
મુંબઈ , તા. 13 નવેમ્બર, 2020, શુક્રવાર
રવિવારે રાજ્યના ૩૦થી ૪૦ ટકા થિયેટરો ખુલશે જેમાં માત્ર હિન્દી ફિલ્મો પ્રદર્શિત થશે. રાજ્ય સરકારે થિયેટરોને ૫મી નવેમ્બરથી જ ૫૦ ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી દીધી હતી પણ થિયેટર માલિકો પાસે કોવિડ પ્રોટોકોલની પૂરતી સુવિધા ન હોવાથી માત્ર ગણ્યા ગાંઠયા થિયેટરો જ ખુલ્યા હતા. અનેક મલ્ટીપ્લેક્સોએ લોકડાઉન દરમ્યાન પોતાના હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યા હતા. કેટલાક મલ્ટીપ્લેક્સોેએ તો બચત કરવા વીજળી જોડાણ પણ કપાવી નાખ્યા હતા.
મલ્ટીપ્લેક્સ ખોલવાની મંજૂરી અચાનક જ આપવામાં આવી હોવાથી મોટાભાગના મલ્ટીપ્લેક્સના માલિકો હજી તૈયાર નહોતા. ઉપરાંત સરકારે માત્ર ૫૦ ટકા ક્ષમતાની મંજૂરી આપી હોવાથી ટિકિટના નવા દર પણ નક્કી કરવાના હતા.
મલ્ટીપ્લેક્સ એસોસિયેશનના પદાધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની તમામ ૭૪૫ સ્ક્રીન ચાલુ કરતા હજી કેટલાક અઠવાડિયા લાગશે કારણ કે તેમને પોતાના સ્ટાફને એકત્ર કરવાનો છે અને ટિકિટના નવા દર નક્કી કરવાના છે. ૫૭૫ સ્ક્રીન મલ્ટીપ્લેક્સની અંદર છે જ્યારે બાકીની ૧૭૦ સ્ક્રીન સિંગલ છે. મુંબઈમાં ૪૨ મલ્ટીપ્લેક્સમાં ૧૯૩ સ્ક્રીન છે અને ૬૬ સ્ક્રીન સિંગલ થિયેટરમાં છે.
પુણેમાં ૩૦ મલ્ટીપ્લેક્સ પૈકી ૧૦ આ શુક્રવારે ખુલશે જ્યારે મુંબઈ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં માત્ર ૩૦થી ૪૦ ટકા સ્ક્રીન ખુલશે. એસોસિયેશને વધુમાં જણાવ્યું કે આ સપ્તાહના અંતે કોઈપણ સિંગલ થિયેટર નહિ ખુલે. ઉપરાંત આ સપ્તાહમાં માત્ર એક જ નવી હિન્દી ફિલ્મ રજૂ થવાની છે.
નવી મુંબઈમાં છ મલ્ટીપ્લેક્સમાં ૨૫ સ્ક્રીન છે જ્યારે થાણેમાં ૩ મલ્ટીપ્લેક્સમાં ૧૦ સ્ક્રીન છે અને ચાર સિંગલ સ્ક્રીન છે. કલ્યાણ-ડોંબિવલીમાં આઠ સિંગલ સ્ક્રીન છે. મલ્ટીપ્લેક્સમાં મુખ્યત્વે આઈનોક્સ, પીવીઆર, સિનેપોલીસ, કાર્નિવલ અને સિટીપ્રાઈડ છે.
મલ્ટીપ્લેક્સના માલિકોનું માનવું છે કે તેઓ નવા ટિકિટના દર નક્કી કર્યા વિના થિયેટર ચાલુ કરશે તો તેમને લોકડાઉન કરતા પણ વધુ નુકસાન થશે. ઉપરાંત આ સપ્તાહમાં હોલીવૂડ કે સ્થાનિક ભાષાની પણ કોઈ નવી ફિલ્મ રજૂ ન થવાની હોવાથી મલ્ટીપ્લેક્સ માલિકો પૂરતી ક્ષમતા સાથે થિયેટરો ચાલુ કરવાની મંજૂરી મળે ત્યાં સુધી નવી દર વ્યવસ્થા અને ફિલ્મની ગુણવત્તા પર ભાર મુકી રહ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f9Wob7
No comments:
Post a Comment