અમેરિકા બદલાશે, દુનિયા બદલાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

અમેરિકા બદલાશે, દુનિયા બદલાશે

- અમેરિકા બાદ હવે ક્યાં-ક્યાં નફરતની રાજનીતિને જાકારો મળશે?


અ મેરિકામાં જોકર યુગનો અંત આવ્યો. જો બાઇડન આવા શબ્દો ન વાપરી શકે. કેમ કે આ પ્રકારની ભાષા ટ્રમ્પનું પ્રતિનિધિત્વ કરે છે. પણ હા, ડોનલ્ડ ટ્રમ્પના પરાજયનું હેડિંગ તેની જ શૈલીમાં આપવાનું હોય તો જરૂર એમ કહેવું પડે, જોકર યુગનો અંત. આ પ્રકારની ભાષા ટ્રમ્પ અને બાઇડનને જુદા પાડતા અનેકવિધ તફાવત માહેનો પહેલો છે. લિબરલ્સ અને કટ્ટરપંથી વચ્ચે રહેલા ડીફરન્સીઝમાંનો એક છે. અમેરિકાના મતદારોએ આ તફાવતને પીછાણી મહાસત્તાના નાગરિક તરીકેની તેમની લાયકાતનો પરિચય આપ્યો છે. શ્રેષ્ઠતાવાદને જાકારો આપી પોતાની શ્રેષ્ઠતા ઘોષિત કરી છે. 

નાના સેન્ટરોમાં વસ્તુ ફટાફટ વેચાય, સર્વિસનું મહત્ત્વ કોઈ સમજતું હોતું નથી. વિજ્ઞાાપન લખવાનું કામ હોય કે કન્સલ્ટેશન આપવાનું, ગ્રાહકને હંમેશા એમ જ લાગે કે આ તો મને પણ આવડે. આના થોડા પૈસા હોય? તેમને એમ હોય છે કે વસ્તુના જ પૈસા હોય. સર્વિસીઝના પૈસા ન હોય. એમાં શું અઘરું છે, એ તો અમનેય આવડે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકામાં વસતી આમાં શું અઘરું છે આ તો અમનેય આવડે- ટાઇપની પ્રજાતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. આપણે રોજ છાપા વાંચતા હોઇએ અને રોજ દરેક બાબત પર પોતાનો ઓપિનિયન જાળતા હોઇએ એટલે શું આપણનેય દેશ ચલાવવાનું આવડે? શું એ એટલું જનરલ કામ છે કે કોઈ પણ કરી નાખે? આ અમનેય આવડે વાળી જમાતે ટ્રમ્પને પ્રમુખ બનાવ્યા અને તેમણે અમેરિકાની જે પથારી ફેરવી છે તેનો આક્રોશ ચૂંટણી પરિણામોમાં બોમ્બની જેમ ફૂટયો છે. અમેરિકન પ્રજાની મહાનતા એ છે કે તે પ્રજા નથી, જનતા છે. તેમની મહાનતા એ છે કે તે પોતાની ભૂલમાંથી સબક લે છે.

જે રીતે વાઇટ્સ અને ઇવાન્જેલિકલ ખ્રિસ્તીઓમાં ટ્રમ્પનો દબદબો હતો તે જોઈને બાઇડન પણ સહેજ બહુમતી તૃષ્ટિકરણ તરફ ઢળી શક્યા હોત. તેમ કરવાને બદલે તેમણે અને ડેમોક્રેટિક પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ વિદેશી મૂળની મહિલાને રાખ્યા. તેઓ ધારત તો પોતાના કોઈ વાઇટ ખ્રિસ્તી સાથીદારને ઉપરાષ્ટ્રપતિ બનાવી શકત. એમ ન કરીને તેમણે સ્પષ્ટ સંદેશ આપી દીધો. અમેરિકા કોઈ એકનું નથી. બધાનું છે. ત્યાં જઈને વસેલા એશિયન્સ, લેટિનોઝ, આફ્રિકન, હિસ્પેનિક (મેક્સિકન) બધાનું.

બે-ચાર નસલને બાદ કરીએ તો આ જગતમાં હવે કોઈ મૂળ વતની રહ્યું નથી. તમારા ઘરમાં ચાર પેઢીની તમે તપાસ કરશો તો તમને ખબર પડશે કે તમારી ફેમિલી અહીંથી તહીં સ્થળાંતરિત થયેલી છે. ઇવન આપણે પોતે પણ આપણા એક જીવનમાં કેટલા ઘર, કેટલા એરિયા, કેટલા શહેરો બદલાવીએ છીએ. આવામાં સમુદાયવાદનો ઝંડો લહેરાવવો બિલકુલ અપ્રસ્તુત બની જાય છે. અમેરિકાના નાગરિકોએ તે અપ્રસ્તુતી પર પોતાની મહોર મારી છે.

અમેરિકામાં છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી વધુ વોટિંગ થયું. આ એક ન્યૂઝ. ટ્રમ્પને ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ મત મળ્યા એ બીજા ન્યૂઝ. આ બંને ન્યૂઝને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ ત્યારે સમજાય છે કે સમજદાર અમેરિકનોમાંથી થોડાક લોકોએ પણ વોટિંગ કરવાની આળસ કરી હોત તો ફરીથી સત્તા એ ગેરલાયકના હાથમાં જતી રહેત. અમેરિકાનું જંગી વોટિંગ એન્ટિ ઇન્કમ્બન્સી તો છે જ, સાથોસાથ મતનું મહત્ત્વ શું છે તે પણ સમજાવી જાય છે.

ટ્રમ્પ અને બાઇડન બંને અમેરિકન સૌલની વાત કરી રહ્યા હતા. બાઇડનના અમેરિકાના આત્માને નવા શ્વાસ મળ્યા છે, પણ ટ્રમ્પના અમેરિકાનો આત્મા મરી ગયો છે એવું માની લેવાની ઉતાવળ કરી શકાય નહીં. ટ્રમ્પનું અમેરિકા પણ જીવે છે. એટલે જ તેને ઈતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ મત મળ્યા છે. આ લોકો બાઇડનના અમેરિકાના આત્મા સાથે ઘર્ષણમાં ઊતરવાના છે. તેમને શાંતિથી અને પ્રેમથી જ જીતી શકાશે, જેની શરૂઆત બાઇડને તેમના વિજયી ભાષણથી કરી દીધી છે.

ટ્રમ્પ છેલ્લા દાયકાઓમાં આવેલા સૌથી વિભાજનકારી પ્રમુખ હતા. બાઇડને કહ્યું, હું બ્લૂ સ્ટેટ્સ કે રેડ સ્ટેટ્સનો રાષ્ટ્રપતિ નથી. હું યુનાઇટેડ સ્ટેટ્સનો રાષ્ટ્રપતિ છું. ખુરશી પરથી ન ઊતરવાની બાળહઠ લઈને બેઠેલા ટ્રમ્પને પણ તેમણે ગરિમાપૂર્ણ ભાષામાં કહ્યું, આપણે એનિમી નહીં, અમેરિકન્સ છીએ. તેમની ભાષામાં મલમ હતું. કોરોનાથી ઘવાયેલા અમેરિકન્સને જેની જરૂર છે તે મલમ.

ડોનલ્ડ ટ્રમ્પે ખુરશી પરથી ઊતરવાનો ઇનકાર કરી પોતાના સમર્થકો હિંસા પર ઊતરી શકે તેવી ચેતવણી આપી સ્વયંના સરમુખત્યારી વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે. તેમની આ ચેતવણીને હસી કાઢવા જેવી નથી. બાઇડનના અમેરિકાએ ટ્રમ્પના અમેરિકા સાથે સતત ઘર્ષણમાં ઊતરવાનું થશે. ને હર વખતે તેમણે તેમની લાગણીઓને જીતવી પડશે. જો તેમ નહીં કરે તો ટ્રમ્પ તત્ત્વને સંજીવની મળી શકે છે. મંચ પરથી ઊતરવાનું ચઢાણ ખૂબ કપરું હોય છે. કરાડ હોય છે. ને આ તો અમેરિકાના પ્રમુખપદનો મંચ, પણ એ જ અમેરિકા પાસે લોકશાહીનો ભવ્ય વારસો હોવાથી તેની મર્યાદા જનારા પ્રમુખે પાળવી જ પડે. જીતનો સ્વાદ જેટલો ગળ્યો હોય છે, પરાજયનો એટલો જ કટુ, પણ જાહેર સેવાના પદો સ્વની સેવા માટે હોતા નથી એ યાદ રાખનારા નેતાઓને ઝાઝી તકલીફ પડતી નથી.

નફરતના આ જમાનામાં જેસિન્ડા આર્ડન બીજી વખત ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન બન્યા એ શુભ સમાચાર થોડા દિવસો પહેલા મળેલા. એ પછી અમેરિકા વિશે જે સમાચાર મળ્યા તે ખરેખર વર્ષો બાદ મળેલી મોટી રાહત છે. આજે અમેરિકામાં જે થાય છે તે કાલે બીજા દેશોમાં પણ બને છે. અમેરિકામાં નૂતન રાષ્ટ્રવાદના ખચ્ચરને જે રીતે તગેડી મૂકવામાં આવ્યો છે તેની અસર આવતી કાલે બ્રિટન તથા યુરોપમાં પણ થવાની અને પરમ દિવસે એશિયામાં પણ.

આપણી સામે કોઈ સમસ્યા આવી પડે કે તરત એનું સોલ્યુશન આપણને જોતું હોય છે. જમણેરી નેતા તે સમાધાન વિભાજનમાં દેખાડે છે. થાય છે શું? વિભાજન થયા પછી પણ સમસ્યા ઠેરની ઠેર રહે છે. એટલે જમણેરી નેતાની દુકાન ચાલી પડે છે. તે વધુ વિભાજન કરાવે છે. ખરી રીતે જોઈએ તો વિભાજન એ કોઈ સમાધાન નથી. જગતના કોઈ ખૂણે એકરંગી સમાજ નથી. સમાજ વિવિધ વર્ગોનો મળીને બનેલો હોય છે. જ્ઞાાતિઓની અંદર પણ પેટાજ્ઞાાતિ હોય છે અને ઝઘડા તો બે ભાઈઓ વચ્ચે પણ હોય છે. સમાજનું હિત બધાને જોડી રાખવામાં, સહઅસ્તિત્ત્વ જાળવવામાં હોય છે. વાઇટ્સ, એશિયન્સ, આફ્રિકન્સ, લેટિનોઝ, હિસ્પેનિક અને નેટીવ અમેરિકન્સને જોડીને રાખવાના બાઇડનના વિચાર પર અમેરિકનોએ સિગ્નેચર કરી છે. 

તેમણે કમલા હેરિસને ડૉટર ઑફ માઇગ્રન્ટ્સ તરીકે સંબોધી બહુ મોટો સંકેત આપી દીધો. તેમણે ઇશારા-ઇશારામાં કહી દીધું કે આવનારા દિવસોમાં ઇંડિયન પ્રોફેશનલ્સ મોજથી અમેરિકામાં નોકરી કરવા આવી શકશે. તેઓ ટ્રમ્પની જેમ તેમના માટે દરવાજા બંધ નહીં કરે. અલબત્ત વિઝા નીતિમાં રીફોર્મ્સ જરૂર લાવશે. એટલે જ ભારતીય શેરબજારે ઉછાળો મારી બાઇડનના આગમનને સલામી આપી. તેમના આવવાથી ચીન સાથેનું ટ્રેડવોર શાંત થવાની પ્રબળ શક્યતા છે. ટ્રેડ વોર શાંત થશે અને વેપાર ખૂલશે તો વિશ્વશાંતિ પણ પાછળ-પાછળ દોડી આવશે. 

ઑબામાએ તેમને અભિનંદન પાઠવતા બહુ સાચી વાત કરી. જેમ બાઇડન ઐતિહાસિક મતથી જીત્યા છે તેમ તેમની સામે પડકાર પણ એવડા મોટા છે જે ઈતિહાસમાં બીજા કોઈ અમેરિકન પ્રમુખ સામે નહોતા. પણ તેમનામાં જે ઠરેલપણું છે, જે સૂઝ-સમજ છે તે નિરાશ નહીં કરે એવો દૃઢ વિશ્વાસ છે. એફડી રુઝવેલ્ટે અમેરિકાને ૧૯૨૯ની ગ્રેટ ડીપ્રેશનમાંથી બહાર કાઢ્યું હતું. બાઇડન અમેરિકા સહિતની દુનિયાને મહામારીમાંથી બહાર કાઢી એક નવા યુગની શરૂઆત કરે, એવું તેમના જોબ ડિસ્ક્રિપ્શનમાં અમીટ અક્ષરોએ લખાયેલું છે.

આજની નવી જોક

મગન (છગનને): મારે મારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવી છે. શું આપું?

છગનઃ ગોલ્ડ રિંગ ગિફ્ટ કર.

મગનઃ એ નહીં. એનાથીય કંઈક મોટું કે. 

છગનઃ એક કામ કર. એમઆરએફનું ટાયર ગિફ્ટ કરી દે.

મગનઃ હેં!?



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36r2W0H

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages