
જંગલની સરકારના હેલ્થ મંત્રાલયે મહત્વનો રીપોર્ટ ટ્વીટ કર્યો : 'કોરોનાની મહામારી વચ્ચે રાહતના સમાચાર એ છે કે આ વર્ષે મચ્છરજન્ય રોગચાળો ફેલાયો નથી. દર વર્ષે જે સમયગાળામાં મચ્છરજન્ય રોગચાળો હાહાકાર મચાવતો હોય છે એ સમયગાળો વીતી જવા છતાં આ વર્ષે કોરોનાના કારણે મચ્છરોએ વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. જંગલવાસીઓને 'બાઈટ' કરવાથી કોરોનાનો ચેપ લાગશે એમ વિચારીને મચ્છરોએ આ વર્ષે કરડવાનું માંડી વાળ્યું હોય એવુંય શક્ય છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાયો નથી એના કારણે જંગલની સરકાર કોરોનાની મહામારી અટકાવવા તરફ ધ્યાન આપી રહી છે. આવા કપરાકાળમાં જંગલની સરકારને સાથ-સહકાર આપવા બદલ મચ્છરસમાજના તમામ મચ્છરોનો ખૂબ ખૂબ આભાર!'
ટ્વીટ વાંચીને અખિલ જંગલીય મચ્છરસમાજનાં અધ્યક્ષ મચ્છરીબેન મલેરિયલ એક્શનમાં આવ્યા. તેમણે અરજન્ટ મચ્છરસમાજની બેઠક બોલાવી.
'આજકાલ તમે બધા કરો છો શું?' નર અને માદા મચ્છરો એકઠાં થયા કે તરત જ મચ્છરસમાજનાં અધ્યક્ષ મચ્છરીબેન મલેરિયલે તીણા અવાજે સવાલ કર્યો. મલેરિયા ફેલાવવામાં મોટું યોગદાન આપ્યું હોવાથી તેમને 'મલેરિયલ'નો ખિતાબ મળ્યો હતો. માદાઓએ ભારે બહુમતિથી તેમને અધ્યક્ષ તરીકે થોડા વર્ષો પહેલાં ચૂંટી કાઢ્યા હતાં.
'સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન!' સંગઠનના ઉપપ્રમુખ મચ્છરભાઈ મંદવાડે જવાબ વાળ્યો. મચ્છરભાઈ મંદવાડે તેમની મમ્મીની સરનેમ અપનાવી હતી. ઉપપ્રમુખપદ પણ તેમને વારસાગત જ મળ્યું હતું. મચ્છરીબેન મંદવાડની એક સમયે ધાક હતી. તેમણે જીવતા જીવત જ પુત્રને લાગવગથી ગોઠવી દીધો હતો. બાકી, દિવસ આખો કિચડ ઉપર મંડરાયા સિવાય મચ્છરભાઈ મંદવાડની પોતાની કોઈ જ આવડત ન હતી. આમેય મચ્છરસમાજના નરો શાકાહારના હિમાયતી હતા. માદાઓ જ માથાભારે હતી. જંગલવાસીઓનું લોહી ચૂસનારી માદાઓના જોરે જ મચ્છરસમાજની ગરિમા સદીઓથી ટકી રહી હતી.
'અરે! એમ નથી કહેતી?' અધ્યક્ષ મચ્છરીબેને ગુસ્સામાં ઉમેર્યું, 'આપણાં સમાજનો સદીઓ જૂનો ખોફ મહિનાઓમાં ખતમ કેમ થઈ ગયો? તમે બધા નવરા બેઠા શું કરો છો?' માદાઓના ટોળા સામું જોઈને અધ્યક્ષે પૂછ્યું : 'કરડવા જવાનું બંધ કેમ કરી દીધું? આ વખતે રોગચાળો કેમ ફેલાવ્યો નહીં?'
'માનનીય અધ્યક્ષા બહેનને જાણ હશે કે...' મચ્છરસમાજના યુવા મહામંત્રી મૉસ્કીટો મોગરોએ ટિપિકલ સંગઠનની ભાષામાં દલીલ કરી : 'જંગલની સરકારે આકરા નિયમો લાદ્યા હોવાથી મચ્છરસમાજ બહાર નીકળી શકતો નથી. ઘણાં સભ્યોને કોરોનાનો ડર છે. ઘણી માદાઓ એટલા માટે પણ બહાર જતી નથી કે ક્યાંક તેમના બચ્ચાઓને ચેપ ન લાગે! બીજું એક ફેક્ટર 'જંગલતા' પણ છે. જંગલમાં કોરોના જેવી મહામારી ચાલતી હોય ત્યારે આપણે થોડીક જંગલતા દાખવવી જોઈએ'. મોગરાના છોડ ઉપર પડયો પાથર્યો રહેતો હોવાથી મૉસ્કીટો 'મોગરો'થી જાણીતો હતો.
'જંગલતા? માય ફૂટ! આ અને આવા કેટલાય જંગલોમાં આપણે સદીઓથી સૌથી ખતરનાક સજીવો એટલે જ છીએ કે આપણા સમાજે આવી બધી પરવા ક્યારેય કરી નથી. આપણો સમાજ વર્ષે ૧૦-૧૦ લાખ જંગલવાસીઓનો જીવ લે છે એટલે જ જંગલવાસીઓ આપણાંથી ડરે છે. તમારા જેવા નવી પેઢીના મચ્છરોના કારણે જ સમાજની દહેશત ખતમ થવાના આરે છે' મચ્છરીબેન મલેરિયલ તાડૂક્યા એટલે સાવ શાંતિ થઈ ગઈ. કોઈએ દલીલો ન કરી.
થોડીવારે મચ્છરીબેને વિચાર કરતાં કરતાં જ આગળ ચલાવ્યું : 'યાદ રાખજો! સોશિયલ ડિસ્ટન્સિંગના નામે તમે તમારી સામાજિક જવાબદારીમાંથી છટકી નહીં શકો. તમે ધાર્યું હોત તો માસ્ક પહેરીને પણ કરડવા જઈ શકાયું હોત. બચ્ચાઓના નામે ખાબોચિયામાં ભરાઈને જીવન વેડફી ન નાખો. નહીંતર ૪૦ કરોડ વર્ષથી ટકી રહેલું આપણું અસ્તિત્વ ખતમ થઈ જશે'
'પણ હું તો નિયમિત 'બાઈટ' કરવા જાઉં છું', 'મેં તો આ વખતેય ચાર-પાંચ જંગલવાસીને ચિકનગુનિયાનો ચેપ લગાડયો છે', 'હું તો અહીં આવતી હતી ત્યારે રસ્તામાં પણ બાઈટિંગ કરતી આવતી હતી. એટલે જ થોડું મોડું', 'મને સોંપાયેલું મલેરિયાનું કામ હું રેગ્યુલર કરું છું' માદાઓના આવા અવાજો આવ્યા અને શમી ગયા.
'આ અરજન્ટ બેઠક બોલવવાનો એજન્ડા કંઈ સમજાયો નહીં. આ ભાષણ તો તમે એક વીડિયો બનાવીને પણ આપી શક્યા હોત! અમને આટલે દૂર ધક્કો કેમ કરાવ્યો?' ચૂંટણીમાં મચ્છરીબેન મલેરિયલ સામે હારી ગયેલા ઉભરતા માદાનેતા ડેંગ્યુબેન એડીસે મહત્વનો સવાલ કર્યો.
'તમને એમ લાગે છે કે મેં માત્ર ગપ્પા મારવા અરજન્ટ મીટિંગ બોલાવી છે?' મચ્છરીબેન મલેરિયલે રોષભેર જંગલની સરકારના હેલ્થ મંત્રાલયે ટ્વીટ કરેલા રીપોર્ટની નકલ બતાવી : 'આ જુઓ! સરકારનો સત્તાવાર રીપોર્ટ કહે છે કે આ વર્ષે આપણા સમાજે કંઈ જ કર્યું નથી. સરકારના રીપોર્ટમાં આપણાં પર કટાક્ષ કરીને લખાયું છે એ હું વાંચી સંભળાવું છું - ''દર વર્ષે જે સમયગાળામાં મચ્છરજન્ય રોગચાળો હાહાકાર મચાવતો હોય છે એ સમયગાળો વીતી જવા છતાં આ વર્ષે કોરોનાના કારણે મચ્છરોએ વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે. જંગલવાસીઓને 'બાઈટ' કરવાથી કોરોનાનો ચેપ લાગશે એમ વિચારીને મચ્છરોએ આ વર્ષે કરડવાનું માંડી વાળ્યું હોય એવુંય શક્ય છે. આવા કપરાકાળમાં જંગલની સરકારને સાથ-સહકાર આપવા બદલ મચ્છરસમાજના તમામ મચ્છરોનો ખૂબ ખૂબ આભાર!'' - તમને ખબર છે આનો શું અર્થ થાય?'
'આ તો સારી વાત છે. જંગલની સરકારે આપણો આભાર માન્યો છે' મૉસ્કીટો મોગરોએ ઓપિનિયન આપ્યો. એમાં ડેંગ્યુબેન એડીસે હોંકારો ભણતા કહ્યું : 'હા. મનેય એવું જ લાગે છે. આમાં તો આપણાં સમાજની જંગલતાની કદર થઈ છે'
'આમાં શું ધૂળ સારી વાત છે? આવી આળ-પંપાળ કરીને સરકાર આપણો ડર ખતમ કરવા માગે છે. એક વખત આપણાં વખાણ થાય એટલે બીજી વખત આપણને વખાણ સાંભળવાની આદત પડે. એમાંને એમાં આપણે રોગચાળાનો હાહાકાર મચાવવાનું માંડી વાળીએ. આવું વારંવાર થાય તો તો આપણી માદાઓએ સદીઓથી કરેલી મહેનત ઉપર પાણી ફરી વળે!' ઉપપ્રમુખ મચ્છરભાઈ મંદવાડ પ્રમુખના સમર્થનમાં આવ્યા.
'મનેય એ જ ચિંતા છે. બધા સરકાર ઉપર કટાક્ષ કરતા હોય છે અને સરકાર જો આપણાં ઉપર કટાક્ષ કરી જાય તો શું સમજવું? યલો ફીવર, મલેરિયા, ડેંગ્યુ, ઝિકા, ચિકનગુનિયા, નાઈલ વાયરસ જેવી પરાક્રમગાથાઓ આપણાં નામે બોલે છે. સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, સાપ, અજગર - આ બધા ભલે ખતરનાક કહેવાતા હોય, પરંતુ આપણાં સામે એ કોઈનો ક્લાસ નથી'. મચ્છરીબેન મલેરિયલે એવા અંદાજમાં આ વાત કરી કે બેઠકમાં હાજર બધી જ માદાઓ અહોભાવથી સાંભળી રહી. માદાઓની આંખો ભીંજાઈ ગઈ. તેમને મચ્છરસમાજની માદાઓના પરાક્રમી ઈતિહાસ પર ગૌરવ થયું.
અધ્યક્ષે આગળ ચલાવ્યું : 'આપણને ખતમ કરી નાખવા સદીઓથી ષડયંત્રો રચાય છે. કેટલીય દવાઓના છંટકાવો થયા. કેટ-કેટલી રસી શોધાઈ, અગરબત્તીઓ આવી, લિક્વિડો આવ્યાં, કપૂરદાનીઓ આવી, કેટલાય ઉપાયો અજમાવાયા છતાં આપણે ટકી ગયા. ને હવે આઠ-દસ માસના વાયરસ સામે શરણે થઈ જઈશું?'
'નહીં થઈએ...' 'નહીં થઈએ..' 'નહીં થઈએ...' મચ્છરસમાજના ભારે ગણગણાટથી વાતાવરણ ગૂંજી ઉઠયું.
સમાજના ઉપપ્રમુખે મોટા અવાજે નરોને સંબોધીને કહ્યું : 'આપણે બધા નરો માદાઓ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના કસમ ખાઈએ. માદાઓ કરડવા માટે બહાર નીકળે ત્યારે નરો ઘર અને બચ્ચાઓની જવાબદારી ઉપાડી લેશે.'
ઉપપ્રમુખની વાતમાં મચ્છરસમાજના બધા નરો સહમત થયા.
અધ્યક્ષ મચ્છરીબેન મલેરિયલે માદાઓમાં ઉત્સાહ વધાર્યો : 'આવી તો કેટલીય મહામારી આવી ને ગઈ. કોરોના પણ જશે. મચ્છરજન્ય રોગચાળો ન જાય એની જવાબદારી તમારા સૌ પર છે. આ જંગલમાં આપણાં સમાજની ૪૦૦ જેટલી પેટાજાતિઓ વસવાટ કરે છે. મચ્છરોના ગૌરવપૂર્ણ ઈતિહાસને જાળવવાની આપણાં સૌની ફરજ છે. જંગલવાસીઓ આપણાંથી ડરતા હોય ત્યારે આપણે કોરોના જેવા નવા-સવા વાયરસથી ડરી જઈશું એ કેમ ચાલશે?'
'નહીં ચાલે....' 'નહીં ચાલે....' 'નહીં ચાલે..' આખાય મચ્છરસમાજે સમૂહમાં ગણગણાટ કર્યો.
'તો ઉડો અને કરડવા માટે નીકળી પડો!' અધ્યક્ષનો આદેશ થતાં જ મચ્છરોનું આખુંય ટોળું મચ્છરજન્ય રોગચાળો ફેલાવવા નીકળી પડયું...
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RbXfgg
No comments:
Post a Comment