
પોતાની તેજાબી કલમથી પીડિત, શોષિત લઘુમતિ કે જનજાતિને માટે આક્રોશભર્યા પુસ્તકોથી આગ ફેલાવનાર ઘણા સર્જકો મળે, પણ એ માટે પોતાની જાતને હોમીને એ પીડિત જનજાતિને માટે સર્વસ્વ સમર્પણ કરનાર લિયો નિકોલાયવિચ ટોલ્સ્ટોય જેવા સર્જકો તો વિરલા જ હોય. ઉપેક્ષિત કોમ કે જાતિ પર થતાં દમન સામે ડર્યા વિના જીવનભર ઝઝૂમનાર આ જગવિખ્યાત નવલકથાકાર અને ચિંતકને સ્વયં પારાવાર યાતના સહેવી પડે. ઇ.સ. ૧૮૫૫ના આરંભે રશિયામાં એની દુખાબોર્સ જનજાતિ વિશે ચોતરફ ચર્ચા ચાલતી હતી.
દુખાબોર્સ એ એક અધ્યાત્મનિષ્ઠ સંપ્રદાય હતો. ભૌતિક સંપત્તિ અને વ્યક્તિગત પરિગ્રહનો સખત વિરોધ કરતો હતો. એણે રોમન કેથોલિકની રૂઢિચૂસ્ત પાદરી-પ્રથા અને ધાર્મિક કર્મકાંડો સામે અવાજ ઊઠાવ્યો. એણે ખ્રિસ્તી ધર્મના આધ્યાત્મિક સ્વરૂપને ઉજાગર કરીને દરેક માનવીમાં ઇશ્વરનું અસ્તિત્વ હોવાની ઘોષણા કરી. અંગત કે વ્યક્તિગત સંપત્તિને બદલે સામૂહિક ભાગીદારીને મહત્વ આપ્યું. આ સંપ્રદાયની વિચારધારા સાથે ટોલ્સ્ટોયના ધર્મસિધ્ધાંતો ઘણું સામ્ય ધરાવતા હતા. મૌખિક પરંપરાના ઇતિહાસને ગરિમા આપી અને આ સંપ્રદાયના લોકો કાવ્યો અને ગીતો દ્વારા પોતાના આધ્યાત્મિક ભાવોનું ચોમેર ગુંજન કરવા લાગ્યા.
શાંતિચાહક અને અહિંસા પરાયણ આ સમુદાયે લશ્કર અને યુદ્ધનો વિરોધ કર્યો. માનવી આધ્યાત્મિક બને, પછી આવા ભૌતિકબળની શી જરૂર? સરકારી નિશાળોમાં અપાતા ફરજિયાત શિક્ષણ સામે અવાજ ઊઠાવ્યો. રશિયામાં એ સમયે ધર્મસત્તા અને રાજસત્તાનો મહિમા હતો. ચર્ચ અને સરકાર બંનેએ સાથે મળીને દુખાબોર્સ લોકોનું અસ્તિત્વ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. એમના પર ધિક્કાર વરસાવ્યો. દમનના કોરડા વીંઝ્યા અને એના અગ્રણી નેતાઓની રહસ્યમય સંજોગોમાં હત્યા થવા લાગી.
સૈનિક તરીકે લશ્કરી સેવામાં જોડાવાનો કરવાનો ઇન્કાર કરવા માટે આ સંપ્રદાયના લોકોને આપખુદ રાજાશાહી ધરાવતી રશિયાની સરકારની કઠોર દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડયો. વળી રશિયાની રાજસત્તાએ આ કોમને એમના વતનમાંથી બીજે હાંકી કાઢી. રશિયાના સમ્રાટ ઝાર પ્રથમે દુખાબોર્સ સંપ્રદાયના લોકોને દૂરના કોકેસસમાં વિસ્થાપિતો તરીકે રહેવાની જગા આપીને ધકેલી દીધા.
ઝાર પ્રથમની વિદાય પછી આવેલા નિકોલસ દ્વિતિયએ આ સમુદાય સાથે વધુ સખ્તાઇથી વર્તવાનું શરૂ કર્યું. કોકેસસમાં વસતા આ સંપ્રદાયના લોકો લૂંટફાટ કરનારાઓથી પોતાની સુરક્ષા કરવા માટે શસ્ત્રો રાખતા હતા. યુધ્ધ વિરોધી આ સંપ્રદાય શસ્ત્રો કઇ રીતે રાખે? એ સમયે ધર્મગુરુ વેરીગિનની પ્રેરણાથી આ સંપ્રદાયના લોકોએ ખંજર અને રાયફલ નષ્ટ કરવાનો નિર્ણય કર્યો.
૧૮૫૫ની ૨૮મી જૂને આ શસ્ત્રવિરોધી કાર્યક્રમ યોજાયો. આ સાર્વજનિક કાર્યક્રમને ધાર્મિક પ્રાયશ્ચિતનું સ્વરૂપ આપવામાં આવ્યું. આમાં સહુએ અગ્નિ સમક્ષ પહેલાં પ્રાર્થના કરી અને પછી પોતાની સુરક્ષા કાજે રાખેલાં શસ્ત્રો હોમી દીધાં.
એ સમયે રશિયન સૈનિકોએ દુખાબોર્સ સમુદાયના આ નિ:શસ્ત્ર લોકોને ચોતરફથી ઘેરી લીધા. એમના પર કોરડા વરસાવવામાં આવ્યા. કેટલાકના ચહેરા તદ્દન વિકૃત કરી દીધા. જુલ્મગારના જુલ્મને દમન કર્યા છતાં શાંતિ કે નિરાંત મળતી નથી. એમણે આ જાતિના લોકોની જમીનો જપ્ત કરી લીધી. એમનાં ઘરોમાં લૂંટફાટ ચલાવી. વલી આ લોકોને દૂર દૂરના પહાડી ગામડાઓમાં ધકેલી દીધા. એના નેતાઓને જેલમાં ગોંધી રાખ્યા અને યુવાનોને કેદમાં પૂરી દીધા.
આ અમાનવીય જુલમની વાત સાંભળતા જ ટોલ્સ્ટોયના હૃદયમાં વેદનાની આંધી જાગી. સંવેદનાશીલ સર્જક આ બધું કઇ રીતે સાંખી શકે? નિર્દોષ લોકો પર થઇ રહેલા સિતમથી ટોલ્સ્ટોયની ઊંઘ હરામ થઇ ગઇ, એના ધર્મ વિચાર સામે દુખાબોર્સના ધાર્મિક વિચારો ઘણું સામ્ય ધરાવતા હતા. રશિયાના આ સર્જક અને ચિંતકે 'લંડન ટાઇમ્સ'માં ધર્મસંસ્થા અને રાજસત્તાએ ભેગા મળીને કરેલી જોહુકમનું વર્ણન કર્યું. લેખનું શીર્ષક રાખ્યું '૧૮૯૫માં રશિયામાં થયેલું ક્રિશ્ચિયનોનું ઉત્પીડન'.
અગાઉના વર્ષે ટોલ્સ્ટોયને જાણ થઇ હતી કે આ જાતિના ચાર હજાર લોકોને શહેરોમાંથી પજવીને પહાડી ગામોમાં ધકેલી દેવામાં આવ્યા છે. એમાના ચારસો લોકો તો ભૂખ, તરસ અને યાતનાથી પીડાઇને મરી ગયા હતા. ટોલ્સ્ટોયને પોતાના સાથીઓને આ અમાનવીય સ્થિતિ અંગે ઘોષણાપત્ર તૈયાર કરવા પ્રેરિત કર્યા. આમ કરીને એમણે નિર્દોષ લોકો પર વરસાવેલા સિતમ તરફ દેશનું ધ્યાન આકર્ષિત કર્યું. આ ઘોષણા પત્રને શિર્ષક આપવામાં આવ્યું 'સહાયતા કરો' ઘણી મોટી સંખ્યામાં આ ઘોષણાપત્રની ટાઇપપ્રત તૈયાર કરવામાં આવી અને રાજકીય પ્રભાવ ધરાવતા લોકોને મોકલવામાં આવી.
રશિયાના સર્વસત્તાધીશ સમ્રાટ ઝારને પણ પોસ્ટ દ્વારા આની કોપી મળી અને એણે ખૂબ ઝડપથી વિરોધનો પ્રતિકાર કરવાનો પ્રારંભ કર્યો. ટોલ્સ્ટોયના સાથીઓના ઘરમાં પોલીસ તપાસ કરવામાં આવી અને સાથોસાથ એમા એક સાથી બિર્યુકોવને રશિયાનાં નાનાં ગામડાંમા હાંકી કાઢવામાં આવ્યો અને એના બીજા સાથી પર ત્રણ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો અને સલાહ આપવામાં આવી કે કાં તો જિંદગી આખી સજા ભોગવો અથવા તો જિંદગીભરને માટે દેશ છોડીને ચાલ્યા જાઓ. એણે ઇંગ્લેન્ડ જવા નિર્ણય કર્યો.
આ ઘટનાથી સર્જક ટોલ્સ્ટોયનું હૃદય અત્યંત દ્રવી ગયું. એણે સમ્રાટને પત્ર લખીને કહ્યું, 'દુખાબોર્સ સમુદાયના યુવાનોને નિર્વાસિત કરવામાં આવ્યા છે. એમને પાછા બોલાવીને એમના પરિવારજનોને સોંપી દો. એમની સામેની બધી જ કાયદાકીય કાર્યવાહી સમાપ્ત કરો.' ટોલ્સ્ટોયના પહેલા પત્રનો કોઇ જવાબ ન મળ્યો, બીજા પત્રની પણ કોઇ અસર ન થઇ, પણ એણે લખેલો ત્રીજી વારનો પત્ર ધ્યાનમાં લેવાતા સરકારે યુવાનોને એમના કુટુંબીજનો પાસે પાછા સોંપી દીધા.
એક પછી એક ઘટનાઓ આકાર લેતી હતી. એવામાં લિયો ટોલ્સ્ટોયને જાણકારી મળી કે સ્વીડનની નોબેલ પારિતોષિક કમિટી એમને નોબેલ પુરસ્કાર આપવા માગે છે. કુશળ જમીનદાર અને જાગીરનો વહીવટ કરનાર મહાત્મા ટોલ્સ્ટોયને ધનનું સહેજે આકર્ષણ નહોતું, તેમ છતાં તેઓે નોબેલ પારિતોષિકની બાબતમાં જિજ્ઞાાસા દાખવવા લાગ્યા. એમને જાણ થઇ કે પુરસ્કારની રાશિ પૂરા એક લાખ રૂબલ છે.
ટોલ્સ્ટોયે એ ધનરાશિ દુખાબોર્સ સમુદાયને આપવાની નોબેલ પારિતોષિક કમિટીને વિનંતી કરી. એમની આ વાત પર સ્વિડિશ કમિટીએ વિશેષ લક્ષ્ય આપ્યું નહીં. ટોલ્સ્ટોયે પોતાનું અભિયાન તો ચાલુ રાખ્યું હતું. વિદેશી અખબારો તથા કાકેસસ અને સાઇબેરિયા પ્રદેશના ઉચ્ચ અધિકારીઓને તેઓ અંગત પત્ર લખતા હતા અને દુખાબોર્સ સમુદાયના લોકો પ્રત્યે વધુ માનવીય વ્યવહાર થાય તેની માગણી કરતા હતા. એમણે એક પત્ર એમના સેર્ગેઇને આપ્યો અને એનો ઇંગ્લેન્ડની દુખાબોર્સ જનજાતિ માટેની રાહત કમિટીનો સંપર્ક કરવા સલાહ આપી.
ટોલ્સ્ટોયના આ પુત્ર ઇંગ્લેન્ડની ક્વેકર્સ મિત્રસભામાં દુખાબોર્સ જાતિના લોકો પ્રત્યે સંવેદના જાગ્રત કરવામાં સફળ રહ્યા. આ કવેકર સંપ્રદાયના સિદ્ધાંતો પર ટોલ્સ્ટોયના સિદ્ધાંતોનો અને દુખાબોર્સના નિયમો ઘણો મેળ ખાતા હતા. સેન્ટ પિટર્સબર્ગમાં સરકારે દુખાબોર્સ સમુદાયના લોકોને કેનેડા જવાની શરતી અનુમતિ આપી. કહ્યું કે રશિયા છોડીને કેનેડા જતી વખતે એવી બાંહેધરી આપવી પડશે કે તેઓ કદી રશિયા પાછા નહીં ફરે.
વળી સરકાર કેનેડાના પ્રવાસખર્ચ પેટે એક પાઇ પણ નહીં આપે. આ ઉપરાંત જે જેલમાં કેદી છે કે નજરકેદ છે, એમને એમની સજાની મુદત પૂરી થયા બાદ મુક્ત કરવામાં આવશે. બીજી બાજુ કેનેડાની સરકારે નિર્વાસિતો માટે લાલ જાજમ પાથરી. એમને વસવાટ માટે જમીન, આવવા-જવાની સગવડ અને સરકારની સહાય મળી. કેનેડાની સરકારે એમને ઘણી મોટી જમીન ફાળવી આપી.
૮૭૮૦ દુખાબોર્સ લોકો રશિયાથી દેશાંતર કરીને કેનેડામાં વસવા તૈયાર થયા. નવા વસવાટ માટે ધનની જરૂર હતી. ટોલ્સ્ટોયે આને માટે ઘણા પ્રયાસો કર્યા, આમ છતાં એ પર્યાપ્ત ધન એકત્રિત કરી શક્યા નહીં. માનવતાના પોકારે ટોલ્સ્ટોયનું હૃદય પીગળી ગયું હતું. એણે પોતાનો સિદ્ધાંત બાજુએ મૂકીને નિર્ણય કર્યો કે તેઓ એ સમયે જે પુસ્તકો લખતા હતા, એના કોપીરાઇટ પોતાની પાસે રાખશે અને રશિયાના અને વિદેશના પ્રકાશકોને ઊંચી કિંમતે એ કોપીરાઇટ વેચાતા આપશે. એમાંથી જે ધન મળશે, એમાંથી દુખાબોર્સ સમુદાયના લોકોની સહાયતામાં વાપરશે.
આ નીતિને ધ્યાનમાં રાખીને ટોલ્સ્ટોયે 'ફાધર ફેર્ગેઇ' પુસ્તક પૂર્ણ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાની બૃહદ્ નવલકથા 'રીસરેકશન' (પુનરુત્થાન)નું સર્જન શરૂ કર્યું. નવલકથા પૂરી થાય તે પહેલાં એમણે પ્રકાશક માર્ક્સને પ્રત્યેક સોળ પૃષ્ઠના એક હજાર રૂબલ (૨૮૨૧ ડોલર)માં કોપીરાઇટ વેચી દીધા.
એમણે 'પુનરુત્થાન' નવલકથામાંથી એંસી હજાર ડોલર (૨૨,૬૫,૦૦૦ ડોલર) પ્રાપ્ત થયાં, જે એમણે દુખાબોર્સ સમુદાયનાં સંઘમાં જમા કર્યા. આખરે ૧૮૯૮ની ૨૧મી ડિસેમ્બરે એ સોનેરી દિવસ ઊગ્યો ત્યારે બાતુંગથી બે હજાર લોકો કેનેડા જવા નીકળ્યા. એ અગાઉ બે જહાજમાં લોકો કેનેડા પહોંચી ગયા હતા. આમ કુલ છ હજાર લોકો કેનેડા ગયા. આ સમુદ્રી યાત્રામાં ચોવીસ દિવસ થયા.
નવલકથાકાર, ચિંતક અને નાટયકાર લિયો ટોલ્સ્ટોય એકત્રિક કરેલા ફંડને કારણે દુખાબોર્સ સમુદાયના લોકો કેનેડામાં જઇને વસી શક્યા. આ એવા લોકો હતા કે જેમને માટે એમના માદરે વતન રશિયામાં રહેવાની કોઇ જગા નહોતી. એમને માતૃભૂમિમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
પીડા, યાતના અને જુલમ સહન કરનાર આ સમુદાયના લોકોનું પુનર્વસન થતાં લિયો ટોલ્સ્ટોય અત્યંત સંતુષ્ટ થયા.
એક સંવેદનશીલ સર્જક ઉપેક્ષિતોની વેદના ઓછી કરવા માટે પોતાનું લોહી રેડતો હોય છે, એનું આ દ્રષ્ટાંત છે. આને માટે લિયો ટોલ્સ્ટોયને આપખુદ રાજાશાહીના સત્તાબળ સામે અને રૂઢિચુસ્ત ધર્મસંસ્થાની તાકાત સામે ઝઝૂમવું પડયું. એણે શબ્દના માધ્યમથી વિશ્વભરમાં આ વંચિતોની થયેલી દુર્દશાની વાત પહોંચાડી. જગતની સંવેદના ઝંઝોળી અને પોતાના કોપીરાઇટ વેચીને પીડિતોને સક્રિય મદદ કરી.
એક મહાન સર્જક માનવજાતિની પીડાના નિવારણ માટે કેવી કર્મશીલતા દાખવી શકે, તે લિયો ટોલ્સ્ટોયે દુખાબોર્સ જનજાતિના દુ:ખોમાં ભાગ પડાવીને બતાવી આપ્યું. આજે બ્રિટિશ કોલંબિયાના કેસ્ટલગર શહેરમાં આવેલા 'દુખાબોર્સ ડિસ્કવરી સેન્ટર'માં આ જાતિની કલાત્મક ચીજો, રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ તથા એમની ક્રાફ્ટના હજારો નમૂનાઓ મૂકવામાં આવ્યા છે. આ મ્યુઝિયમમાં જોવા મળતું લિયો ટોલ્સ્ટોયનું સ્ટેચ્યુ એ મહાન સર્જકને એક પીડિત, નિર્વાસિત જાતિએ આપેલી અંજલી સમાન છે.
પ્રસંગકથા
નિયમ પહેલાં નેતાને લાગુ પડે!
મહર્ષિ અણ્ણાસાહેબ પટવર્ધન નીતિ, નિષ્ઠા, સદાચાર અને માનવતાના ઉપાસક હતા. એમને ત્યાં મહેમાનો અને મુલાકાતીઓની સતત અવરજવર ચાલુ રહેતી. એક દિવસ એમના પરિચિત સ્વજન આવ્યા અને એમણે આવવાની સાથે જ છાતી ફુલાવીને બડાશ હાંકતા કહ્યું,
'અણ્ણા સાહેબ, આ વખતે તો બંદાએ ટિકિટ લીધા વિના જ રેલ્વેમાં પ્રવાસ કર્યો. મારા શહરથી અહીં સુધીની મુસાફરી સાવ મફતમાં, બોલો!'
એમની ૂ'બુહાદુરી'ની વાત સાંભળીને અણ્ણાસાહેબના એક કુટુંબીજને જિજ્ઞાાસાથી પૂછ્યું, 'આ રીતે ટિકિટ વિના મુસાફરી કરી કઇ રીતે?'
પરિચિત સ્વજને કહ્યું, 'અરે, ટિકિટ લીધા વિના ગાડીમાં બેસી ગયો. ધ્યાન રાખતો હતો કે ટિકિટ-ચેકર આવે તો ટોઇલેટમાં છૂપાઇ જાઉ અથવા તો આગળ પાછળ લોકોની ભીડ સાથે છુપાઇને ધક્કામુક્કીમાં બહાર નીકળી ગયો.'
અણ્ણાસાહેબ પટવર્ધને આ પરિચિત સ્વજનની વીરતાની વાત સાંભળી અને તરત પોતાના માણસને બોલાવી પૈસા આપીને કહ્યું, 'જાઓ, આ આપણા પરિચિત સ્વજન જે સ્ટેશનેથી બેઠા હતા, ત્યાંથી અહીં સુધીની ટિકિટ ખરીદી લાવો.'
પેલા ભાઇ તો મૂંઝાઇ ગયા. પેલો માણસ ટિકિટ ખરીદીને આવ્યો એટલે અન્નાસાહેબ પટવર્ધને એમની સામે જ એ ટિકિટ ફાડી નાખી અને બોલ્યા, 'મહેરબાની કરી ફરી આવું ન કરો, તેવી મારી આપને વિનંતી છે.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે કોરોના મહામારીની પરિસ્થિતિએ કેટલાક નેતાઓ માટે ભારે મોટી મુશ્કેલી ઊભી કરી છે. જનસંપર્કનો અભાવ એમને ખૂબ અકળાવે છે અને જનમેદનીની ઉપસ્થિતિ એમને જોવા મળતી નથી.
લોકોએ તો આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો છે, પરંતુ નેતાઓને હજી ટોળાં વિના ફાવતુ નથી અને સમારંભો વિના ચાલતું નથી. આમાં કોઇ પણ બાકાત નથી, પણ બને છે એવું કે આને કારણે કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે.
કેટલાક નેતાઓ કાર્યક્રમ યોજે છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સની પરવા કરતા નથી અને માસ્ક પહેરવાની ચિંતા કરતા નથી.
નિયમો પ્રજાને માટે હોય તે સાચું, પણ નેતાઓને એ નિયમો પહેલા લાગુ પડે છે એ ભૂલવું જોઇએ નહીં.!
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3igMsx6
No comments:
Post a Comment