- દરેકની સફળતા પોતીકી હોય છે, ટેલર મેઇડ હોય છે, તેને તમે બીજાની સફળતા સાથે સરખાવી શકો નહીં

જીવનમાં ઘણું બધું એવું હોય છે જેમાં મોડા ઊઠયે લાભ નથી હોતો. બેટર લેટ ધેન નેવર સૂત્ર વાહન ચલાવવા સિવાય કોઈ સમયે યાદ રાખવા જેવું નથી. પ્રતિભા ઘણા બધામાં હોય છે. સફળ શા માટે થોડા જ થાય છે? કારણ કે મોટા ભાગના પ્રતિભાવંતો મોડા જાગે છે. જાગ્યા પછી ખાસ કંઈ કરવા જોગું રહેતું નથી. સવારે મોડા ઊઠો તોય હજુ ઠીક છે, છેક સાંજે ઊઠો તો હાથમાં કેટલો દિવસ રહેવાનો? ઘણું એવુંછે જે વહેલું સમજાઈ જાય તો ફેરો ફોગટ ન જાય. તો જીવનની રુબરુ થઈ જવાય. જીવન સાથે ભેટો થઈ જવો, પોતાને મળી જવું એ જ સફળ થવું. આ કદાચ સફળતા કરતાય મોટી ટર્મ છે.
જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે, સુખ-દુઃખ આવે છે, ચડતી-પડતી આવે છે, પણ ક્યારેય એવું સાંભળવા મળતું નથી કે ૩૦ વર્ષનો યુવાન એકાએક ૧૦ વર્ષનો થઈ ગયો. કોઈ પણ સૂરતમાં જીવન આગળ જ વધે છે. ક્યારેય પાછળ જતું નથી. પૈસામાં વધઘટ થાય છે. આયુષ્ય ઘટે છે. ઘટે તો જિંદગી પણ ઘટે છે, પરંતુ ક્યારેય વિતેલા વર્ષો ઘટતા નથી. જો થોડા વહેલા જાગી જવાય તો ઉંમરના સરવાળાને જીવનના સરવાળામાં સફળતાના સરવાળામાં પરિવર્તિત કરી શકાય.
કલ્પના એક એવી શક્તિ છે જે બધાને મળેલી છે. ૧૦૦ની નોટ ૧૦૦ની નોટ એટલા માટે છે કેમ કે આપણે બધાએ સામુહિકપણે તેની કિંમત ૧૦૦ રૂપિયા કલ્પેલી છે. કોઈ પ્રાઇવેટ કંપનીથી લઈને શેરના ભાવ સુધી બધું જ કલ્પના છે. પૂરાપાષાણ યુગથી વર્તમાન સમય સુધીનો આ વિકાસ કલ્પનાની દેણ છે. કમનસીબે આપણે કલ્પના કરવાાનું ભૂલી ગયા છીએ. જીવનને મળવું હોય, સક્સેસ થવું હોય તો કલ્પના કરતા રહેવું બહુ જરૂરી છે. જસ્ટ ઇમેજિન.
આપણું સપનું એ આપણું સપનું છે એટલો ખ્યાલ આવી જાય તો ગંગા નહાયા. ગામને આપણા સપનાંમાં શો રસ? આથી લોકો આપણી જરૂરિયાતો, આપણે આપવા પડતા ભોગને નહીં સમજી શકે. આપણો ક્રોસ આપણે ઉપાડવો પડે છે એમ આપણા સપના સાકાર કરવાની મહેનત પણ આપણે જ કરવી પડે. દોસ્ત મુજબ સપનાં ન હોવા જોઈએ.
સપનાં મુજબ દોસ્ત હોવા જોઈએ. દોસ્ત એન્જિનિયરિંગ કરે છે તો હું પણ એન્જિનિયરિંગ કરું. દોસ્ત વિદેશ ભણવા જાય છે તો એની સાથે હું પણ જાવ. કરિયરની ચર્ચા સામુહિક હોય, કરિયર ક્યારેય સામુહિક ન હોય. લક્ષ્યો પ્રમાણે દોસ્ત બનતા હોય છે અને લક્ષ્યો બદલાય એટલે દોસ્ત બદલાઈ જતા હોય છે. રાજકોટથી અમદાવાદ અને મોરબી જવા માગતા બે મિત્રો ક્યારેય એક બસમાં સફર કરી શકે નહીં.
ક્રિએટિવિટીનો અર્થ આપણે થોડો વધારે અઘરો કરી નાખ્યો છે. માત્ર આર્ટીસ્ટ ક્રિએટિવ હોય એવું કોણે કહ્યું? દરેક ચીજમાં ક્રિએટિવિટી હોઈ શકે. કાગળનું પ્લેન બનાવવાથી માંડીને ઘરમાં પડેલા વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવા સુધી બધે જ. કોઈ પણ વ્યક્તિ ક્રિએટીવ હોઈ શકે છે. તેના માટે તેને માન્ય સંસ્થા પાસે કલાકારનો સિક્કો મરાવવાની જરૂર નથી. પોતાની અંદરની ક્રિએટિવિટી બહાર કાઢવી જોઈએ.
ને જેના વિશે ઓછી વાત થાય છે તે સ્ફૂરણા. ક્રિએટિવિટીની માસીની દીકરી. આ ખજાનો પણ દરેક પાસે છે, પણ તેનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે. મોટા ભાગના લોકો મરે ત્યારે સ્ફૂરણાનો ખજાનો ખર્ચ કર્યા વિના જ તેની સાથે લઈ જાય છે. સમજદારી દગો આપે પણ સ્ફૂરણા ક્યારેય દગો નથી આપતી અનુભવી ખોટો પડે પણ સ્ફૂરણાથી લીધેલો નિર્ણય હંમેશા સાચો સાબિત થાય છે. દરેક બાળક સ્પોન્ટેનિયસ હોય છે, જેમ-જેમ તે યુવાન થવા માંડે તેમ તેના પર અનુભવનો કાટ બાઝી જાય છે. જે આ કાટ નથી બાઝવા દેતું તે સફળ, તેને બેડો પાર.
છેલ્લે ક્યારે ઘાસ પગમાં ખૂંચ્યું હતું યાદ છે? છેલ્લે ક્યારે વહેતું ઝરણું જોયેલું? છેલ્લે ક્યારે પથ્થરને પાટું મારતા-મારતા ક્યાંય સુધી લઈ ગયેલા? આપણે મોટા નથી થયા, મોટા થયાના નામે આપણી સહજતાને આપણે હણી નાખી છે. આજે જેને અને તેને ડિપ્રેશન ચડવા લાગ્યું છે. ડિપ્રેશન એટલા માટે આવે છે કેમ કે તમે રમતે નથી ચડતા. કારણ કે ગ્રોઅપ એવો ટોણો મારીને તમને અભિશાપ આપી દેવામાં આવ્યો છે. એ સહજતા પાછી લાવો. જ્યાં હોય, જેવી દશામાં હોય ત્યાંથી પકડીને એને અહીં હાજર કરો.
આપણે દુઃખી એટલા માટે છીએ કેમ કે આપણે આપણું ગમતું નથી કરતા. ગમતાનો ગુલાલ કરવાની વાત તો આઘી રહી, પહેલા ગમતું તો કરો. ગમતું કરવામાં વિઘ્નો નડે છે. અગ્રી. કિન્તુ માનીએ તેટલું અઘરું પણ નથી હોતું. હિંમત કરવી પડે બસ. ને હા થોડા કોમ્પ્રોમાઇઝ પણ. ગમતું ન કરવા માટે જેટલા સમાધાનો કરવા પડે છે તેના કરતા તો એ ઓછા જ હોવાના. જીવન અને સફળતા તમારું ઇન્વોલ્વમેન્ટ માગે છે. ને જે કામ તમારું ગમતું હોય એ જ તમે દિલથી કરી શકો છો.
મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમમાં વારે ઘડીએ અપડેટ આવતા રહે છે, પણ માણસ અપડેટ થવાનું ભૂલી ગયો છે. માણસનું અપડેટ થવું એટલે વાંચવું. વાંચવું એટલે વધવું. જેવું વાંચવાનું બંધ કરો એટલે ઉંમર સમય સાથે જે અપડેશન આપણી અંદર આવવું જોઈએ તે આવતું નથી. આપણે ઇન્ટિમેશનની રાહ જોતા રહીએ છીએ, પણ તે આવતું નથી. વાંચવું અને સતત વાંચતા રહેવું જરૂરી છે. શેરમાં રોકેલા પૈસા ધોવાઈ જાય છે, પુસ્તકો શ્યોર ઇન્વેસ્ટમેન્ટ છે. ૨૦૦ રૂપિયાનું પુસ્તક તમને હજારો-લાખો રૂપિયાનું રીટર્ન આપી શકે છે. તેમાં રોકેલા પૈસા ક્યારેય ડૂબતા નથી.
આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સાંભળીએ છીએ ઓછું અને બોલીએ છીએ વધારે. ને આપણને આપણી આ તકલીફ વિશે ખબર પણ નથી. ખબર પાડવી હોય તો એક પ્રયોગ કરી જુઓ. કોઈને મળીને છુટ્ટા પડો પછી તેની સાથે શુું વાતો થઈ તે યાદ કરજો? તમે શું કહ્યું તે તમને તરત જ યાદ આવી જશે, પણ તેણે શું કહ્યું એ એટલું યાદ હશે નહીં. થોડું યાદ હશે તોય તમને તમે કહેલું વધારે યાદ હશે. એણે કહ્યું એના કરતા ઘણું વધારે.
એનો અર્થ એ થયો કે તમે ખરાબ શ્રોતા છો. આપણે શું કહ્યું તેના કરતા વધારે આપણને એ યાદ હોવું જોઈએ કે સામેવાળાએ આપણને શું કહ્યું? મોટા ભાગના લોકોને કંઈક સાંભળવા કરતા કંઈક કહેવાની ઉતાવળ હોય છે. તેઓ સામેવાળા શું કહે છે એ સાંભળવાને બદલે એની વાટ જોતા હોય છે કે ક્યારે તે વાત પૂરી કરે અને ક્યારે પોતે પ્રવચન શરૂ કરે. આ બાબત તમને-મને-બધાને જીવનથી પણ દૂર કરી દે છે અને સફળતાથી પણ.
જે આવડત આપણામાં હોય તેની પ્રેક્ટિસ જરૂરી છે. પછી એ બિઝનેસ હોય, કલા હોય, શિક્ષણ હોય કે કંઈ પણ. ગણિતના શિક્ષકે પણ ગણિત શીખતું રહેવું પડે. વારેવારે ટેક્સ્ટબુક જોતી રહેવી પડે. ઉદ્યોગપતિએ તેના ઉદ્યોગ વિશે નવું-નવું જાણતું-શીખતું રહેવું પડે. નહીં તો ફેંકાઈ જઈએ. નસીબ સારા હોય તો ફેંકાઈએ નહીં તોય એક લિમિટ કરતા તો આગળ ન જ વધી શકાય. મારે ન જોવું પડે એવો ફાંકો જ સૌથી મોટો બાધક છે. ચાહે ગમે તેટલું આવડતું હોય દરેક ક્ષેત્રમાં રિયાઝ અનિવાર્ય છે.
સક્સેસની વ્યાખ્યા બહુ સાપેક્ષ છે. કોઈ માટે રૂા.૩૦,૦૦૦ કમાવા એ સફળતા હોઈ શકે છે. કોઈ માટે ત્રણ કરોડ. કોઈ માટે પ્રોફેશનલ લાઇફ અને ફેમિલી લાઇફ વચ્ચે બેલેન્સ જાળવવું એ સક્સેસ હોઈ શકે છે. કોઈ માટે પોતાના ક્ષેત્રમાં છવાઈ જવું એ. આપણા માટે સફળતા શું છે તે આપણે જાતે નક્કી કરવું પડે. દરેકની સફળતા પોતીકી હોય છે. ટેલર મેઇડ હોય છે. એકની સફળતાને બીજા સાથે સરખાવી ન શકાય.
સફળતા અને જીવનની પ્રાપ્તિ દરમિયાન સૌથી મોટું ઘર્ષણ માતાપિતા સાથે થાય છે. આવા સમયે એક વસ્તુ ખાલી યાદ રાખવાની છે. ચાહે ગમે તેટલું લડી લઈએ. માતાપિતાને બદલી નહીં શકાય. આથી એવી રીતે લડવું કે યુદ્ધના અંતે એક થાળીમાં જમી શકાય.
બીજાને ખુશ નથી કરવાના. બીજાને ક્યાં સુધી ખુશ કરશું? સવારે ઊઠીને અરીસામાં આપણે આપણું જ મોઢું જોવાનું છે. તો પછી શા માટે ખુદને ખુશ ન રાખીએ? દરેક વ્યક્તિ પોતાને ખુશ રાખવા માંડશે તો દુનિયા આપોઆપ ખુશનુમા બની જશે.
એક સર્વે એવું કહે છે કે આપણે જે કંઈ છીએ તે આપણી આસપાસની પાંચ સૌથી મહત્ત્વની વ્યક્તિનું રીફ્લેક્શન છીએ. તેનો અર્થ શું થાય છે? હંમેશા આસપાસમાં એવા લોકો રાખવા જેવા તમે બનવા માગો છો. જે તમારા ઉદ્દીપક છે. આપણે જે બનવા માગીએ છીએ તેના કરતા વિપરીત માણસો જ આપણી આસપાસ હશે તો આપણે એ ક્યારેય નહીં બની શકીએ જે બનવા માગીએ છીએ. વાત માતાપિતા કે ભાઈ-બહેનની નથી.
વાત એવા લોકોની છે જેની સામે સૌથી વધુ સત્સંગ કરો છો. જેની સાથે સૌથી વધારે ટાઇમ સ્પેન્ડ કરો છો. યુપીએસસી ક્રેક કરનારી વ્યક્તિએ એવી વ્યક્તિ સાથે જ વ્યવહાર રાખવો જોઈએ જે તેને આઇએએસના માહોલમાં લઈ જાય જે તેના ડાઉટ સોલ્વ કરી શકે. વાતોના વડા કરવાવાળા અને ખરેખર તમને તમારા ક્ષેત્રમાં આગળ લઈ જવામાં કામ લાગનારા લોકો વચ્ચે ઝીણી ભેદરેખા હોય છે. તે પારખવી અતિશય જરૂરી છે.
દરેકનું સારું ખરાબ અલગ-અલગ હોય છે. એક સ્પોર્ટ્સમેન માટે નોનવેજ ખાવું સારું છે, મંદાગ્નિથી પીડાતા સામાન્ય માણસ માટે ખરાબ. પથરીના દરદી માટે બિયર દવાનું કામ કરે છે, લિવરના દરદી માટે ઝેર. કોઈ ચીજ નિરપેક્ષ રીતે સારી કે ખરાબ નથી. આપણું સારું શું? આપણું ખરાબ શું? તે આપણે જાતે નક્કી કરવું પડે.
એક ઉંમરે મૂછનો દોરો ફૂટી જાય છે, સંધિકાળ બાળાને સ્ત્રી બનાવી દે છે. વાર લાગે છે તે સમજણનો કોટો ફૂટવામાં. એ ફૂટતાની સાથે જ બધા અવરોધ આઘા ખસી જાય છે. કવિ ઉદયન ઠક્કર લખે છે, કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂંપળની પાસે શું કૂમળી કોઈ હથોડી છે?
આજની નવી જોક
છગન (લીલીને): તું મારા પગારમાં ગુજરાન ચલાવી શકીશ?
લીલીઃ મારું તો ચાલી જશે. તમારું?
છગનઃ હેં!?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I5mob7
No comments:
Post a Comment