સંસદનું ચોમાસુ સત્ર : આ ટૂંકું સત્ર સંકટકાળમાં યોજાઈ રહ્યું છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 4 September 2020

સંસદનું ચોમાસુ સત્ર : આ ટૂંકું સત્ર સંકટકાળમાં યોજાઈ રહ્યું છે

સંસદનું ચોમાસુ સત્ર

કોરોના મહામારી વચ્ચે આગામી ૧૪મી સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રની અધિસૂચના જારી કરવાની સાથે વિવાદ શરુ થઈ ગયો છે. આ ટૂંકું સત્ર સંકટકાળમાં યોજાઈ રહ્યું છે અને તમામ સાંસદો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવાની સાથે અત્યંત જરુરી કામગીરી હાથ પર લઈને બને તેટલી જલ્દી તેને પૂરુ કરવાની ભાવના હાલમાં સર્વોપરિ હોય તેમ લાગી રહ્યું છે. આ કારણે આ વખતે સંસદના સમયપત્રકમાં કેટલાક ફેરફારો કરવામા આવ્યા છે. જેમાં પ્રશ્નકાળને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ સામેલ છે. તેની સામે વિરોધપક્ષનો પ્રતિભાવ આવે તે સ્વાભાવિક છે. આમ તો દરેક સરકારને પ્રશ્નકાળ ઉડાડી દેવાનું મન થતું જ હોય અને ભાજપ એમાંથી બાકાત નથી. તેઓ ભૂલી જાય છે કે પ્રશ્ન કરવાના અધિકારનો ઉપયોગ કરીને જ તેઓ અહીં સત્તાને પહોંચ્યા છે. આમ પણ મિસ્ટર મોદીના નેતૃત્વમાં ભાજપે સદાય એકાધિકારનું સમર્થન જ કર્યું છે.

કોરોનાએ ઘણા ચહેરાઓ બેનકાબ કરવાનું કામ કર્યું છે. કોરોનાના બહાનાનો મોકો લઈને ભાજપના વડપણની એનડીએ સરકારે પ્રશ્નકાળનો જ છેદ ઉડાડવાનો પેંતરો ઘડી લીધો છે. ખરેખર તો મિ. મોદી વારંવાર પોતાને ઈતિહાસના યાદગાર અને મહાન વડાપ્રધાન સાબિત કરવા માટે જે વિચિત્ર અખતરાઓ અને મનઘડંત તરંગો લડાવે છે એના બદલે જો ખરેખર જ એમણે મહાન થવું હોય તો ભારતીય સંસદીય પ્રણાલિકાને મજબૂત બનાવવી જોઈએ અને એમણે જ કહેવું જોઈએ કે પ્રશ્નકાળ વિનાના સંસદસત્ર તો લોકશાહીની જાહેર મજાક છે અને એવા સત્ર મળે કે ન મળે એનો કોઈ અર્થ નથી. આમ તો આ પ્રશ્નકાળ કાયમ માટે ઉડાડી દેવો એ જ ભાજપના એજન્ડામાં છે પરંતુ રાષ્ટ્રવાદના બુરખામાં બિચારી પ્રજા એ બધું તો કેમ જોઈ શકે ?

સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે લોકસભા અને રાજ્યસભા સચિવાલયો તરફથી જાહેર કરવામાં આવેલી અધિસૂચના પૂર્વે તમામ નાના-મોટા રાજકીય પક્ષોની સાથે અમે ચર્ચા - વિચારણા કરી હતી અને તૃણમૂલના નેતા ડેરૈક ઓબ્રાયન સિવાયના તમામ પક્ષના નેતાઓએ સહમતી વ્યક્ત કરી હતી. હવે જ્યારે અધિસૂચના જારી કરવામાં આવી ત્યારે વિપક્ષી નેતાઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ પણ સંસદનો પ્રશ્નકાળ દરેક સાંસદને સરકારની કામગીરી સામે સવાલ કરવાનો એવો અધિકાર આપે છે, જે કોઈ પણ છોડવા ઈચ્છે નહી. પ્રશ્નકાળને સંસદીય વ્યવસ્થાનો આત્મા કહેવામાં આવે છે. સંસદમાં મોટાભાગના સમયે પક્ષની નિર્ધારિત રેખા પર ચર્ચા થાય છે, પણ પ્રશ્નકાળમાં દ્રશ્ય અલગ હોય છે. જેમાં સાંસદો તેમના તારાંકિત પ્રશ્નોમાં સરકારી તંત્રના કામકાજ સંબંધિત પ્રશ્ન પૂૂછી શકે છે અને સરકારી જવાબથી સંતુષ્ઠ ન હોય તો બે પૂૂરક પ્રશ્નોને સહારે સરકારને સ્પષ્ટ જવાબ આપવા માટે ફરજ પાડી શકે છે. 

આ દરમિયાન મોટાભાગે પક્ષની રેખાઓ ધૂંધળી નજર આવતી હોય છે. ઘણી વખત પોતાના જ પક્ષના સાંસદોના પ્રશ્નોથી સરકાર ઘેરાય છે, ત્યારે તે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાય છે. સરકારને સવાલ કરવાની અને તેમની જવાબદારી નક્કી કરવાની આ પરંપરા એ સમયથી ચાલી આવે છે કે જ્યારે સાંસદ કોઈ પાર્ટીની ટિકિટ પર નહીં પણ પોતાની તાકાતથી ચૂંટાઈને આવતા અને સંસદમાં આવ્યા બાદ પોતાનો પક્ષ નક્કી કરતાં. લોકતંત્રની લાંબી યાત્રા દરમિયાન રાજનૈતિક પક્ષો આવ્યા અને મજબૂત બની ગયા. પક્ષના નામે ચાડિયાઓ, ડાગલાઓ અને જોકરો પણ ચૂંટાયા. અસામાજિક તત્ત્વોની એક અલગ વણઝાર પણ સંસદમાં ઊધઈની જેમ ચડી. તેમણે લોકશાહી પદ્ધતિનું અને એ દ્વારા રાષ્ટ્રનું ઘોર પતન નોંતરવામાં ખૂબ યોગદાન આપ્યું. આજના સત્તાધારીઓ પણ એ જ સ્થિતિના પરિપોષક છે.

તેમણે લોકતાંત્રિક ચેતના અને પ્રક્રિયાઓને કેટલા ફાયદો પહોંચાડયો અને કેટકેટલા પાસાને નબળા પાડયા તેના પર સંશોધન થતાં રહે છે, પણ આજની તારીખમાં આપણા અપક્ષ લોકતંત્રની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અલબત્ત, પ્રશ્નકાળના રૂપમાં પાર્ટીથી ઉપર જઈને સરકારના કાર્યોની તપાસ કરવાની જે પદ્ધતિઓ અને તકો છે, તે હજુ ઉપલબ્ધ છે અને તેને ઓછી કરવાનું કામ વ્યવહારુ લાગતું નથી. એ વાત આવકારદાયક છે કે, વિપક્ષનું વલણ જોતા સરકારે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને ચોમાસું સત્રમાં રોજ અડધો કલાક પ્રશ્ન કાળ રાખવા માટે અને તેમાં તારાંકિત ન હોય તેવા એટલે લેખિત જવાબો અંગેના સવાલને મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ પુરતું નથી તેમ છતાં ચોમાસું સત્ર એક કલંકથી બચી શકે તેમ છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F2YCet

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages