
રશિયાના બહુહેતુક પ્રવાસે ગયેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારત પાછા ફરતી વેળાએ એકાએક ઈરાન જવાનો નિર્ણય કરવો પડયો અને વિદેશ સચિવ જયશંકર રશિયા જવાની તૈયારીમાં હતા ત્યાં એકાએક એમણે પણ ઈરાન તરફ ઉડાન ભરી એ બતાવે છે કે સમગ્ર એશિયામાં રાજકીય આંતરપ્રવાહો ઉષ્ણ અને ગતિમાન છે. ઈરાન સાથેના આપણા સંબંધોમાં અમેરિકી પ્રતિબંધોનું ગ્રહણ લાગ્યા પછી પણ ભારત અને ઈરાનના વિદેશ સચિવો સતત એકબીજાના સંપર્કમાં રહ્યા છે અને ભારતે ઈરાન સાથેના પેટ્રોલિયમ સિવાયના વ્યાપારિક સંબંધો તો ચાલુ જ રાખ્યા છે.
ભારતે ઈરાનમાં ચાલતા પોતાના એક પણ પ્રોજેક્ટ પડતા નથી મૂક્યા. તો પણ ભારત સાથેના ઈરાનના સંબંધો ઝાંખા થયા એનો લાભ લઈને ચીને ત્યાં પોતાના પડાવ નાંખ્યા છે. ઈરાન એક વિકટ ઘડીમાંથી પસાર રહ્યું છે. જો એને સ્વવિનાશનો વિચાર ગમશે તો એ ચીનને આધીન થઈ જશે અને જો એણે ઈરાની સભ્યતા અને સંસ્કૃતિ ટકાવવી હશે તો એની પડખે ભારત સદાય ઊભું રહેે એમ છે.
ભારત અને ઈરાનના સંબંધો પહેલેથી મૈત્રી પૂર્ણ રહ્યા છે. જો કે અમેરિકાના ઈરાન વિરોધી વલણને કારણે ભારત અને ઈરાનની દોસ્તી પર પણ અસર પડી છે. જેનો લાભ ખાટવાનો પ્રયાસ ચીન કરી રહ્યું છે. પરંતુ ઈરાન અને ભારત વચ્ચે જે નિખાલસતા અને વિશ્વસનીયતા છે એવી તો ભાગ્યે જ કોઈ બે દેશો વચ્ચે હોય.
બેઇજિંગ છેલ્લા કેટલાક સમયથી એવા પેંતરા કરી રહ્યું છે, જેથી ઈરાન તેની તરફેણમાં આવી જાય. ચીન કેવો ખતરનાક દેશ છે એ સહુ જાણે છે. જેમ એક જમાનામાં શાહુકારો કિસાનોને લૂંટતા હતા અને ઘણી ફિલ્મોમાં એ કથાનક છે. જેમાં સહુ જાણતા જ હોય છે કે શાહુકારો કેવા છે. છતાં સંયોગો એવા હોય કે કિસાનો એમને ત્યાં જમીનના દસ્તાવેજો, ફસલ અને ઘરેણા પણ મૂકી આવે.
ચીન એક એવો જ શાહુકાર દેશ છે જ્યાં નેપાળ અને પાકિસ્તાને તો પોતાનું બધું જ મૂકી દીધું છે. ચીન આગામી સો વરસ સુધી પાકિસ્તાન અને નેપાળની તમામ કૃષિપેદાશોને ઓહિયા કરી જવાનું છે. ઉપરાંત એ બન્ને દેશો એવા તો ચીનના કરજમાં ડૂબેલા છે કે હવે ત્યાં ચીનાઓ કહે રાત તો રાત અને દિવસ તો દિવસ. પાકિસ્તાન અને નેપાળમાં પોતપોતાની ઘડિયાળ હોય પણ એનો સમયનો વર્તમાન કાંટો તો સદાય ચીનના પાટનગર તરફ જ રહેવાનો. એટલે કે પાકિસ્તાન પાસે હવે પોતાનું કોઈ ભવિષ્ય નથી અને જે છે તે ચીનનું એકલાનું જ પાકિસ્તાનમાં ભવિષ્ય છે !
નવાઝ શરીફ અને ઈમરાન ખાને પાાાકિસ્તાન ચીનના ખોળે રમતું કરીનેે એવું નુકસાન કર્યું છેે ભારત કરવા જાય તો સદીઓ વીતેે. કારણ કે પાકિસ્તાનને લાલ ઝંડો બનાવવાની જ આખી યોજના છે. બહુ થોડા વરસોમાં પાકિસ્તાની રાષ્ટ્રધ્વજમાં લીલા સાથે લાલ રંગ પણ હશેેે. હવે પાકિ. પ્રજાએ એ નથી જોવાનું કે એની સરકાર શું કરે છે? એણે એ જોવાનું કે ચીન આપણા તરફ કેટલા ટુકડા ફેંકે છે. આ આશ્રિતોનું એક ઘોર પતનકારી ઈકોનોમિક્સ છે. રાજા મટીને ગુલામ થવાનો આવો શોખ જે જે દેશોના વડાઓને છે ત્યાં ચીન દોડી જઈને પોતાની શતરંજ પાથરી દે છે.
ચીનાઓને હવે ધનશૂન્ય, ભૂખ્યા અને ધરમમાં અન્ધ એવા મુસ્લિમ દેશોને છેતરવાનું માફક આવી ગયું છે. ચીનના અધિકારીઓ ગયા સપ્તાહે કાબુલ અને કંદહાર પણ જઈ આવ્યા. એમણે લગભગ સત્તરમીવાર અફઘાન સરકાર સમક્ષ સિલ્કરોડની દરખાસ્ત મૂકી છે. એશિયાને ચાઈનેશિયા બનાવવા માટે ચીન કદી પણ થાકવાનું નથી.
પાકિસ્તાનની જેમ ઈરાનને પણ પોતાના તરફી કરવા ચાહે છે અને ભારત સરકાર તેની આ મુરાદ બર ન આવે તે માટે પ્રયત્ન કરી રહી છે. ચીન ઈરાનમાં સસ્તા દરે તેલ ખરીદવાના બદલમાં ત્યાં ૪૦૦ અરબ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત તેને શસ્ત્રોથી સજ્જ કરવાના પ્રયાસમાં પણ છે. આ બધાને સમાંતર તે ઈરાનની સાથે આગામી ૨૫ વર્ષ સુધી યુદ્ધસ્તરીય સમજૂતી કરવા માટે પણ પ્રયત્નશીલ છે.
ઈરાનમાં ચીનની વધી રહેલી દખલ એકલા ભારત માટે ચિંતાનું કારણ નથી, પણ તેનાથી ઈઝરાઈલ, સાઉદી અરેબિયા અને અમેરિકાની ઊંઘ પણ ઉડી ગઈ છે. ઈરાન અને ચીનની દોસ્તીને જોતા પશ્ચિમી એશિયામાં પ્રભુત્વ ટકાવી રાખવા માટે સાઉદી અરેબિયાના સંયુક્ત આરબ અમીરાતે તેના એક સમયના કટ્ટર હરિફ એવા ઈઝરાઈલ સાથે અમેરિકાની મધ્યસ્થી સાથે દોસ્તી કરી લીધી છે. ભારતના સંબંધો સાઉદી અરેબિયા, ઈઝરાઈલ અને અમેરિકા સાથે ઘનિ છે, પણ ઈરાન ચીનના પક્ષમાં જતું રહે તે કોઈ પણ દ્રષ્ટીકોણથી યોગ્ય નથી.
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hjEGBc
No comments:
Post a Comment