સમગ્ર ગઢડા પંથકમાં 14 કલાકમાં સાડા સાત ઈચ વરસાદથી જળબંબાકાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 August 2020

સમગ્ર ગઢડા પંથકમાં 14 કલાકમાં સાડા સાત ઈચ વરસાદથી જળબંબાકાર


- ઘેલો નદી ગાંડીતૂર, માલપરા, પ્રહલાદગઢ અને સાંજણાવદર સહિતના નીચાણવાળા ગામો હાઈ એલર્ટ ઉપર

ગઢડા (સ્વા.)તા. 30 ઓગષ્ટ 2020, રવિાર


કોરોનાના પ્રકોપ વચ્ચે રાજાધિરાજ મેઘરાજાએ સમગ્ર ગઢડા પંથકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ બારે મેઘ ખાંગા થયા હતા અને છેેલ્લા ૧૪ કલાકમાં સાડા સાત ઈચ વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યુ હતુ. ગઢડા પંથક જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોથી જાણે કે, વિખુટુ પડી ગયુ હોય તેમ તમામ હાઈવે પર ભારે પાણી વહેતા થતા માર્ગો બંધ થઈ ગયા હતા.

રવિવારે વહેલી સવારથી  ગઢડા પંથકમાં એકાએક વાતાવરણમાં થયેલા પલ્ટા બાદ  બારે મેઘ ખાંગા થયા હોય તેમ સતત વરસાદ તૂટી પડતાં સાર્વત્રિક જળબંબાકાર થઈ ગયુ હતુ.તમામ નદી નાળાઓ અને તળાવડાઓ છલકાઈ ગયા છે. માલપરા ડેમ ઓવરફલો થતા માલપરા, પ્રહલાદગઢ અને સાંજણાવદર સહિતના નીચાણવાળા ગામો હાઈ એલર્ટ  પર રહ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે ગઢડાના ભડલીના ઝાંપે વોંકળામાં ઘોડાપુર આવ્યા હતા. જેથી નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરાવાઈ રહ્યુ છે. 


આ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ રસ્તાઓ  એકાએક બંધ થઈ જતા ગઢડા સાથેનો વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ જતા લોકજીવન થંભી ગયુ હતુ. તેમજ  ઢસા સહિત આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ ખાબકતા ઢસાના સ્ટેશન રોડ પર પાણી ભરાઈ ગયા હતા તેમજ ગઢડા લીમડા ભાવનગર અને ગઢડા ઢસા રોડ પણ ઠપ્પ થઈ જતા વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. રોડ પર પાણી ઓસરવાની  વાહનચાલકોને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડી હતી.

આ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘણાં ગામડાઓમાં ડેમ નીચાણવાળા વસ્તી અને વિસ્તારોમાં નાની મોટી તારાજી ફેલાતા ભયનો માહોલ ઉભો થઇ જવા પામ્યો હતો. સતત વરસાદના કારણે કાચા મકાનો ઉપર જોખમ થતા અને ધરાશાયી થવાના પગલે તંત્ર એલર્ટ થઈ ગયુ હતુ. આ સિઝનમાં ગઢડામાં કુલ ૫૨ ઈંચ વરસાદ વરસતા છેલ્લા ૩૦ વર્ષનો રેકર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને  અતિવૃષ્ટિના કારણે હવે આ પંથકમાં લીલા દુષ્કાળની ભીતિ ઉભી થવા પામેલ છે. તેમજ સમગ્ર પંથકમાં કપાસ, મગફળી અને તલના વાવેતરને પારાવાર નુકશાની થતા ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળીયો ઝૂંટવાઈ જાય તેવી વિષમ પરિસ્થિતિ સર્જાવા પામેલ છે. 

સુખભાદર ડેમના ૧૧ દરવાજા ખોલી નાખવામાં આવ્યા

ઉપરવાસમાં આવેલા ભારે વરસાદના કારણે મોટા ભડલા ગામે આવેલ સુખભાદર ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે પાળીયાદમાં આવેલ સુખભાદર ડેમના ૧૧ દરવાજા ખોલવામાં આવ્યા છે.જેથી નીચાણવાળા ઉમરાળા,અલમપુર, રાણપુર,કનારા, નાગનેશ અને દેવળીયા વગેરે ગામોને એલર્ટ કરાયા છે. 

ઈતરીયા, રમાઘાટ અને માલપરા ડેમ ઓવરફલો

ઉપરવાસના સારા વરસાદના કારણે ગઢડા તાલુકાના ઈતરીયા,ઘેલો, રમાઘાટ  તેમજ માલપરા વિગેરે જળાશયોમાં પૂરઝડપે પાણીની આવક શરૂ રહેતા ઘોડાપૂર ઘસી આવ્યા હતા. જયારે માલપરા ડેમ ઓવરફલો થતા ડેમના કુલ ૮માંથી ૭ દરવાજા અડધો અડધો ફુટ ખોલવામાં આવ્યા હતા.ગુંદાળા ગામે આવેલ સાદરડી નદીમાં ઘોડાપુર આવતા બેથી ત્રણ ફૂટ ઉપરથી પાણી પસાર થઈ રહ્યુ છે. જેના કારણે ગઢડાથી સૌરાષ્ટ્ર તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.ગુંદાળા ગામે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ ઉપરાંત ઉપરવાસના ભારે વરસાદના કારણે કાળુભાર ડેમના ૧૧ દરવાજા રવિવારે સવારથી ત્રણ ત્રણ ફુટ ખોલવામાં આવ્યા હતા.

શ્રમજીવી દેવીપૂજક પરિવારો ફસાયા

ગઢડાની ઘેલો નદી ગાંડીતૂર બનતા ધસમસતુ પાણી શીરવાણીયાની વાડી વિસ્તારમાં આવતા ત્યાં વસતા ૧૦૦ જેટલા દેવીપૂજક પરિવારો ફસાઈ જતા તે અંગેની જાણ થતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામેલ. ભારે પાણીમાં ફસાઈ ગયેલા લોકોએ વીડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા તે અંગે તંત્રવાહકોને જાણ કરાતા તેઓને બચાવવા માટેની કાર્યવાહી પુરજોશમાં હાથ ધરાઈ હતી.

ગઢડામાં મોસમનો કુલ ૨૧૪.૮૧ ટકા વરસાદ

ગઢડા શહેર અને સમગ્ર પંથકમાં થયેલા શ્રીકાર વરસાદથી અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાવા પામેલ છે. આ વરસાદના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ૩૦ વર્ષનો વરસાદનો રેકોર્ડ બ્રેક થવા પામતા આ સિઝનમાં કુલ ૨૧૪.૮૧ ટકા વરસાદ થયો છે. વર્ષ ૧૯૯૦ થી ૨૦૧૯ દરમિયાન મોસમનો સરેરાશ ૫૪૮ મી.મી વરસાદ નોંધાયેલ છે. જેની સામે ચાલુ ચોમાસે ગઈ કાલ તા.૨૯ સુધીનો વરસાદ ૧૧૪૨ મી.મી. ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં સમયાંતરે કુલ ૧૨૬ મી.મી. વરસાદ નોંધાતા આ સિઝનમાં કુલ ૧૨૬૮ મી.મી એટલે કે મોસમનો કુલ ૫૨ ઈંચ વરસાદ થવા પામતા છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ થવા પામેલ છે.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34NKD6M

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages