
- એેમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી તમે કોઇ ચીજ નહીં ખરીદો તો તેમને કોઇ ફર્ક નથી પડવાનો
કોરોના કાળમાં દરેક મધ્યમ કદના ધંધાધારી લોકો મંદીના વમળમાં અટવાઇ ગયા છે. તેમના માટે દિવાળી દુખના દિવસો લઇને આવી છે. સરકારી સહાય અને રાહતો અર્થ તંત્રને સુધારી શકે એમ નથી. કોરોના કાળની વિશેષતા એ છે કે તેણે પૈસાદારોને વધુ પૈસાદાર બનાવ્યા છે અને ગરીબ વર્ગને વધુ ગરીબ બનાવ્યો છે. સરકારી સહાય ્અને માફીની યોજનાઓ મોટા માથા માટે લાભદાયી છે. પરંતુ નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને કોઇ લાભ થતો નથી.
જેમને કોઇ સરકારી લાભ નથી મળતા એવા વર્ગને લોકો પોતે લાભ અપાવી શકે છે અને તેમની દિવાળી ઝગમગાવી શકે છે. આપણે ગ્રામીણ અર્થ તંત્રને ઉંચું લાવવાની વાતો કરીએ છીએ પરંતુ તે માટે કોઇ પ્રયાસો થતા હોવાનું જણાતું નથી. આ પ્રયાસોે હવે લોકોએ જાતે કરવા પડશે જેથી આર્થિક રીતે ગૂંચવાયેલા સમાજના એક વર્ગને રાહત મળી શકે છે.
કોઇને સીધી આર્થિક મદદ કરવામાં આવે તો તેનો દુરુપયોગ થઇ શકે છે પરંતુ તેને આડકતરી રીતે સહાય કરી શકાય છે. ગામડામાં બનતી પ્રોડક્ટ લેવાનો આગ્રહ રાખવામાં આવે તો પરિસ્થિતિ બદલાઇ શકે છે. બજારમાં પૈસો ફરતો કરવો હોય તો તેનો પાયો ગામડામાં છે તે સમજી લેવું જોઇએ. એટલે તો સરકાર કિસાનોની આવક બમણી કરવા મથી રહી છે પરંતુ માત્ર વાતો કરવાથી કંઇ વળે એમ નથી.
કિસાનોને અપાતા રાહત પેકેજથી માલેતુજાર કિસાનોને લાભ થાય છે જ્યારે ઓછી જમીનવાળા ખેડૂતોનાા ભાગે તો માત્ર મજૂરી કરવાનુંજ આવે છે. રોજીંદી મજૂરીના ભાવો પણ વધારવામાં આવે છે પરંતુ લોકોને કામ નથી અપાતું.
બે મુદ્દે કામ કરવા લોકોએ આગળ આવવાની જરૂર છે. એક છે ગામડામા ંપૈસૈા પહોંચાડવો અને બીજું એ છે કે નાના દુકાનદારો પાસેથી માલ ખરીદવો. શહેરના લોકોની આર્થિક સ્થિતિ એટલા માટે સુધરેલી કહેવાય કે તે લોકો ઓન લાઇન ખરીદી કરતા થઇ ગયા છે.
દિવાળી અને ક્રિસમસના તહેવારો દરમ્યાન શહેરના લોકો ઇકોમર્સની સાઇટો પરથી ૭૦ હજાર કરોડનો માલ ખરીદશે. આ બધી ચીજો શહેરના નાના વેપારીઓ પાસેથી મળી શકે છે. જો લોકો ઓનલાઇન ખરીદી પર પચાસ ટકા કાપ મુકવા તૈયાર થાય તો નાના વેપારીઓને ત્યાંથી ૩૫ હજાર કરોડની ખરીદી થઇ શકે છે. એેવી દલીલ સાંભળવા મળી શકે છે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવી ચીજો નાના વેપારીઓને ત્યાં નથી મળતી માટે ઓનલાઇન ખરીદી કરવી પડે એમ હોય છે.
આવી તો અનેક દલીલો થઇ શકે એમ છે. પરંતુ એ હકિકત ભૂલવી ના જોઇએ કે નાનો દુકાનદાર આપણા ઘરની આસપાસ રહે છે. તેની આર્થિક સ્થિતિ સુધારવાનો ભલે આપણે ઠેકો ના પકડયો હોય પણ માનવતા બતાવવા પણ તેની પાસેથી ખરીદી કરવી જોઇએ. ઉદાહરણ તરીકે લોકો પાપડ મઠીયા વગેરે પણ ઓનલાઇન મંગાવે છે પરંતુ પોતાની નજીક ચાલતા કોઇ ગૃહ ઉદ્યોગને કે નજીકમાં કોઇ નાના પાયે દિવાળીની આઇટમ વેચવાનો ધંધો કરનારને ટેકો આપવાનું ભૂલી જાય છે.
દિવાળીના કોડિયાં પણ લોકો ઓનલાઇન મંગાવીને પોતે કેટલા ટેકનો સેવી છે તે અહમ પોષવા જાય છે પરંતુ ગામડામાં બનતા નવા દિવડા ખરીદીને તેના ચહેરા પર રોશની લાવી શકાય છે. ગામડામાં અનેક નાની આઇટમો બને છે. તે તરફ નજર કરવાની જરૂર છે.
નાના દુકાનદારોને ઓનલાઇન સિસ્ટમના કારણે આર્થિક ફટકો પડી રહ્યો છે. આ લોકો મૂંગા મોઢે બધુ આર્થિક ફટકાને સહન કર્યા કરે છે. આ એ લોકો છે કે જ્યારે ઇ કોમર્સ નહોતું ત્યારથી દુકાનો ચલાવે છે. જે લોકો ઇ કોમર્સ મારફતે ખરીદીનો ક્રેઝ ધરાવે છે તેમના માટે બજારમાંથી ખરીદી કરવી મુશ્કેલ પડશે પરંતુ તમારા થોડા પ્રયાસથી ભારતના પાયાના અર્થતંત્રને મજબુત બનાવી શકાય છે.
એક આખો વર્ગ આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યો છે તેમને કોઇ પૈસો ઉધાર નથી આપવાનો પરંતુ ખરીદી તેમના તરફ ડાયવર્ટ કરવાની છે. ઓનલાઇન સિસ્ટમ આવકાર્ય છે પરંતુ સાથે સાથે આપણી સાથે સતત ધબકતા આવેલા એક વર્ગનું ધ્યાન રાખવાની જરૂર છે. એેમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી તમે કોઇ ચીજ નહીં ખરીદો તો તેમને કોઇ ફર્ક નથી પડવાનો પરંતુ તમારી નજીકના દુકાનદાર પાસેથી કંઇ ખરીદશો તો તેને ચોક્ક્સ ફર્ક પડવાનો છે. પ્લીઝ..ઇ કોમર્સ પરની ખરીદી અડધી કરીને નજીકના દુકાનદારો અને ગામડામાં બનાવેલી ચીજોની ખરીદી માટે સમય ફાળવો..
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JQjacj
No comments:
Post a Comment