર : આખરે અમેરિકાની ક્ષિતિજે જો બિડેનનો અભ્યુદય થયો છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 November 2020

શેરની માથે સવાશેર : આખરે અમેરિકાની ક્ષિતિજે જો બિડેનનો અભ્યુદય થયો છે


આખરે અમેરિકાની ક્ષિતિજે જો બિડેનનો અભ્યુદય થયો છે. અમેરિકાના આ બહુમતીએ ચૂંટાયેલા નવા રાષ્ટ્રપ્રમુખ આગામી જાન્યુઆરીથી સત્તા ગ્રહણ કરશે. તેઓ એક એવા વિકટકાળે સત્તામાં આવી રહ્યા છે જ્યારે અમેરિકા સામે કોઈ પણ દિશામાં કદમ ઉપાડતી વેળાએ આકરા પડકારો જ છે. બિડેને ચૂંટણી પ્રચારમાં પોતાના અભિપ્રાયો બહુ રિઝર્વ રાખેલા છે. હજુ એમનું મન એમને મત આપનારાઓ પણ પૂરું જાણતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ તો ન જ જોઈએ - એવી મતદારોની વિચારધારાનો પણ બિડેનવિજયમાં ફાળો છે. ટ્રમ્પના પતન સાથે અમેરિકામાં એક મૂર્ખ અને તરંગી રાષ્ટ્રપ્રમુખનો સત્તાકાળ પૂરો થઈ રહ્યો છે. અનેક પ્રકારના સત્તાવાર અસત્યના તેઓ ઉદગાતા હતા. તેમણે વધુમાં વધુ સંભાવનાને તપાસીને તમામ સ્તરેથી અમેરિકન ગરિમાને લાંછન લગાડવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. 

ટ્રમ્પ ફરી નહિ આવે એવી સહેલાઈથી ધારણા થઈ શકતી ન હતી કારણ કે સતત ખોટું બોલનારા ટ્રમ્પ પુનઃ સત્તા પર આવવા માટે કંઈક ખોટું પણ કરી શકે એમ હતા. સત્ય એ છે કે ફરી જીતી જવા માટે જે ખોટું કરવું પડે એમાં એમનો પનો ટૂંકો પડયો એટલે ખરેખર જેને વિજય મળવો જોઈએ એને મળ્યો. ટ્રમ્પનો આત્મવિશ્વાસ છેલ્લી ઘડી સુધી ટકી રહ્યો હતો. ચાલુ મતગણનાએ તેઓ મૂર્ખતાપૂર્ણ રીતે પોતાને વિજેતા જાહેર કરી ચૂક્યા હતા. ટ્રમ્પ અમેરિકી કોર્પોરેટ જગતનું એક પ્યાદુ માત્ર હતા. તેમના સલાહકાર વિદ્વાનોની મદદથી તેમણે અનેક છબરડાઓ સાથે ચાર વરસ પૂરા કર્યા. પરંતુ આ વરસો દરમિયાન એમણે અમેરિકાની જગતકાજી તરીકેની છબીને વારંવાર ઘસરકા કર્યા. બ્રિટન જેવા અમેરિકાના જૂના સાથી - સંગાથી દેશ સાથે પણ છાના અણબનાવ થયા. 

જોકર જેવી સ્ટાઈલથી નિવેદનો કરતા રહેવાને કારણે તેમણે કાર્ટૂનિસ્ટોને ભરપૂર મસાલો પૂરો પાડયો. એક મૂર્ખ રાજનેતા કાર્ટૂનિસ્ટોની પ્રથમ પસંદગી હોય છે અને એ જ એમનો ખોરાક હોય છે. ટ્રમ્પે મતગણના ચાલુ હતી ત્યારે જ જુદાજુદા રાજ્યોની અદાલતોમાં પોતાને એક ઉમેદવાર તરીકે થઈ રહેલા અન્યાય સબબ કેસ દાખલ કર્યા હતા જેમાંના મોટાભાગના ઉડી ગયા છે અને જે બાકી રહ્યા છે એ પણ પુરાવાઓના અભાવે ઉડી જવાના છે. અમેરિકામાં ભારત જેવું કોઈ ચૂંટણી પંચ નથી એટલે ટ્રમ્પની ઈતર રજૂઆતો માટે એક સેન્ટ્રલ કમિટીની રચના થશે જે એક ઉમેદવાર તરીકેની તેમની ફરિયાદોને સાંભળશે પણ એમાં પણ કોઈ દમ નથી. ટ્રમ્પ જેવા આપખુદી અને અભિમાની નેતા માટે પરાજયનો ઘૂંટડો ઝેરથીય અધિક કડવો હોય છે અને એને ગળે ઉતારવામાં સમય લાગતો હોય છે. 

બિડેન અનેક બાબતોમાં સકારણ અને અકારણ એમ બન્ને રીતે સાયલન્ટ રહેવા ટેવાયેલા છે. અમેરિકામાં ગોરા-કાળાનું જે ભેદવિરોધી આંદોલન ચાલે છે એમાં તેઓ સાયલન્ટ રહ્યા છે. કમલા હેરિસ ભારતીય મૂળના છે અને સતત પોતાને બ્લેક ગણાવે છે. તેઓ અમેરિકાના વતની રેડ ઈન્ડિયનોના તરફદાર છે. તેઓ એશિયન છે પરંતુ નારી તરીકે નમણાં, ચિત્તાકર્ષક અને પ્રભાવક વ્યક્તિત્વના માલિકણ છે. કમલા હેરિસ બહુ લાંબી સફર કરીને અતિશય યોગ્યતાઓ પ્રાપ્ત કરીને વાઈસ પ્રેસિડેન્ટના પદ સુઘી પહોંચ્યા છે. અમેરિકન પોલીસમાં એક ભૂત સવાર છે કે જેટલા વતની રેડ ઈન્ડિયનો છે તેઓે તમામ અપરાધી છે. હેરિસે પોતાના પ્રચારમાં અમેરિકન પોલીસતંત્રમાં ફેરફારની વાત કહી છે. બિડેન અમેરિકાને ચાહે છે પરંતુ અમેરિકા ફર્સ્ટના નામે રાષ્ટ્રવાદને ભડકાવવા ઈચ્છતા નથી. એટલે ટ્રમ્પે અત્યાર સુધી કરેલા રાષ્ટ્રવાદના વ્યર્થ પ્રચાર પર તેઓ શાન્તિથી પાણીઢોળ કરશે.

પૂરતી બહુમતી સાથે બિડેન જીતી જતાં અમેરિકા પર લટકતી શેરીયુદ્ધની સાંયોગિક તલવાર મ્યાન થઈ ગઇ છે. દક્ષિણ કોરિયા સાથેની ગાઢ મિત્રતા બિડેનના આગમનથી હળવી થવાની છે. કારણ કે અમેરિકા કરોડો ડોલર ત્યાં ઠાલવે છે. એ જ રીતે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં જ્યાં ટ્રમ્પે ધીમા પગલે પ્રભાવ જમાવ્યો છે ત્યાં બિડેન ઝડપી કાર્યવાહી કરીને ચીનની ચાલાકીઓને અંકુશમાં લેશે. ટ્રમ્પ જેવા હતા તેવા અને અનેક નકારાત્મક વિધાનો છતાં ભારતને બહુ નડયા ન હતા. બિડેન હજુ ભારત માટે કેટલોક સમય રહસ્યમય રહેશે. કારણ કે બિડેન ટ્રમ્પની તુલનામાં પરંપરાવાદી છે. અમેરિકામાં વસતા ભારત સહિતના વિદેશીમૂળના લોકોને આંચકા આપવાના અખતરાઓ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે પડયા છે. એમ માનવામાં આવે છે કે વિદેશીમૂળના લોકોની જિંદગી ઠેબે ચડાવવાનું દુઃસાહસ હવે વ્હાઈટ હાઉસ ફરીવાર નહિ કરે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3laCwqs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages