
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.14 નવેમ્બર, 2020, શનિવાર
આજે દિવાળી નિમિત્તે મહારાષ્ટ્રના તમામ પ્રમુખ મંદિરોમાં આકર્ષક ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. આજે કાળીચૌદશ અને લક્ષ્મીપૂજન સાથે હોવાથી મંદિરોમાં વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જોકે મંદિરો સામાન્ય લોકો માટે હજી ખૂલ્યાં ન હોવાથી ભક્તોની હાજરી વિના જ માત્ર મંદિરના પૂજારીઓ તેમજ મુખ્ય આયોજકોની હાજરીમાં તમામ પૂજાઓ પાર પાડવામાં આવી હતી.
મહારાષ્ટ્રના લોકમાનીતા દેવ વિઠ્ઠલ-રુક્મિણીના પંઢરપુર સ્થિત મંદિરને આજે લાલ-પીળાં રંગના જર્બેરા ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. મંદિરનો ગર્ભગૃહ, પ્રવેશદ્વાર, વિવિધ થાંભલાઓ ફૂલોના શણગાર સજતાં ઈશ્વરની સાથે મંદિર પણ અનોખું રુપ પામ્યું હતું.
બીજી તરફ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ રંગબેરંગી લાઈટિંગ્સથી રોશની ફેલાવવામાં આવી છે. જેને કારણે આ મંદિર અધિક મનમોહક લાગી રહ્યું છે.હાલ કોરોનાને કારણે મંદિર બંધ છે આથી ભાવિકો મંદિર બહારથી જ બાપ્પાના દર્શન કરી રહ્યાં છે છતાંય લાઈટિંગ્સનો અનુપમ નજારો તેમને જોવા મળી રહ્યો છે. જ્યારે શિરડીના સાંઈ મંદિરની પણ એવી જ શોભા આજે દેખાઈ હતી. જ્યાં છેલ્લાં આઠ મહિનાથી બંધ આ મંદિર પર આજે રંગબેરંગી રોશની ઝળહળતી જોવા મળી હતી. તો મંદિરની અંદરના ભાગમાં ફૂલોના તોરણ અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
નાસિકના ઐતિહાસિક કાળારામ મંદિરની વાત કરીએ તો આજે સવારે શ્રીરામ, લક્ષ્મણ, સીતાની મૂર્તિને અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું હતું. નરક ચતુર્દશી અને લક્ષ્મીપૂજન બંને એકજ દિવસે આવતાં ત્રણેય મૂર્તિઓને સુગંધી તેલ અને મહારાષ્ટ્રીયન પરંપરાનુસાર 'ઉટણી સ્નાન' કરાવાયું હતું. આ દરમ્યાન મંદિર પરિસરમાં મંત્રોચ્ચારના ધ્વનિઓ ગૂંજવા લાગ્યા હતા.
દરમ્યાન આજના દિવસે ઘરેઘરે પણ લોકોએ લક્ષ્મીપૂજાનું આયોજન કર્યું હતું અને આજની પરિસ્થિતિનુસાર જેઓ પ્રત્યક્ષ પૂજામાં ઉપસ્થિત થઈ શક્યા નહોતાં તેમને મંદિરો કે અન્ય આયોજકો દ્વારા દિવાળીના ઓનલાઈન દર્શનની સુવિધા કરી આપવામાં આવી હતી. જોકે આજે જ મુખ્યમંત્રીએ પડવાથી મંદિરો શરુ કરવાની ઘોષણા કરતાં વિક્રમ સંવતના નવા વરસે દર્શનની અભિલાષાથી નાગરિકોમાં આનંદની લાગણી ફરી વળી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32KFv1C
No comments:
Post a Comment