કોરોનાનો બીજો વેવઃ સાવધાની હટી, દુર્ઘટના ઘટી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 November 2020

કોરોનાનો બીજો વેવઃ સાવધાની હટી, દુર્ઘટના ઘટી


- અનલોક થઈ ગયું હોવાથી લોકો મન ફાવે એમ ભેગા થઈ રહ્યા છે, તેના કારણે યુરોપમાં સેકન્ડ વેવ આવ્યો છે, દિલ્હીમાં ચોથો વેવ

- અમેરિકા અને બિહારની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના છોતરા ઊડયા, તેના માટે જવાબદાર કોણ?

મનુષ્યની યાદશક્તિ અને ભૂલવાની શક્તિ વચ્ચે દ્વંદ્વ ગોઠવવામાં આવે તો કોણ જીતે? બેશક ભૂલવાની શક્તિ, વિસ્મૃતિ શક્તિ. માંદા પડીએ ત્યારે ભગવાનને કાલાવાલા કરતા હોઈએ કે મને સાજો કરી દે હવે સ્પાઇસી નહીં ખાવ, મને સાજો કરી દે હવે સ્વીટ નહીં ખાવ. ને જેવા સાજા થઈએ કે બીજે જ દિવસે હતા ઇના ઇ. પેલી કહેવત છેને, માણસની પૂંછડી વાંકી ને વાંકી. 

કોરોના ત્રાટક્યો તો આપણે ઘરમાં પુરાઈ ગયેલા. ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઇઝર, હેન્ડવૉશ આ બધું આપણી દિનચર્યાનો મુખ્ય ભાગ બની ગયું. જેવો કોરોના હળવો પડયો એટલે આ બધા આપણા વેરી બની ગયા. આપણે ફરી પહેલાની જેમ જ રખડવા માંડયા. આપણે એટલે એમાં બધાય આવી જાય. ભારતીયથી માંડીને યુરોપિયન સુધી બધાય. કોરોના ઘટયો એટલે વૈદ વેરી થઈ ગયા આપણા માટે. ને પરિણામ જુઓ શું આવ્યું. રોગે ઊથલો માર્યો. ઇટલી, ફ્રાંસ, સ્પેનમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો છે. દિલ્હીમાં ચોથો વેવ. રાજકોટમાં બીજો. શિયાળામાં ઇંડિયામાં કોરોના પાછો સાવરણો ફેરવે એવી પૂરી શક્યતા છે. જૉન હોપકિન્સ યુનિવર્સિટીમાં કાર્યરત ચેપી રોગોના નિષ્ણાત ડૉ.અમેશ અડાલજા કોરોનાના ઉથલા માટે નવ કારણ આપે છે.

૧) મોટી સંખ્યામાં નાના-નાના મેળાવડાઃ જેવા કોરોના કેસ ઘટયા અને જેવું લોકડાઉન હળવું થયું કે લોકો ભેગા થવા માંડયા છે. મિત્રો અને પરિવારના જૂમખા મળીને આયોજનો કરવા લાગ્યા છે. ડિનર પાર્ટીઓ યોજાવા લાગી છે. ફ્લેટના ધાબા પર કે કોઈના ઘરે. તેઓ એ ભૂલી જાય છે કે કોરોના માત્ર ઘટયો છે. ગયો નથી. યુરોપમાં શું થાય છે? ૧૦ જણા એક ઘરે ભેગા થાય છે, પાર્ટી કરે છે અને પછી તેમાંથી પાંચ કોરોના પોઝિટીવ આવે છે.

બિહારમાં જનરેલીમાં હજારોની ભીડ ઊમટેલી. તેનું રીએક્શન થોડા સમયમાં આવ્યા વિના રહેવાનું નથી. જાહેર માર્ગો પર તો લોકો માસ્કમાં દેખાય છે, પણ જ્યારે ઘરે કોઈ પાર્ટીનું આયોજન કરવામાં આવે ત્યારે માસ્ક અથવા સેનેટાઇઝરને લગીરે મહત્તા આપવામાં આવતી નથી.

૨) ક્વોરન્ટાઇન ન થવું : ક્યાંક સામુહિક મેળાવડામાં ગયા હોઈએ અને ત્યાં કોઈ વ્યક્તિને કોરોના આવે તો બાકીના લોકોની ફરજ છે કે તેઓ ઘરમાં પુરાઈને રહે. એવું થઈ રહ્યું નથી.   કોરોનાનો ભોગ બનનારી વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકો બે-ચાર દિવસ આઇસોલેટ રહે છે અને ત્યાર બાદ મજેથી રખડવા નીકળી પડે છે. 

અમેરિકામાં પણ બિહાર જેવું જ થયું છે. ધમધોકાર સભા યોજવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું જરાય પાલન થયું નથી. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને ઉપપ્રમુખ માઇક પેન્સે ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ કર્યો છે. ઓલરેડી કોરોનાથી ત્રસ્ત અમેરિકનોએ આગામી દિવસોમાં તેના વધારે માઠા પરિણામો ભોગવવા પડશે. અમેરિકનો માટે રાહતના સમાચાર એ પણ છે કે ટ્રમ્પ હારી ગયા છે. કોરોનાએ હજાર ખરાબ કામની વચ્ચે ટ્રમ્પને પરાજિત કરવાનું મહાન કામ કરી દીધું છે.

૩) ઘરે હોવાથી પોતાને સેઇફ માનવાનો ભ્રમઃ માની લો કે એક ઘરમાં પાંચ સભ્યો રહે છે. તેમાંથી બેને કોરોના થયો છે અને ત્રણને નથી થયો. કોર્પોરેશને પાંચેયને ક્વોરન્ટાઇન કરી દીધા. આ દરમિયાન જેને કોરોના નથી થયો એવા ત્રણ જણા પર કોરોનાનું જોખમ વધી જાય છે. કારણ કે તેઓ ગમે તેટલી કેર કરે તો પણ કોઈને કોઈ રીતે કોરોના ચેપના સંપર્કમાં આવી જ જવાના. કમસેકમ એકાદાને તો ચેપ લાગવાનો જ. આ બાબત સૂચવે છે કે કોરોનાના દરદી સાથે એક ઘરમાં પુરાયેલા બીજા સ્વસ્થ પરિવારજનોએ વિશેષ કાળજી લેવી પડે. જે લેવાઈ રહી નથી.

૪) તરત જ ટેસ્ટ કરાવવોઃ કોરોનાના દરદી સાથે સંપર્કમાં આવ્યા પછી તરત જ ટેસ્ટ કરાવવા જતા લોકો મોટા ભાગે નેગેટીવ જ આવે છે. કારણ કે કોઈ પણ વાઇરસ તમારા શરીરમાં પ્રવેશ્યા પછી પણ એમ તરત ડેવલોપ થાય નહીં. તેને પાંચ-સાત દિવસ લાગે. આથી કોરોનાના દરદીના સંપર્કમાં આવ્યાના પાંચ-સાત દિવસ પછી ટેસ્ટ કરાવવો જોઈએ. પહેલા ટેસ્ટ નેગેટીવ આવ્યો હોય એવા લોકો પાછળથી કોરોનાનો ભોગ બને તો પણ ટેસ્ટ કરાવવા જતા નથી. પોતાને કોરોના થયો જ નથી એમ માનીને. તેમનું આ વલણ તેમની સાથે તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ ચેપ લગાડે છે. 

૫) મનાઇ નથી એટલે ખતરો નથીનો ભ્રમઃ લોકોને એમ લાગે છે કે હવે બહાર નીકળવાની મનાઈ નથી તો બહાર નીકળવાથી ખતરો નથી. ભેગા થવાની મનાઇ નથી તો ભેગા થવાથી ખતરો નથી. વડા પ્રધાન મોદી દેશ કે નામ સંદેશ-માં લોકોને કાલાવાલા કરે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સમજાવે. દો ગજ કી દૂરી માસ્ક હૈ જરૂરીના પ્રાસ મેળવે, પણ જાહેરસભામાં તેનાથી બિલકુલ ઊલટું કરે. બિહારમાં તેમની જાહેર સભામાં જ્યારે ફિઝિકલ ડિસ્ટન્સિંગના લીરા ઊડતા હતા ત્યારે પ્રશ્ન થતો હતો કે આ જ વ્યક્તિ છે જે દેશ કે નામ સંદેશમાં કાલાવાલા કરતી હતી, હાથ જોડીને સમજાવતી હતી. એ સાચું હતું કે માત્ર કેમેરા સામેનું પરફોર્મન્સ? જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં, આ માત્ર કવિતા છે. તેના લખનારા પણ તેનું અનુસરણ કરતા નથી. બિહારમાં જાહેરસભામાં હજારો લોકો એકઠા થતા હતા ત્યારે મોટિવેશનલ સ્પીકર્સ કેમ મૌન હતા?

અમેરિકામાં ટ્રમ્પે પણ એટલી જ ઢિલાઈ દાખવી છે. આપણે ત્યાં ટ્રાફિક સિગ્નલ્સ પર પહેલા જેટલી જ ભીડ થવા લાગી છે. કોરોના શું કહે છે? કોરોના કહે છે હું ભીડનો દુશ્મન છું. ભીડ ભેગી થશે તો હું બોમ્બની જેમ ફૂટીશ. ભીડમાં જવું તો આપણનેય નથી ગમતું. તો પછી શામાટે જ્યાંને ત્યાં ભીડ કરવા માંડયા છીએ. લોકોથી છેટા ચાલીએ. ચોખ્ખા વાતાવરણમાં એકલા વિહરીએ. ખીચડો શા માટે કરીએ છીએ? બિન જરૂરી બહાર ન નીકળવું જોઈએ. જે તરફ ઓછો ટ્રાફિક છે ત્યાં અને તે જ તરફ જવું જોઈએ.

૬) એકવાર ધ્યાન રાખી લીધું એટલે પૂરું-ની માન્યતાઃ મોટા ભાગના લોકો થોડા દિવસો પૂરતું ખૂબ ધ્યાન રાખે છે અને ત્યાર બાદ જોખમ ટળી ગયું હોવાનું માની બેદરકાર બની જાય છે. તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને કોરોના મટી ગયો એટલે પૂરું એવું માનવાની ભૂલ કરવી જોઈએ નહીં. ડગલે ને પગલે ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક રક્ષા કવચ ક્યારેય ફગાવી શકાય નહીં. પહેલું રક્ષા કવચ એટલે માસ્ક, બીજું રક્ષા કવચ એટલે સેનિટાઇઝર-હેન્ડ વોશ. કરિયાણાની દુકાને વસ્તુ ખરીદવા જતા લોકો માસ્ક પહેરેલું હોવાથી કોઈ પણની નજીક ઊભા રહી જાય છે. ત્રીજું રક્ષા કવચ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. ચોથું રક્ષા કવચ છે ઇમ્યુનિટી વધારવી.

૭) ચેન્જની ઝંખનાઃ મારે ચેન્જ જોઈએ છે. હવે હું કંટાળી ગ્યો છું કે હવે મને કંઈ ન થાય નો માઇન્ડ સેટ ખતરનાક નીવડી રહ્યો છે. દક્ષિણ કોરિયાએ આ માઇન્ડસેટ ક્યારેય અપનાવ્યો નથી અને એટલે જ ત્યાં કોરોના પ્રારંભથી નિયંત્રણમાં છે. તેમણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું હંમેશા ફરજિયાત રાખ્યું છે. જનતાએ પણ તેનું પાલન કરવામાં સાથ આપ્યો. ત્યાં લોકડાઉન પાળવામાં નથી આવ્યું તો પણ રોગચાળો ફેલાયો નથી.

૮) આપણે જેટલા બેદરકાર છીએ સામેવાળા એટલા જ દરકારવાળા છે એવું માની લેવુંઃ બહુધા લોકો એમ માને છે કે બધા ધ્યાન રાખે છે તો મારે કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. તાજેતરમાં એક અભ્યાસમાં બહાર આવેલું કે તાવ-શરદી થયા હોય તો પણ છુપાવનારા લોકોની સંખ્યા બહુ મોટી હોય છે. આમ કરવામાં તેઓ સલામતીનો અનુભવ કરે છે. તેઓ જે અનુભવે તે પણ સામેવાળાને ચેપ લગાડી જાય છે. દોષ તેમનો નથી. દોષ એ સામેવાળાનો છે જેણે પૂરતી તકેદારી રાખી નથી. જો માસ્ક પહેર્યું હોય, સેનેટાઇઝરનો ઉપયોગ કરતા હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા હોય તો પછી સામેેવાળો લક્ષણો છુપાવે તો પણ શી ચિંતા?

૯) પોતાના વિસ્તારની સ્થિતિની અવગણનાઃ લોકો નેશનવાઇડ કેટલામું અનલોક ચાલી રહ્યું છે અને શું-શું ખૂલ્યું એ જ જોવે છે. પોતાના વિસ્તારની સ્થિતિનો તેમને ખ્યાલ હોતો નથી. દક્ષિણ કોરિયામાં કોરોનાના ફેલાવા વિશેનું એરિયા વાઇઝ બુલેટિન રોજ બહાર પડે છે. કોઈ નવા વિસ્તારમાં કોરોનાના કેસ આવે કે ક્યાંક સેકન્ડ વેવ આવે તો પણ તરત જ જાણ કરાય છે. જેથી ત્યાં રહેતા લોકો ચેતી જાય અને વધારે કાળજી લેવા માંડે. યુરોપમાં અને ભારતમાં આવું થઈ રહ્યું નથી. એટલે યુરોપમાં સેકન્ડ વેવ આવ્યો છે અને આપણે ત્યાં પણ ઝળુંબી રહ્યો છે. પોતાના વિસ્તારમાં શું સ્થિતિ છે એની જાણકારી રાખીને એ મુજબ તકેદારી રાખવી પડે. આ માત્ર નાગરિકની જવાબદારી નથી. સરકારની પહેલા છે. 

કોરોનાએ આપણને પાઠ ભણાવ્યો, પણ આપણે હજુ ભણ્યા નથી.

જીકે જંકશન

- દર વર્ષે છઠ્ઠી નવેમ્બરે ઇન્ટરનેશનલ ડે ફોર પ્રીવેન્ટિંગ એક્સપ્લોઇટેશન ઑફ એન્વાયરમેન્ટ ઇન વોર એન્ડ આર્મ્ડ કોન્ફ્લિક્ટ મનાવવામાં આવે છે. યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને લીધે પર્યાવરણની નીકળતી ખો અટકાવવા વિશે જાગૃતિ લાવવા તેની ઉજવણી કરવામાં આવે છે.

- બીજા ક્વાર્ટરમાં એસબીઆઈના નફામાં ૫૨ ટકાનો વધારો થયો હતો. નાસાએ તાજેતરમાં સર્વેલન્સ સેટેલાઇટ પ્રહરી-૬નું લોન્ચિંગ કર્યું હતું.

- તાજેતરમાં અભિનેતા એચ. જી. સોમશેખરરાવનું નિધન થયું હતું. હરિહરનને મલયાલમ સિનેમામાં આજીવન યોગદાન માટે જે. સી. ડેનિયલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

- ત્રણ રાફેલ ફાઇટર જેટની બીજી ખેપ તાજેતરમાં ફ્રાંસથી જામનગર આવી પહોંચી હતી. ઓક્ટોબર ૨૦૨૨માં કતરમાં પહેલી વખત ચૂંટણી યોજાશે. કોઈ પણ ખાડી દેશમાં યોજાનારી આ પ્રથમ ચૂંટણી હશે.

આજની નવી જોક

છગન (મગનને) : પત્નીઓ પેપર વેઇટ જેવી હોય છે.

મગનઃ એ કેવીરીતે?

છગનઃ એ પતિને ફળફળવા તો દે છે, પણ ઊડવા દેતી નથી.

મગનઃ હેં!?



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k7hNCl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages