
- ઇંદિરા કહેતા, પ્રણવ પાસેથી કોઈ વાત કઢાવી શકાતી નથી, તેના મોંમાંથી માત્ર ધુમાડો જ નીકળે છેઃ પ્રણવદા પાઇપ પીવાના શોખીન હતા
બિછડે સભી બારી બારી. ભારતીય રાજનીતિના એક પછી એક કદાવર નેતાઓ વિદાય લઇ રહ્યા છે. અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને પ્રણવ મુખરજી. આમાંથી બે નેતા એવા હતા જેમાં પ્રધાનમંત્રી બનવાની પાત્રતા હતી, સુષમા સ્વરાજ અને પ્રણવ મુખરજી. આ વિશે અનેક લોકો અનેક વખત કહેતા પણ રહ્યા. સુષમાને મોદી ઓવરટેક કરી ગયા અને પ્રણવ દાને રાજીવ ગાંધી તથા મનમોહન સિંઘ. દરેક વ્યક્તિએ એક દિવસ જવાનું હોય છે પણ કોઇની પ્રતિભાનો પૂરેપૂરો ઉપયોગ થાય એ પહેલાં જ તે વ્યક્તિ જતી રહે તો વસવસો થાય. પ્રણવ મુખરજી માટે આ વસવસો વાજબી છે. આપણે તેમની પાસેથી ઘણું મેળવવાનું બાકી રહી ગયું છે.
તેઓ ૧૯૬૯માં બંગાળ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી જીતી પહેલી વખત સંસદ પહોંચેલા. રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ એસ. નિજલિંગપ્પાએ ઇંદરા ગાંધીને કૉન્ગ્રેસમાંથી કાઢી મૂક્યા. ઇંદિરાએ નવી કોંગ્રેસ રચી અને તેને કોંગ્રેસ-આર નામ અપાયું. નિજલિંગપ્પાની કોંગ્રેસ કોંગ્રેસ-ઓ કહેવાઈ. ૧૯૭૧ની લોકસભા ચૂંટણી પહેલાં બાંગ્લા કોંગ્રેસ, કોંગ્રેસ-આરમાં વિલીન થઇ.
૧૯૭૪માં તેમને પ્રથમ વખત કેન્દ્રીય કેબિનેટમાં લેવામાં આવ્યા. સૌ પ્રથમ શિપિંગ અને ટ્રાન્સપોર્ટ વિભાગના ઉપમંત્રી બનાવાયા અને બે જ વર્ષમાં પ્રમોટ કરીને ઉપનાણાં મંત્રી બનાવી દેવાયા. ૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં પ્રણવ દા બંગાળની માલદા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઊતર્યા અને હારી ગયા. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના દિનેશચંદ્ર સામે તેઓ ત્રીસ હજાર મતથી હાર્યા હતા. ૧૯૭૮માં ઇંદિરા ગાંધીને પોતાની જ કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવતા તેમણે ફરી નવી પાર્ટી બનાવી કોંગ્રેસ-આઇ. કોંગ્રેસના તમામ મોટા નેતાઓ જેમ કે વાય. બી. ચૌહાણ, સી. સુબ્રહ્મણ્યમ, કર્ણસિંહ, ટી. એ. પૈ, બલિરામ ભગત કોંગ્રેસ-આરમાં જ રહ્યા. જ્યારે પી. વી. નરસિંહ રાવ, જ્ઞાાની ઝૈલસિંઘ, જગન્નાથ મિશ્ર, જાનકી વલ્લભ પટનાયક, પ્રણવ મુખરજી જેવા પ્રાદેશિક નેતાઓ કોંગ્રેસ-આઇમાં જોડાઇ ગયા. ૧૯૮૦માં ફરીથી લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રણવ દાએ ફરીથી ચૂંટણી લડવાની જીદ કરી. ઇંદિરા ગાંધીએ તેમને સમજાવવાની કોશિશ કરી, પ્રણવ, તને ફિલ્ડની રાજનીતિની સમજ નથી, આથી તું ચૂંટણી લડવાનું રહેવા દે. અને આમ પણ તું જ્યાંથી ચૂંટણી લડવાનું કહે છે એ બોલપુર ડાબેરીઓનો ગઢ છે.
પ્રણવ દા ન માન્યા. ચૂંટણી લડયા અને ફરીથી હાર્યા. જ્યારે કોંગ્રેસ-આઇને જબરદસ્ત સફળતા મળી, ૩૫૩ બેઠક. પ્રણવ દા કલકત્તામાં પોતાના ઘરે બેઠા હતા. ઇંદિરાએ તેમને ફોન કરીને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા તો સંજય ગાંધી તેમને રિસીવ કરવા આવ્યા હતા. બંને ઇંદિરા ગાંધીના નિવાસસ્થાન ૧૨, વિલીંગ્ડન ક્રીસન્ટ પહોંચ્યા. પ્રણવ દાને હતું કે મેડમનો ઠપકો પડશે, ઊલટું ઇંદિએ તેમનું જબરદસ્ત ઉષ્મા સાથે સ્વાગત કર્યું. તેમણે કહ્યું, પ્રણવ, મેં તને કહ્યું હતું ને કે ચૂંટણી લડવાની જીદ ન કર. ખેર કાંઇ વાંધો નહીં, જલ્દી ઘરે જા અને કેબિનેટ સચિવના ફોનની રાહ જો.
સરકારની રચના દરમિયાન જે મંત્રીઓએ શપથ લેવાના હોય તેમને કેબિનેટ સચિવ દ્વારા જ ફોન કરવામાં આવતો હોય છે. ઇંદિરાને તેમના પર એટલો ભરોસો હતો કે તેઓ હંમેશા કહેતા પ્રણવના મોઢામાંથી ક્યારેય કોઇ વાત કઢાવી શકાતી નથી, તેના મોંઢામાંથી માત્ર ધુમાડો જ નીકળે છે.
તેઓ ડન હીલનો પાઇપ પીવાના શોખીન હતા. ૧૯૮૪માં ઇંદિરાની હત્યા બાદ તેમના વડાપ્રધાન બનવાની અટકળો શરૂ થયેલી. કારણ કે ત્યારે તેઓ નાણાં મંત્રી હતા અને ઇંદિરા પછી સૌથી શક્તિશાળી નેતા તેઓ જ હતા. મેડમની ગેરહાજરીમાં કેબિનેટની બેઠક તેમની જ અધ્યક્ષતામાં યોજાતી. ચર્ચિત મેેગેઝિન યુરો મનીએ પ્રણવ મુખરજીને દુનિયાના સર્વશ્રેષ્ઠ નાણાં મંત્રી જાહેર કરેલા. આના પરથી તેમની ખ્યાતિનો અંદાજ બાંધી શકાય છે. ઇંદિરાએ પરિવારવાદની જે રાજનીતિ શરૂ કરેલી તેના મૂળિયા ૧૯૮૪માં ઘણે ઊંડે સુધી પહોંચી ચૂક્યા હતા એટલે જ પ્રણવ દાને સાઇડ લાઇન કરી રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવી દેવાયા. ૧૯૬૯માં ઇંદિરાની નજરમાં આવ્યા બાદ તેમણે સતત પ્રગતિ કરેલી. આ તેમની પ્રથમ અધોગતિ હતી. રાજીવ ગાંધી તેમનું પોટેન્શિયલ બરાબર જાણતા હતા. આથી તેમને ન માત્ર મંત્રીમંડળમાંથી બહાર રાખ્યા, બલ્કે રાજનીતિની મુખ્યધારાથી પણ બહાર કરી દીધા. બંગાળ પ્રદેશ કોંગ્રેસ કમિટીની જવાબદારી સંભાળવા કલકત્તા મોકલી દીધા. એક વાત યાદ રાખવી. તમને તક આપનારની સાથોસાથ તક ન આપનાર પણ તમારી પ્રતિભાથી બરાબર પરિચિત હોય છે. તમારી ઉપેક્ષા એ પણ એક પ્રકારે તમારી કદરદાની જ છે.
નારાજ થઇને પ્રણવ દાએ પાર્ટી છોડી દીધી અને ૧૯૮૬માં રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસની રચના કરી. ૧૯૮૭માં ભૂંડી હાર થતાં તેમને અહેસાસ થઇ ગયો કે આ રસ્તો તેમના માટે નથી. તેમણે રાજીવ ગાંધી સાથે ફરીથી સંવાદ શરૂ કર્યો અને ૧૯૮૯માં પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનિકરણ કરી દીધું.
૧૯૯૧માં તેમના વડાપ્રધાન બનવાની સંભાવનાઓ નહોતી કારણ કે ત્યારે તેઓ પક્ષમાં ફરીથી જોડાયાનેે હજુ માત્ર બે જ વર્ષ થયેલા. નરસિંહ રાવની સરકાર દરમિયાન તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા. ૨૦૦૪માં યુપીએની સરકાર બનવા જઇ રહી હતી ત્યારે ફરીથી પ્રણવ દાને વડાપ્રધાન બનાવવાની અટકળો તેજ થઇ. વિપક્ષના દબાણને કારણે સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન બની શકે તેમ નહોતા, એવામાં પ્રણવ દા પર કળશ ઢોળવામાં આવશે એમ મનાતું હતું. એ વર્ષે તેઓ પહેલી વખત લોકસભા ચૂંટણી જીતેલા. આથી એ રીતે પણ દાવેદારી વધી ગયેલી. આત્મકથા ધ કોલિશન ઇયર્સના ત્રીજા ખંડમાં તેમણે લખ્યું છે , સોનિયા ગાંધીના ઇનકાર બાદ અટકળો લગાવાય રહી હતી કે વડાપ્રધાન પદ માટેનો વિકલ્પ હું હોઇશ. કારણ કે સરકારમાં કામ કરવાનો મારી પાસે વ્યાપક અનુભવ હતો. જ્યારે મનમોહનસિંહને વધારે અનુભવ બ્યુરોક્રસીમાં હતો. ત્યાર પછી જે થયું તે ઇતિહાસ છે.
મનમોહનસિંહની તુલનામાં પ્રણવ વધારે રાજકીય હતા. આ તેમનો સ્ટ્રોંગ પોઇન્ટ હતો અને તે જ તેમની વિરુદ્ધ ગયો. શ્રીમતી ગાંધી કદાચ તેમના જેવા તેજતર્રાર નેતાને વડાપ્રધાન બનાવવા માગતા નહોતા. તેમને ભય હતો કે પ્રણવ દા વડાપ્રધાન બનશે તો સરકાર પર પોતાનું નિયંત્રણ નહીં રહે. મનમોહનસિંહને વડાપ્રધાન બનાવાતા પ્રણવ મુખરજી નારાજ હતા. મનમોહનસિંહ તેમના કરતાં ઘણાં બધા જુનિયર હોવાથી તેમની નારાજગી પણ વાજબી હતી. તેઓ યુપીએના મંત્રીમંડળમાં જોડાવા માગતા નહોતા. કિંતુ પાર્ટીને અને સોનિયા ગાંધીને તેમની જરૂર હતી. કારણ કે તેઓ મુત્સદ્દી હતા અને દરેક પક્ષમાં સારા સંબંધ ધરાવતા હતા. ગઠબંધનને એક દોરામાં પરોવી રાખવાની તેમને ફાવટ હતી. છેવટે તેઓ માની ગયા અને યુપીએ સરકારમાં સંરક્ષણ મંત્રાલય, નાણાં અને વિદેશ મંત્રાલય જેવા મહત્ત્વના પોર્ટફોલિયો સંભાળ્યા.
૨૦૦૯માં ફરીથી અટકળ શરૂ થઇ કે પ્રણવ મુખરજીને વડાપ્રધાન બનાવવામાં આવશે. ચૂંટણીના થોડા મહિના પહેલાં મનમોહનસિંહે બાયપાસ સર્જરી કરાવેલી અને તેમને ઘણો આરામ કરવો પડેલો. મનમોહનસિંહ જ્યારે આરામમાં હતા ત્યારે વડાપ્રધાનનું કામ કોણ કરતું હતું? વિકિલિક્સ દ્વારા લીક કરવામાં આવેલા એક કેબલ પ્રમાણે પ્રણવ મુખરજી. જેવું દર વખતે થતું હતું એવું જ આ વખતે પણ થયું. ૨૦૧૨માં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી. સોનિયા ગાંધીએ તેમને પૂછયું, રાષ્ટ્રપતિ પદ માટે તમે સૌથી પ્રબળ દાવેદાર છો પરંતુ તમે સરકારમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છો આથી કોઇ બીજું નામ સૂચવો. ત્યાર પ્રણવ દાને લાગ્યું કે મનમોહનસિંહને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે અને પ્રણવ દાને વડાપ્રધાન. પણ એવું થયું નહીં. તેઓ દેશના ૧૩માં રાષ્ટ્રપતિ બન્યા. વડાપ્રધાન મોદીથી લઇ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સુધી ઘણા બધા નેતાઓ કહી ચૂક્યા છે કે પ્રણવ દા વડાપ્રધાન બનવાને લાયક હતા. ન બની શક્યા. તેમનું વડાપ્રધાન ન બની શકવું સૂચવે છે કે, પ્રતિભાથી જ બધું પ્રાપ્ત કરી શકાતું નથી. આ માટે પરિસ્થિતિની ભૂમિકા પણ મહત્ત્વની છે. થોડું પ્રારબ્ધ પણ ખરું. નહીંતર બધું જ આટોપીને ઓરિસ્સા જતા રહેલા પી.વી. નરસિંહરાવને વડાપ્રધાન થોડા બનાવવામાં આવે ? કદાચ તેમણે ઇંદિરાના ગયા પછી કોંગ્રેસ છોડવાની ભૂલ ન કરી હોત તો વડાપ્રધાન બની ગયા હોત. લોકપ્રિય રાજનીતિ પર તેમની પક્કડ નથી એ મર્યાદા સ્વીકારીને ચાલ્યા હોત તો પણ તેઓ કદાચ વડાપ્રધાન બની જાત. એની વે, આ જો અને તોની ખાનાપૂર્તિ ઘણાં બધા વર્ષો પહેલાં જ સન્યાસ લઇ ચૂકી છે.
આરએસએસના મુખ્યાલયમાં તેમણે આપેલું ભાષણ ઇતિહાસમાં અમર બની ગયું છે. તેમણે કહેલું, માત્ર એક ધર્મ કે એક ભાષા ભારતની ઓળખ નથી. રાષ્ટ્રવાદની ભાવના બંધારણમાંથી વહે છે. હું અહીં રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ સમજાવવા આવ્યો છું. વિવિધતાથી ભરેલા ભારતમાં બંધારણ પ્રત્યેની આસ્થા જ અસલી દેશભક્તિ છે. વિવિધતા આપણી સૌથી મોટી શક્તિ છે. આપણે વિવિધતમાં એકતા જોઇએ છીએ. આપણા બધાની એક જ ઓળખ છે, ભારતીયતા.
તેમણે આ પ્રસંગે ચાણક્યને પણ ટાંક્યા.
પ્રજા સુખે સુખમ રાજઃ પ્રજાનાંચ હિતે હિતમ
નાત્મ પ્રિયમ હિતમ રાજઃ પ્રજાનાં તુ પ્રિય હિતમ.
અર્થાત પ્રજાની ખુશીમાં જ રાજાની પ્રસન્નતા છુપાયેલી છે. પ્રજાના હિતમાં જ રાજાનું હિત હોય છે. પ્રજાનું ભલું એ રાજાનું ભલું છે.
કૉન્ગ્રેસને પણ આજે પ્રતિભાવંત નેતાઓને સાઇડલાઇન કરવાની કિંમત ચૂકવવી પડી રહી છે, ઇવન દેશવાસીઓને પણ ચૂકવવી પડી રહી છે, કારણ કે વિપક્ષ નબળો પડી ગયો છે. પ્રણવ મુખરજી તેમની મર્યાદાઓને યાદ રાખીને ન ચાલ્યા તેજેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે એક પરિવારની રાજનીતિનો તેઓ ભોગ બન્યા. તેમની પાસેથી થોડુંક વધારે સારું મેળવી શકાયું હોત. તેમની ટેલેન્ટને અધિક ખપમાં લઈ શકાય હોત. શું થાય? આ તો રાજનીતિ છે.
આજની નવી જોક
છગન (લીલીને) : લલ્લુને કેમ મારે છે?
લીલીઃ મેં સાલાને કહ્યું, જેટલું વધુ ભણીશ એટલી સારી પત્ની મળશે.
છગનઃ હા તો?
લીલીઃ કહે છે, પપ્પા તો ખૂબ ભણ્યા છે. એનું શું મળ્યું?
છગનઃ હેં!?
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32YeWVT
No comments:
Post a Comment