- કોંગ્રેસ અને એનસીપી શિવસેનાના ખભે બંદૂક મૂકીને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહ્યા છે

હાર્યો જુગારી બમણું રમે એવું મહારાષ્ટ્ર સરકાર કંગના રનૌત સાથે કરી રહી છે. ભારતનું રાજકારણ કિન્નાખોર છે. મહારાષ્ટ્ર સરકાર ક્ેન્દ્રને કશું કરી શકે એમ નથી એટલે તેણે કંગના પર રોષ ઉતાર્યો છે. ગેરકાયદે બાંધકામ નો મુદ્દેા આગળ ધરીને મુંબઇ કોર્પોરેશને કંગનાની ઓફિસ તોડી નાખી હતી. આખા દેશે આ રાજકીય કિન્નાખોરી નોંધી છે. ઉધ્ધવ ઠાકરે હવે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલીને મમતા બેનરજીની સ્ટાઇલ અપનાવવા જઇ રહ્યા છે.
ઉધ્ધવ ઠાકરે પાસે સત્તા છે પરંતુ રાજકીય મેચ્યોરિટીનો અભાવ જોવા મળે છે. મહારાષ્ટ્રના ત્રણેય ઘટક પક્ષો શિવસેના,એનસીપી અને કોંગ્રેસ કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના વિરોધી છે. કોંગ્રેસ અને એનસીપી શિવસેનાના ખભે બંદૂક મુકીને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરી રહ્યા છે. કંગના રનૌતની ઓફિસ પર ફેરવાયેલું બુલડોઝર એ હકીકતે તે કેન્દ્ર સરકાર સામેનો વિરોધ છે.
મહારાષ્ટ્રની સરકારને કોઇ ઉથલાવી શકે નહીં કેમકે ત્રણેય ઘટક પક્ષોને સત્તાની લોટરી લાગેલી છે. મહારાષ્ટ્રનું ભાજપ એકમ વિપક્ષની ભૂમિકા ભજવવામાં ધબડકો કરી રહ્યું છે. જ્યારથી મહારાષ્ટ્રમાં રિયાને જેલના સમાચાર વહેતા થયા ત્યારથીજ રાજકારણમાં સોપો પડી ગયો હતો અંતે તે દાઝ કંગનાની ઓફિસ પર ઉતારાઇ હતી.
રિયા અને કંગના બંને મહારાષ્ટ્રની સરકારના ગળામાં ભરાયેલી ઠળીયા સમાન છે. આ ઠળીયાને બહાર કાઢવા ઉધ્ધવ સરકાર રિતસરની ફાંફે ચઢી છે. રિયાનો કેસ જેમ જેમ આગળ વધશે એમ એમ આ ફાંફા હાંફમાં પરિવર્તીત થવાના છે.
બોલીવુડની એકતાને સલામ કરવાનું મન થાય છે. ટીવી પર ટાહ્યલી સલાહો આપ્યા કરતા અમિતાભ બચ્ચન અને દેશની સમસ્યાની વારંવાર ચિંતા કર્યા કરતા આમિરખાન, શાહરુખખાન અને સલમાનખાન જેવા નેતાઓ બોબડી બંધ રાખીને બેઠા છે તો દેશ ભક્તિ પરની ફિલ્મો બનાવીને તગડી કમાણી કર્યા કરતા પ્રોડયુસરો પણ ચૂપ થઇને બેઠા છે.
આ લોકો એકતાનો ચિપીયો એટલા માટે પછાડે છે કે તેમના બેસવાના ભાગ નીચે રેલો આવી રહ્યો છે. આ લોકો ખુલ્લા પડી ગયા છે. સુશાંત સિંહના વિવાદાસ્પદ મોત વખતે બોલીવુડ એક પણ શબ્દ નહોતું બોલ્યું કેમકે બોલિવુડની જમાતને રિયા ચક્રવર્તી ડ્રગ પીરસતી હોવાનો ખુલ્લો આક્ષેપ થઇ રહ્યો છે.
તપાસ એજંસીઓની કસ્ટડીમાં રહીને કઇ બોલીવુડ સેલિબ્રિટી કે રાજકીય નેતાના નામ આપે છે તે પર સૌની નજર છે પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે બોલીવુડવાળા મ્હોં છુપાવતા ફરે છે અને લાચાર જોવા મળે છે. લોકો પણ બોલીવુડનો દંભ જોઇ રહ્યા છે અને સમજી રહ્યા છે.
દેશની ગંભીર સમસ્યાઓ પર પણ પોતાનો ઓપિનીયન આપતા ફરતા બોલીવુડે સુશાંતસિંહ કેસ અને ડ્રગ ક્વિન રિયા ચક્રવર્તીને જેલમાં ધકેલાઇ તે બાબતે પણ કોઇ પ્રતિક્રીયા નથી આપી.
બોલિવુડમાં પણ અનેક જૂથો છે પરંતુ દરેક ડ્રગ પ્રેમીઓ છે. અંદરોઅંદર આ ગૃપો વચ્ચેના વેર ઝેર જોવા મળે છે જો કે આ લોકો વચ્ચેના ડ્રગ્સ ડીલર્સ કે અન્ય સેક્સ ડિલર્સ એક જ હોય છે. કેટલાક અભિનેતા અને અભિનેત્રીઓ વચ્ચે તો બોલવાના પણ વ્યવહાર નથી હોતા છતાં રિયા ચક્રવર્તીના કેસમાં દરેક એક થઇ ગયા છે.
સુશાંતસિંહનો કેસ તો બહુ વિવાદાસ્પદ બની ગયો છે. પોલીસની થિયરી કહે છે કે આ આત્મહત્યાનો કેસ છે જ્યારે મિડીયાએ તેને હત્યાનો કેસ હોવાનો દાવો કર્યો હોવા છતાં આખું બોલીવુડ મગનું નામ મરી નથી પાડતું. બોલીવુડવાળા હવે વધુ સંકોચાઇ જશે કેમકે કોણ ડ્રગ્સ લે છે અને તે કોના મારફતે સપ્લાય થાય છે તેના નામો ખુલી રહ્યા છે. બોલીવુડના અનેક લોકો ડ્રગ્સ લે છે તેમજ બોલીવુડની પાર્ટીઓમાં ડ્રગ્સ છૂટથી વપરાય છે એવું કંગનાએ કહ્યું હોવા છતાં બહુ બોલકા એવા આ ક્ષેત્રએ મૌન ધારણ કરી લીધું હતું.
કંગના અને રિયા બંનેએ બોલીવુડને બોચીમાંથી પકડયું છે. જ્યારે અમિતાભ બચ્ચન બિમાર હતા ત્યારે દેશના લોકો તેમની રિકવરી માટે પ્રાર્થના કરતા હતા પરંતુ જ્યારે દેશના લોકો સુશાંત હત્યા કેસના સંવેદના સાથે હતા ત્યારે અમિતાભ ચૂપ રહ્યા હતા. ઘણાને તેમનું આ વર્તન ખૂંચ્યું છે.
બિહારમાં ચૂંટણી રંગ પકડી રહી છે. ત્યાં દેશની આર્થિક સમસ્યા કે બેરોજગારી મુદ્દેા નથી પણ પોતાના રાજ્યના દિકરા સુશાંતસિંહની તપાસ નબળી થઇ અને તેને ટેકો આપનારાઓને હેરાનગતી થઇ રહી છે તે મુદ્દો ચાલે છે. કોંગ્રેસ બિહારમાં ભાજપ-જનતાદળ (યુ)ને આસાન જીત અપાવી રહ્યું છે.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35pzqcW
No comments:
Post a Comment