
- કંગના ઈફેક્ટ, બોલીવૂડ ડ્રગ્સ પ્રકરણ, મુંબઈ પોલીસ, જીએસટી વળતરઃ ઠાકરેએ તમામ મુદ્દે ભાજપને ભીંસમાં લીધી
મુંબઈ, તા. 25 ઓક્ટોબર 2020, રવિવાર
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારની આગેવાની કરી રહેલ શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય મંત્રી બન્યા પછી પોતાની પ્રથમ દશેરા રેલી કોરોના સંકટને કારણે શિવાજી પાર્કની બદલે સાવરકર ઓડિટોરીયમમાં યોજી હતી. ઠાકરે સરકારે સંયમ પાળીને માત્ર ૫૦ જણાને સભાગૃહમાં આમંત્રિત કર્યા હતા.
મુખ્ય મંત્રી તરીકે પોતાની પ્રથમ દશેરા રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર ધારદાર કટાક્ષ કર્યા હતા. એટલું જ નહિ પણ કંગના પ્રકરણ પણ મુખ્ય મંત્રી પર હજી છવાયેલું હતું. તેમના ભાષણમાં તેમણે વારંવાર કંગનાનું નામ લીધા વિના એ વિવાદનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત ઉદ્ધવ બોલીવૂડના બચાવમાં પણ ફરી વાર ઉતર્યા હતા.
મુખ્ય મંત્રીના ભાષણ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે પોતાની પીઠ થાબડતા કહ્યું કે તેમણે એક વર્ષ અગાઉ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી તો શિવસેનાનો જ બનશે. રાઉતે પણ ભાજપ અને ફડણવીસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. રાઉતે ફરી સંકેત આપ્યો હતો કે શિવસેનાનું લક્ષ્ય કેન્દ્રમાં સરકાર રચવા મોટી ભૂમિકા ભજવવાનું છે.
મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં પ્રથમ તો આરએસએસના વડા મોહન ભાગવતના ભાષણની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમણે હિંદુત્વની સાચી વ્યાખ્યા કરી છે. ભાગવતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે હિંદુત્વ એટલે માત્ર પૂજા પાઠ નહિ. ઠાકરેએ જણાવ્યું કે ભાજપના નેતાઓ મંદિર ખોલાવવા માટે આંદોલન કરી રહ્યા છે પણ તેમણે ભાગવત પાસેથી હિંદુત્વની શીખ લેવી જોઈએ. ઠાકરેએ સ્પષ્ટતા કરી કે તેમને મંદિર ખોલવા સામે વાંધો નથી પણ તેઓ લોકડાઉન અત્યંત ધીમે ધીમે ઉઠાવવા માગે છે. ઠાકરેએ આડકતરી રીતે ગવર્નર સાથેના પત્ર વિવાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અમને હિંદુત્વની શીખ આપનારાઓેએ મોહન ભાગવત પાસેથી બોધપાઠ લેવો જોઈએ.
સમગ્ર ભાષણ દરમ્યાન મુખ્ય મંત્રી પર કંગના પ્રકરણ તેમજ બોલીવૂડ ડ્રગ્સ પ્રકરણ છવાયેલું રહ્યું. ઉદ્ધવ ઠાકરેએ કંગનાનું નામ લીધા વિના તેના પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કેટલાક લોકોને પોતાના રાજ્યમાં ખાવા નથી મળતું તેઓ મુંબઈ કમાવવા આવે છે અને મુંબઈને બદનામ કરે છે. સુશાંત પ્રકરણનો પણ ઉલ્લેખ કરતા ઠાકરેએ જણાવ્યું કે બિહારના પુત્રએ આપઘાત કર્યો એના માટે લોકો મહારાષ્ટ્રના પુત્રને, પોલીસને અને આદિત્ય ઠાકરેને બદનામ કરે છે. બોલીવૂડ ડ્રગ્સ પ્રકરણ બાબતે તેમણે કહ્યું કે કેટલાક લોકો એવું ચિત્ર ઊભું કરી રહ્યા છે કે જાણે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ડ્રગ્સ વેંચાઈ રહ્યા છે. મુંબઈ પોલીસનો બચાવ કરતા મુખ્ય મંત્રીએ જણાવ્યું કે તેમને મુંબઈ પોલીસ પર ગર્વ છે.
જો કે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનું મુખ્ય લક્ષ્યાંક તો દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. ઠાકરેએ ફડણવીસને ટોણો મારતા જણાવ્યું કે કેટલાક ભાજપના નેતાઓ મહા વિકાસ આઘાડી સરકારના પતનની તારીખ નક્કી કર્યા કરે છે પણ તેમની ઈચ્છા અનેક વર્ષો સુધી પૂરી નહિ થાય.
કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે બિહારમાં મફત વેક્સિનની લહાણી કરતી કેન્દ્ર સરકાર રાજ્યોને તેમની બાકી નીકળતી જીએસટીની રકમ શા માટે નથી આપતી. ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્રની કેન્દ્ર પર ૩૮,૦૦૦ કરોડની રકમ જીએસટી પેટે બાકી નીકળે છે તે આપવાની બદલે બિહારમાં લહાણી કરે છે.
ઉદ્ધવે ચીન વિશે બોલતા જણાવ્યું કે તેમણે વડા પ્રધાનને કહ્યું છે કે જો યુદ્ધ થશે તો અમે કેન્દ્રને સાથ આપીશું, રાજકરણ નહિ કરીએ. તો પછી ભાજપ કોરોના જેવી મહામારીમાં મંદિર વિવાદ ઉખેડીને શા માટે રાજકરણ કરે છે?
મુખ્ય મંત્રીએ ભાજપની કેન્દ્ર સરકાર પર વધુ પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યોની સરકારને પાડવાની કોશિશો થઈ રહી છે. પણ હાલ કેન્દ્ર સરકાર પોતે સંકટમાં છે. એક પછી એક તેના મિત્ર પક્ષો તેને છોડી રહ્યા છે. પહેલા શિવસેનાએ ભાજપનો સાથ છોડયો, પછી અકાલીદળે સાથ છોડયો, હવે એકનાથ ખડસે પણ પક્ષ છોડી ગયા. ઠાકરેએ જણાવ્યું કે ભાજપે રાજ્યોની સરકારને પાડવા કરતા કેન્દ્રમાં પોતાની સરકારની પરવા કરવી જોઈએ.
ઠાકરેએ બિહારની ચૂંટણીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક સમયે નિતીશ કુમાર સંઘ મુક્ત ભારતની વાત કરતા હતા. અગાઉ નિતીશે પણ સેક્યુલરવાદના બહાને એનડીએ સાથે છેડો ફાડયો હતો. હવે એ જ નિતીશ માટે ભાજપ કહે છે કે અમને વધુ બેઠકો મળશે તો પણ મુખ્યપ્રધાન નિતીશ બનશે.
મુખ્ય મંત્રી વિશેષ તો જીએસટી મુદ્દે કેન્દ્ર સરકાર પર ખૂબ વરસ્યા હતા. તેમણે દેશના તમામ મુખ્ય પ્રધાનોને અપીલ કરી કે સાથે મળીને જીએસટી મુદ્દે કેન્દ્ર સરકારનો વિરોધ કરવો જોઈએ અને વડા પ્રધાને પોતાની ભૂલ સ્વીકારીને જીએસટી પાછો ખેંચવો જોઈએ.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dYDPpB
No comments:
Post a Comment