
મુંબઈ, તા.12 નવેમ્બર, 2020, ગુરુવાર
મીરા-ભાયંદર ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યક્રમોમાં લોકોનાં જમા થવાના નિયમમાં રાહત આપવાની માગ સાથે ભાયંદર વેસ્ટમાં પાલિકા સ્ટેડિયમની બહાર બેસી ત્રણ દિવસ ઘરણાં આંદોલન કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં મીરા-ભાયંદરના ૩૦૦ થી વધુ મંડપ ડેકોરેટર્સ, કેટરર્સનો સમાવેશ છે.રાજ્ય સરકાર અને મીરાભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગત કેટલાંક અઠવાડિયાથી મંડપ ડેકોરેટર્સ, કેટરર્સની વારંવારની વિનંતીઓને સકારાત્મક પ્રતિસાદ આપવામાં અસફળ જતાં આ આંદોલન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં રાજ્યમાં લગ્ન, પૂજા, પાર્ટી વગેરેમાં માત્ર ૫૦ લોકોની પરવાનગી સાથે જ કાર્યક્રમ યોજવાની સરકારે મંજૂરી આપી છે. જેનું આર્થિક નુકશાન મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સને થઈ રહ્યું છે. આથી આ નિર્ણયમાં રાહત આપવાની તેમણે માગ કરી હતી.
મહારાષ્ટ્રના પુર્વ રાજ્યમંત્રી દરજ્જાપ્રાપ્ત અને મીરા-ભાયંદર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધીપક્ષ નેતા ડૉ.આસિફ શેખ એ મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સની સમસ્યાઓને લઈ ઉપમુખ્યમંત્રી અજીત પવાર સાથે મુલાકાત કરી ભૂખમરાની સ્થિતિ ભોગવી રહેલાં મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સના આંદોલનની તેમને જાણ કરી હતી. તેમજ હોટલ્સ, બાર, સિનેમા, જિમ વગેરે વ્યવસાયની જેમ જ ૫૦ ટકા ક્ષમતા સાથે હૉલ અને ગ્રાઉન્ડમાં લગ્ન અને અન્ય કાર્યક્રમો માટે પરવાનગી આપવાની માગ કરી હતી.દરમ્યાન શિવસેનાના વિધાયક પ્રતાપ સરનાઈક પણઆ સંગઠનના સમર્થનમાં સામે આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી તેમાં હાલની ૫૦ જણની મર્યાદાને વધારી ઓછામાં ઓછી ૨૦૦ મહેમાનોની પરવાનગી આપવાની માગ કરી છે. જેથી આ વ્યવસાયિકોને પણ થોડો વ્યવસાય મળી રહે અને તેમને થઈ રહેલાં આર્થિક નુકશાનમાંથી રાહત મળે.
માત્ર મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સ જ નહીં તો તેમની સાથે સંકળાયેલ અનેક ફૂલવાળા, ફુગ્ગાવાળા, ઈવેન્ટ મેનેજર, ઑર્કેસ્ટ્રાવાળા પણ ગત માર્ચ મહિનાથી બેરોજગાર થયાં છે. આથી દિવાળી બાદ લગ્નની સીઝનઆવી રહી છે, ત્યારે સરકાર નિયમોમાં હળવાશ લાવી ડેકોરેટર્સ, કેટરર્સને આર્થિક મંદીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરશે, એવી આ આંદોલકોની આશા છે. જો સરકાર આંદોલકોની માગણી પૂર્ણ નહીં કરેતો વધુ તીવ્ર આંદોલનની ચિમકી આ સંગઠને આપી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pqaiu3
No comments:
Post a Comment