બહાર દીવા બહુ પ્રગટાવ્યા હવે દિલમાં દીવો ક્યારે પ્રગટાવીશું ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 10 November 2020

બહાર દીવા બહુ પ્રગટાવ્યા હવે દિલમાં દીવો ક્યારે પ્રગટાવીશું ?

- દિલમાં પ્રકાશ થશે ત્યારે બ્રહ્મદર્શન થશે પછી અજ્ઞાાનના તાળા ફટાફટ ઉઘડી જશે


દિવાળી એટલે અત્ર, તત્ર, સર્વત્ર દીપ જ દીપ. ઝગમગતા દીવડા 'સર્વજન હિતાય'... 'સર્વજન સુખાય' પ્રકારનાં ગીતો ગાય છે. દીપ માળાઓ પ્રકાશનો અભિષેક કરી, માનવને 'પ્રકાશમંત્ર'નું દાન કરે છે.. માનવના અંતઃકરણમાં ઉત્તમ તેજના દીવડા પ્રગટાવવા રટણા ઊભી કરે છે. તમસમાંથી પ્રકાશ તરફ જવા પ્રેરે છે... દીવાળી આશા ઉમંગ, સુખના ખોળામાં બેસાડી માનવને પ્રેમથી કહે છે, 'ભાઈ ! તારા દીલમાં ક્યારે દીવો કરે છે ?'

આપણે બહાર તો ઘણા દીવા પ્રગટાવ્યા... પણ, દીલમાં તો અંધકાર ભર્યો છે તેનું શું ? આપણા ગુજરાતી સાહિત્યમાં અણમોલ રત્નસમા ભક્તિ કાવ્યો છે. એમાં એક છે, રણછોડ કવિનું કાવ્ય, 'દીલમાં દીવો કરો.'

હે માનવી ! તેં બહારના ધમપછાડા ઘણા કર્યા... એ બધાંને પડતાં મૂકીને દીલમાં દીવો પ્રગટાવી... કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, રાગ-દ્વેષ, ખરાબવૃત્તિઓના દીલના અંધકારને દૂર કર. કવિ નમ્રતાપૂર્વક પ્રેમથી અરજ કરે છે. દીવો પ્રગટાવવો સહેલો નથી. પહેલાં તો પ્રેમરૂપી પરણાયું તૈયાર કર... અર્થાત્ પ્રેમનો સાથ લે. પ્રેમનો આધાર લે. તો તારું કામ સરળ બનશે... સાચો પ્રેમ પ્રાપ્ત થશે તે જ દિવસે વિશ્વવ્યાપી પ્રેમની કૂંચી પ્રાપ્ત થશે. એટલે પ્રેમરૂપી કોડિયું કહ્યું છે. આ કોડિયામાં દિવેલ કયું પૂરવાનું ? કવિ કહે છે ઃ 'દયા દિવેલ.' હૃદયના પ્રેમભાવથી સર્વ પ્રાણી પ્રત્યે સમભાવ થાય તેનું નામ 'દયા'. દયા ધર્મનું મૂળ છે. પ્રેમવગરની 'દયા' ન ચાલે. દયારૂપી દિવેલ લીધું.. પણ, દીવેટ શાની કરવી ?.. કવિ કહે છે 'સુરતાની દીવેટ'. સુરતા એટલે લગની- ધ્યાન- દેવત્વ. સતત ધ્યાન.

હવે તેને પ્રગટાવવું શાનાથી ? પ્રેમથી હૃદય છલોછલ બન્યું, સર્વ પ્રત્યે 'દયા' વહેવા માંડી... પ્રભુ પ્રત્યેની લગનીમાં ચેતનાને એકાગ્ર બનાવી દીધી... તે-જ ક્ષણે આપોઆપએ એકાગ્રતા બ્રહ્મઅગ્નિના સ્પર્શથી પ્રજવળી ઊઠવાની ને પ્રકાશરૂપ બની અંતરમાં ઝળહળી ઊઠવાની.

કવિ કહે છે ઃ

સાચા દિલનો દીવો જ્યારે થાશે,

ત્યારે અંધારું મટી જાશે.

પછી 'બ્રહ્મલોક' તો ઓળખાશે રે... દિલમાં...

અંધકારનો કચરો દિલમાંથી નાશ પામ્યો એટલે જ આપણે નિષ્કપટ- સાચા દિલના થઈ ગયા... હવે અંધારું ક્યાં રહ્યું ? ને દિલમાં જ્યાં પ્રકાશ... પ્રકાશ થયો એટલે 'બ્રહ્મદર્શન' થયું. પ્રેમદયાની મદદથી ચેતના અહંકાર- અભિમાનમાંથી છૂટીને વિશાળ બ્રહ્મલોકનાં દર્શન કરવા માંડી.

સંકુચિતતા નષ્ટ થઈ. ચેતના બ્રહ્મમય થઈ ગઈ. અહમ નષ્ટ થયું. વિશાળતા પ્રાપ્ત થઈ.

આ કેવો દીવો દિલમાં પ્રગટયો ? કવિ કહે છે ઃ

દીવો અણભે પ્રગટે એવો,

ટાળે તિમિરના જેવો

એને નેણે તો નરખીને લેવોરે... દિલમાં

આ દીવો 'અણભે' એટલે ભય વિનાનો છે. કારણ કે મહા અંધકારને દૂર કરનારો છે. નિર્મળ હૃદયને ભયભીત કરી શકાતું નથી. આવા દીવાને કવિ ધરાઈ ધરાઇને 'નયણાંભરી' નીરખવા કહે છે... તેમાં પ્રત્યક્ષ અનુભૂતિનો રણકો છે.

ને છેવટે કવિ રણછોડ કહે છે...

દાસ રણછોડે ઘર સંભાળ્યું...

જડી કૂંચી ને ઉઘડયું તાળું...

થયું ભો મંડળમાં અજવાળું રે...

પ્રકાશ પ્રાપ્ત થતાં પોતાના અસલ ઘરે 'સચ્ચિદાનંદ સ્વરૂપ' મળી ગયું. કૂંચી જડી ગઈ... એટલે સાચું જ્ઞાાન પ્રાપ્ત થઈ ગયું.. ને પછી તો અજ્ઞાાનતાનાં તાળાં ફટોફટ ઊઘડી ગયાં... ને પોતાના દીલમાં જ નહિ અત્ર, તત્ર, સર્વત્ર... ભૂમંડળમાં પ્રકાશ પ્રકાશ થઇ ગયો... સર્વત્ર... સર્વમાં 'બ્રહ્મદ્રષ્ટિ' થઇ ગઇ... જે ક્ષણભંગૂર નથી નિત્યસ્થિતિ છે.

કવિએ દિલમાં દીવો પ્રગટાવી અલૌકિક સ્વાનુભવનો સ્વાદ લીધો.. પ...ણ, હવે આપણે ક્યારે દિલમાં દીવો પ્રગટાવવા તૈયાર થઇ શું ?

અરે ! આમ તે કેમ થાય ?

બેસી કેમ રે રહેવાય ?

ચાલો, બેઠા હો ત્યાંથી ઝટ ઊઠી જાઓ,

પ્રગટાવવા દીલનો દીવો.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38sb0Bb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages