પંદર વર્ષના લાંબા ગાળા પછી મરાઠવાડાના તમામ 11 ડેમ છલોછલ ભરાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 October 2020

પંદર વર્ષના લાંબા ગાળા પછી મરાઠવાડાના તમામ 11 ડેમ છલોછલ ભરાયા


ઔરંગાબાદ, તા. 25 ઓક્ટોબર 2020, રવિવાર

આ વર્ષે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મરાઠવાડામાં પડેલા સારા વરસાદને કારણે તેના તમામ ૧૧ મુખ્ય ડેમ છલોછલ ભરાઈ ગયા છે. ખાસ કરીને ઓસ્માનાબાદ જિલ્લાના લાતુર, સિના કોલેગાંવ અને લોઅર દુધનાને પાણી પૂરવઠો પુરો પાડતો માંજરા ડેમ પણ ભરાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ મરાઠવાડામાં વારંવાર પડતા દુષ્કાળને કારણે માંજરા ડેમ લગભગ સુકો રહી જતો હતો.

ઔરંગાબાદ સ્થિત કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના આસીસ્ટન્ટ એન્જિનીયરે જણાવ્યું કે છેલ્લા દોઢ દશકામાં આ ડેમોમાં આટલું પાણી નથી ભરાયું.

છેલ્લા છ વર્ષમાં મરાઠવાડાને બે વાર ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડયો હતો અને દર વર્ષે પાણીની તંગી ભોગવવી પડતી હતી. ખાસ કરીને લાતુર, ઓસ્માનાબાદ અને બીડ જિલ્લા તેમને પાણી પુરુ પાડતા મુખ્ય ડેમોમાં પાણીની અછતને લીધે ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા.

આ વર્ષે તમામ ડેમો છલકાઈ જવાને કારણે આ જિલ્લાઓમાં આવતા વર્ષના ડિસેમ્બર સુધી પાણીની તંગી નહિ પડે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં ઓછા વરસાદને કારણે ટ્રેન દ્વારા પાણી પહોંચાડવાને કારણે લાતુર જિલ્લો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ચમકી ગયો હતો.

આસીસ્ટન્ટ એન્જિનીયરે જણાવ્યું કે ઓછા વરસાદને કારણે સિના કોલેગાંવ ડેમમાં છેલ્લા પંદર વર્ષમાં પાણી સંગ્રહ બહુ ઓછો થયો હતો. એવી જ રીતે માંજરા ડેમમાં પણ છેલ્લા ૧૦ વર્ષથી પૂરતો વરસાદ નથી પડયો. એકંદરે આ વર્ષે આ તમામ ડેમમાં સારા વરસાદને કારણે પાણી પૂરતુ છે.

ગયા વર્ષે બીડ જિલ્લાના ચાર મુખ્ય સિંચાઈ પ્રોજેક્ટ - સિના કોલેગાંવ (-૮૦ ટકા), માજલગાંવ (-૧૮ ટકા) અને માંજરા (-૧૭ ટકા) તેમજ પરભણી જિલ્લામાં લોઅર દુધના (-૧૫ ટકા) લગભગ મૃતપ્રાય બની ગયા હતા.

આ વર્ષે પૂરતા પાણીને કારણે રવિ પાક ભરપૂર  થવાની આશા સેવાય છે. જો કે કેટલાક વિસ્તારોમાં કમોસમી અતિ ભારે વરસાદને કારણે ખરીફ પાકને નુકસાન થયું છે.

સિંચાઈ પ્રોજેકટો માટેની કેનાલ એડવાઈસરી કમિટીની બેઠક ટૂંકમાં જ બોલાવવામાં આવશે. એમાં પીવા માટે, સિંચાઈ માટે અને ઔદ્યોગિક વપરાશ માટે પાણીની વહેંચણી થશે. ઉલ્લેખનીય છે કે તમામની માગણીને સંતોષી શકાય એટલું પાણી આ વર્ષે છે. કુલ ૧૧ મુખ્ય ડેમમાં આ વર્ષે તેની ક્ષમતાનું ૯૯ ટકા એટલે કે ૧૮૦ ટીએમસી પાણી છે. છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતા આ જથ્થો બમણો છે. એના ઉપરાંત ૭૫ મધ્યમ ડેમમાં પણ ૯૨ ટકા જેટલું પાણી છે. મરાઠવાડાથી વહેતી વિવિધ નદીઓ પરના કુલ ૩૮ બેરેજમાં પણ ૧૧ ટીએમસી પાણીનો સંગ્રહ થયો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3osi9Xx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages