અધિકસ્ય્ ફલમ્ . - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 9 September 2020

અધિકસ્ય્ ફલમ્ .


વ ર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, મળ એ બધાય કાળનાં વિભાગો છે. જળ, સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણાં વગેરે જળનાં વિભાગો છે. આ બધા વિભાગોનાં જુદાજુદા દેવો અધિષ્ઠાતા છે. એવામાં સંજોગોવસાત એક વધારાનો મહિનો ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા કોઈ દેવ નહોતો. આથી આ વધારાના માસને 'મળમાસ'ના નામે ઓળખવા લાગ્યા. તેમજ આ માસને મલિન સમજીને ભાવિકો તે માસમાં સારા કાર્યો કરતા નહિ, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો તેથી લોકો આને નિંદાપાત્ર ગણતા.

આ રીતે હડધૂત થયેલ આ માસ 'મળમાસ' ખૂબ જ નિરાશ થયો અને વૈકુંઠલોકમાં આંસુભરી આંખે ભગવાન વિષ્ણુ પાસે જઈ પોતાનું દુ:ખ કહેવા લાગ્યો. અને દુ:ખ, તિરસ્કારએ અપમાનથી મારૂં જીવન ઝેર જેવું બની ગયું છે. આથી આપને શરણે આવ્યું છું હું અનાથ છું, આપ મારૂં રક્ષણ કરો, 'મળમાસ' નામ આપીને મારૂં ઘોર અપમાન કર્યું છે. મારૂં જીવન અસહ્ય બનાવી દીધું છે. દીન, દુ:ખીયારાઓનાં, પ્રાણીમાત્રને આપે તાર્યા છે, એવા આપ મારો પણ ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો તેવું કહી રોવા લાગ્યો.

ત્યારબાદ ભગવાન વિષ્ણુ તેના પ્રત્યે દયા લાવીને બોલ્યા 'વત્સ, દુ:ખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી, કે મુંઝાવાથી કંઈ વળતું નથી.' 'મારે શરણે આવેલ કોઈપણ દુ:ખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી મારા ધામમાં અને મારા શરણમાં દુ:ખ કે શોક તેમજ અકાળ મૃત્યનું નામ નિશાન જોવા નહિ મળે હું તને દુ:ખમાંથી મુક્ત કરીશ.'

ત્યારે 'મળમાસ'ને વિષ્ણુ ઉપર વિશ્વાસ બેઠો અને હાથ જોડી બોલ્યો 'હે પરમ કૃપાળુ, મેં મારૂ દુ:ખ આપને જાહેર કરી દીધું છે, મારો તિરસ્કાર ન થાય, અન્ય મહિનાઓની માફક મારો અધિષ્ઠાતા દેવ સ્થાપિત કરો, મને 'મળમાસ' ન કહે તેને માટે મારૂં યોગ્ય સારૂં નામકરણ કરી આપો આપ તો દીનદયાળુ છો, મને આમાંથી ઉગારો... ઉગારો...

ત્યારબાદ વિષ્ણુ ભગવાને મલમાસ પાસે જઈ તેના માથા ઉપર હાથ મુકીને કહ્યું કે 'આ બધુ ભૂલી જઈને તું શાંત થા, મારી સાથે ગોલોક ચાલ. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજે છે એ જ શ્રીકૃષ્ણ શ્રીપુરૂષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે. 

નિ:સ્પૃહ તથા નિર્વિકાર-પરિપૂર્ણ, પ્રકૃતિથી પર અને સર્વના નિયંતા તથા સર્વના પ્રભુ છે.'

આવું ભગવાન શ્રીકૃષ્ણ-પુરુષોત્તમનું વર્ણન કરી ભગવાન વિષ્ણુ મલમાસને સાથે રાખી ગોલોક પહોંચ્યા. અને શ્રીકૃષ્ણ ભગવાનને વંદન કરી. સ્તુતિ કરી ને મલમાસના દુ:ખોનું પ્રાર્થનાપૂર્વક વર્ણન કરી તેને દૂર કરવાનું કહ્યું.

ભગવાન શ્રીકૃષ્ણ-પુરુષોત્તમે શ્રીવિષ્ણુને કહ્યું કે 'તમો મળમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, એશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણો આ મળમાસને આપું છું.' તેમજ લોકમાં તથા વેદમાં મારૂં 'પુરુષોત્તમ' નામ જે જાણીતું છે તે પણ આ મળમાસ ને નામાભિધાન પણ અર્પુ છું. તેનો સ્વામી હું છું આથી મારી સમાનતા પામી આ 'મલમાસ' 'પુરુષોત્તમ માસ'થી પ્રચલિત થઈ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે આ જગતમાં પૂજ્ય તથા વંદનલાયક થશે.

આ માસ જે કોઈ પુરુષોત્તમની પૂજા કરશે તે સર્વ દારિદ્રયમાંથી મુક્ત થશે. આ માસમાં વ્રત-દાન કરનાર અઢળક દાનનાં માલિક બનશે. અને મુક્તિ મેળવશે. આ 'પુરુષોત્તમ માસ'. ભક્તિ માટેનો ઉત્તમમાસ બનશે.

ત્યારથી આ 'મળમાસ' 'પુરુષોત્તમ માસ'ના નામથી ઓળખવા લાગ્યો. (શ્રી બ્રહદનારદીય પુરાણ)

"યસ્મત્ક્ષરમતીતોડહમ અક્ષાદવિ ચોત્તમ: ।

અતોડસ્મિ લોકે વેદેચ પ્રથિત: પુરુષોત્તમ્ ।।

યો મામવમ સંમૂઢો જાનાતિ પુરુષોત્તમય્ ।

સસર્વવિદ્ ભજતિમાં સર્વભાવેન ભારત ।।

(શ્રીમદ્ભગવત્ ગીતા અ.૧પમો)

'હું આ ક્ષર (નાશવંત) અને અક્ષર (અવિનાશી)થી પણ ઉત્તમ પુરુષ છું. આથી લોકમાં તથા વેદોમાં હું 'પુરુષોત્તમ' નામથી પ્રસિદ્ધ છું. હે અર્જૂન ! જે મનુષ્ય મોહવિનાનો થઈને મને સર્વ ભાવથી ભજે છે.'

'શ્રી પુરુષોત્તમ ભગવાનની જય હો '

ડો. ઉમાકાન્ત જે. જોષી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33eYGzV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages