
મુંબઈ તા. 14 નવેમ્બર, 2020, શનિવાર
શહેરની વિવિધ કૉલેજોના નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ)ના આશરે ૧૫ હજાર વિદ્યાર્થીઓ 'સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ' તરીકે ટ્રાફિક પોલીસની સહાય માટે રસ્તા પર ઊતરશે. બોમ્બે પોલીસ એક્ટ મુજબ, સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ પાસે પણ સામાન્ય પોલીસ અધિકારી પ્રમાણે જ શક્તિ, ફરજ અને જવાબદારી રહેશે.
છતાંય ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એવું સ્પષ્ટીકરણ આપ્યું છે કે, એનએસએસના વિદ્યાર્થીઓ કોઈ કેસની નોંધણી કરશે નહીં તેમજ નિયમભંગ કરનારાઓને દંડ પણ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓની મુખ્ય ભૂમિકા ગણવેશધારી પોલીસને મદદ કરવાની રહેશે. તેઓ ઈ-ચલાન મશીન ચલાવી શકશે તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઓળખી શકશે. પરંતુ પ્રત્યક્ષ અમલ બજાવણી માત્ર ટ્રાફિક પોલીસ જ કરશે, એવું જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક) યશસ્વી યાદવે જણાવ્યું છે. જે વિદ્યાર્થીઓ આ ઉપક્રમમાં સહભાગી થવા ઈચ્છતા હશે તેમણે રજીસ્ટ્રેશન કરાવી ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ વિદ્યાર્થીઓને પહેલાં તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ તેમને સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ તરીકેનું કાર્ડ આપવામાં આવશે. તેમણે પ્રતિમાસ ૧૦ કલાકનો સમય આ કાર્ય માટે ફાળવવાનો રહેશે અને માત્ર ગણવેશધારી પોલીસ અધિકારીની હાજરીમાં જ તેઓ કામ કરી શકશે.
ટ્રાફિક વિભાગ પાસે માનવબળની અછત છે. આ વિભાગ અત્યારે માત્ર ૩૫૦૦ વ્યક્તિ સાથે જ કાર્યરત છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીએ મુંબઈમાં વાહનોની સંખ્યા ૩૮ લાખની નોંધાઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે એનએસએસના વિદ્યાર્થીઓને સાવચેતી સાથે રસ્તે ઊતારવાનું આ પગલું સારું છે. તેઓ રોડ સેફ્ટી બાબતે જાગૃતિ ઝુંબેશ પણ ચલાવી શકશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35uaMYq
No comments:
Post a Comment