મુંબઈમાં ગયા વર્ષની દિવાળી જેટલા જ વાહનોનું રજિસ્ટ્રેશન થયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 November 2020

મુંબઈમાં ગયા વર્ષની દિવાળી જેટલા જ વાહનોનું રજિસ્ટ્રેશન થયું



મુંબઈ , તા. 13 નવેમ્બર, 2020, શુક્રવાર

છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન ગાડીઓના રજિસ્ટ્રેશનમાં ૨૯ ટકાનો વધારો નોંધાયો હતો. ઓક્ટોબરની સરખામણીએ આ વધારો ૪૮ ટકાનો હતો.

જો કે ઓક્ટોબરમાં કોરોનાકાળના અન્ય મહિનાઓની સરખામણીએ  સૌથી વધુ રજિસ્ટ્રેશન થયા હતા પણ દિવાળીટાણે નવી કાર અને બાઈકના રજિસ્ટ્રેશને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સમય દરમ્યાન વાહનોની ખરીદીને શુભ મનાતી હોવાથી વાહનોની ડિલીવરી ધનતેરસ અને દિવાળીના દિવસે મળે એવી લોકોની ઈચ્છા હોય છે. જો કે ગયા વર્ષની દિવાળીની સરખામણીએ કારના રજિસ્ટ્રેશન ૬ ટકા અને બાઈકના ૮ ટકા ઓછા છે.

વાહનોના બૂકિંગ માટે ૩જી નવેમ્બરથી જ ધસારો થયો હતો. લોકોને ધનતેરસ અથવા તો દિવાળીને દિવસે વાહનની ડિલીવરી જોઈતી હોય છે. તારદેવ, વડાલા, અંધેરી અને બોરીવલી આરટીઓ ખાતે ૧૦ દિવસ દરમ્યાન કુલ ૨,૨૫૩ કાર અને ૭,૧૦૬ બાઈક રજિસ્ટર થયા હતા જેને તહેવારના આ બે દિવસ દરમ્યાન ડિલીવર કરવામાં આવશે.

રાજ્ય ટ્રાન્સપોર્ટ કમિશનર અવિનાશ ઢાકનેએ જણાવ્યું કે તમામ ચાર આરટીઓ ખાતે વાહનોનું રજિસ્ટ્રેશન ઝડપી બનાવાયું છે જેથી નાગરિકોને તેમના વાહન સમયસર મળી રહે. એના માટે અધિકારીઓ ઓવરટાઈમ કામ કરી રહ્યા છે. કેટલાક આરટીઓ તો શનિવારે અને રવિવારે પણ ખુલ્લા રહ્યા હતા.

છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન આ તમામ આરટીઓ દ્વારા રોડ ટેક્સ પેટે રૃા. ૩ કરોડ એકત્ર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વાહન ખરીદી માટે શુભ મનાતા દિવાળી, દશેરા, ગુડી પડવા અને અક્ષય તૃતિયાના દિવસે વધુ વાહનોના રજિસ્ટ્રેશન થતા હોય છે.

કેટલાક અરજદારોએ વિશેષ નંબર પ્લેટ માટે પણ અરજી કરી હતી. નંબરો કોમ્પ્યુટર સીસ્ટમ દ્વારા ફાળવવામાં આવતા હોય છે પણ વધુ રકમ લઈને વિશેષ નંબરો પણ અપાતા હોય છે એમ અધિકારીઓએ જણાવ્યું.

ઓછો સ્ટાફ હોવા છતાં આરટીઓએ તમામ નવા રજિસ્ટ્રેશન સમયસર કર્યા હતા. થાણે અને વાશી આરટીઓમાં પણ રજિસ્ટ્રેશનમાં ઉછાળો આવ્યો હોવાની જાણકારી મળી છે.

તમામ નવા વાહનોમાં નવા બી૬ એન્જિન રહેશે જેમાં પ્રદુષણ નિવારણ માટે  નવા નિયમો લાગુ પડયા હોય છે. કાર વિક્રેતાઓએ જણાવ્યું કે ગ્રાહક વાહનની ડિલીવરી શુક્રવારે અથવા શનિવારે લેવા આવે તેઓ અગાઉ તેઓ વધુ સિક્યુરિટી ધરાવતી નંબર પ્લેટો કાર પર લગાવી રહ્યા છે.

અંધેરી સ્થિત એક કાર વિક્રેતાએ જણાવ્યું કે કોવિડને કારણે અમે તમામ કાર્યવાહી ઓનલાઈન કરી રહ્યા છીએ. ગ્રાહકે ઘેર જ રહેવાનું હોય છે અને તેને કારના વીમા માટે એક ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) મળે છે અને બીજો કાર રજિસ્ટ્રેશન માટે આરટીઓમાંથી મળે છે. ગ્રાહકોને ઓટીપી માટે સંપર્ક કરીને પછી તમામ કાર્યવાહી પૂર્ણ કરવા શોરૃમમાં બોલાવવામાં આવે છે. ઉપરાંત ગ્રાહકોને ચૂકવણી પણ ઓનલાઈન કરવા જણાવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તહેવાર દરમ્યાન કારની લોનો પણ વધુ ઝડપથી વિતરીત થઈ હતી.

એક આરટીઓ અધિકારીએ જણાવ્યું કે ડીલર સ્તરે તમામ કાર્યવાહી થઈ ગઈ છે. માત્ર ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ચેકિંગ અને રજિસ્ટ્રેશન બાકી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32HleKn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages