રાધનપુર, તા.08 નવેમ્બર 2020, રવિવાર
રાધનપુર નગરમાં નગરપાલિકા દ્વારા તહેવારો દરમિયાન નગરજનોને દુષિત પાણી આપવામાં આવતા નગરપાલિકા સામે રોષ વ્યાપ્યો છે. એક તરફ કોરોના મહામારીમાં નગરજનો પાલિકાનું દુષિત પાણી પીવા મજબુર બન્યા છે. દુષિત પાણી બાબતે પાલિકાની કમિટીના ચેરમેને પણ પાલિકાના અણઘડ વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા ખાડે જવાને કારણે છેલ્લા કેટલાય વખતથી નગરમાં ત્રણ દિવસે પાણી આપવામાં આવે છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ટયુબવેલના પાણી ક્ષારયુક્ત અને વધુ ટીડીએસ હોવાને લીધે ટયુબવેલનું પાણી નગરજનો પીવા માટે યોગ્યતા ધરાવતું નથી. તાજેતરમાં દિવાળીના તહેવારો નજીક આવેલા છે ત્યારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દુષિત અને દુર્ગંધ મારતું હોવાને કારણે લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. એક તરફ કોરોનાની મહામારીમાંથી નગરજનો ઉગર્યા નથી ત્યાં દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણ કરતા લોકોના સ્વાસ્થ્ય સાથે નગરપાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારો નજીક નરમાં દુષિત પાણી લોકોને આપવા બાબતે નગરપાલિકાના સત્તાધારી પક્ષના સદસ્યોને પુછતાં તેમણે નગરપાલિકાના અણઘડ વહીવટ સામે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
ત્રણ વર્ષથી ચાલતો અંધેર વહીવટ
નગરપાલિકાના પાણી પુરવઠા કમિટીન મહિલા ચેરમેનના પતિ રમેશભાઈ ગોકલાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક વર્ષથી નગરપાલિકામાં ચાલતા વહીવટ બાબતે અમોને કાંઈ જ પુછવામાં આવતું નથી. જ્યારે પાણી ખરાબ કેમ આવે છે તે બાબતે પણ અમારુંં કોઈ જ સાંભળતું ના હોવાને કારણે નગરપાલિકામાં અમો આવતા નથી તેમ કહીને નગરના લોકોને આપવામાં આવતા દુષિત પાણી બાબતે કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું.
ચૂંટણી ઢંઢેરાના વચનો ઠાલા પુરવાર થયા
રાધનપુર નગરપાલિકાને પાણી પુરવટા દ્વારા રોજનું ૩૦ લાખ લીટર પાણી આપવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા ટયુબવેલનું પાણી મીક્ષ કરીને નગરમાં વિતરણ કરવામાં આવતા લોકો દુષિત પાણી પીવા માટે મજબુર બન્યા છે. નગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન નગરના લોકો માટે શુધ્ધ અને રોજ પાણી આપવાની વાતો ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી જીત્યા બાદ સત્તા મળ્યા બાદ ચૂંટણી ઢંઢેરાના વચનો ઠાલા પુરવાર થતા હોવાનો અનુભવ હાલે નગરજનો કરી રહ્યા છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mXqLEe
No comments:
Post a Comment