વલભીપુરમાં પાંચ ઈચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 August 2020

વલભીપુરમાં પાંચ ઈચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા


ચિફ ઓફિસર  અને મામલતદાર સહિતના ઘટના સ્થળે દોડી ગયા

ઘેલો નદીમાં ઘોડાપુર આવતા હાઈવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો

વલભીપુર,તા. 30 ઓગષ્ટ 2020, રવિવાર


વલભીપુર પંથકમાં છેલ્લા ૪૮ કલાકમાં પાંચ ઈંચ વરસાદથી ઘેલો નદીમાં ઘોડાપુર આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામેલ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા ચિફ ઓફિસર,મામલતદાર અને પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે ઘસી ગયા હતા.

વલભીપુર શહેર અને તાલુકાના ગામોમાં અંદાજીત પાંચેક ઈંચ વરસાદથી અને ઉપરવાસના ભારે વરસાદથી અત્રેની ઘેલો નદીમાં ભારે માત્રામાં પાણી આવ્યુ હતુ.જેથી શહેરના ખોડીયારનગર, ફુલવાડી, મફતનગર,સરદારનગર, દેવીપુજકવાસ અને બારપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ આ તાલુકાના અનેક ગામડાઓમાં નદીના પાણી ઘુસી જવા પામ્યા છે. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઘટના સ્થળે નિરિક્ષણ કર્યુ હતુ અને અસરગ્રસ્ત લોકો માટે જરૂર પડે સ્કુલમાં ભોજન સહિતની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં આવશે.અને હજુ પણ ઉપરવાસમાં જોરદાર વરસાદ શરૂ હોય જેને લઈને પચ્છેગામ,હળીયાદ અને કંથારીયા સહિતના આજુબાજુના ગામોમાં પુર આવેલ મામલતદાર સહિતના અસરગ્રસ્ત લોકોના સતત સંપર્કમાં છે અને શકય તમામ સહાય કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. સરદારનગરમાં સાંજના છના અરસામાં કુલ આઠ વ્યકિતઓ ફસાયા હોય પાલિકા તંત્ર દ્વારા વાહન ફેરવી તેઓને સાવચેતી રાખવા તાકીદ કરાઈ છે. ભારે વરસાદના કારણે પચ્છેગામ અને હળીયાદ સહિતના ગામોમાં ભારે પુર આવ્યા હતા. 

બોટાદની ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ

બોટાદમાં રવિવારે પવનના સુસવાટા સાથે આખો દિવસ સતત વરસાદ વરસ્યો હતો. ઉપરવાસના અને સ્થાનિક સારા વરસાદના કારણે ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવ્યા છે. ભાવનગર સર્કલ, નાગલપર દરવાજા, નવનાળા સહિતના વિસ્તારોમાં ઉતાવળી નદીના પાણી ફરી વળ્યા છે.બોટાદથી ભાવનગર, ગઢડા સહિતના શહેરો તરફ જવાનો માર્ગ મોડી સાંજે બંધ કરવામાં આવ્યો હતો. બોટાદમાં ૧૫૦ મી.મી., ગઢડામાં ૧૮૭ મી.મી., બરવાળામાં ૫૯ મી.મી., રાણપુરમાં ૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે. 

બોટાદ, ધંધુકામાં સવા ઈંચ વરસાદ

નવ વર્ષ બાદ ભાવસાગર ડેમ ઓવરફલો થતા લોકોમાં હર્ષ

ધંધુકા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે સવારે ૭ થી મોડી સાંજ સુધી સતત વરસાદ વરસ્યો હતો. આજે દિવસ દરમિયાન સવા ઈંચ વરસાદ  જયારે સીઝનનો કુલ ૨૯ ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉમરાળાના રંઘોળામાં આવેલ ભાવસાગર ડેમ આઠથી નવ વર્ષ બાદ ઓવરફલો થતા રંઘોળા પંથકના લોકો હર્ષથી ઝુમી ઉઠયા હતા. અને ડેમના નીર જોવા માટે રંઘોળા તેમજ આજુબાજુના ગામોના લોકોની રવિવારે ભારે ભીડ જોવા મળી હતી.લાખાવાડ ગામ નં.૨ ના લોકોનું રંઘોળા ગામ હટાણાનું કેન્દ્ર રહ્યુ હોય આ ભાવસાગર ડેમ ઓવરફલો થતા હવે પછી તે ગામના લોકોને હવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમજ ડુંગર વિસ્તારમાં વાડી ખેતર આવેલા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવી પડશે. કારણ કે, રંઘોળી નદી અત્યારે બે કાંઠે વહી રહી હોય ત્યારે ખેડૂતોને અને જોળ ગામના લોકોને પાંચ કિ.મી. ફરીને જવુ પડશે. તેથી જો રંઘોળી નદી ઉપર રંઘોળા અને લાખાવાડ નં.૨ (જોળ)ગામ વચ્ચે રંઘોળી નદી ઉપર કોઝવે અથવા પુલ બનાવવામાં આવે તેવી ખેડુતોમાં અને ગ્રામજનોમાં માંગ ઉઠવા પામેલ છેે.

સિહોર અને મહુવામાં એક ઇંચ વરસાદ વરસ્યો , ઉમરાળા ૩ ઇંચ વરસાદ 

ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણામાં અડધો ઇંચ, ઘોઘા, તળાજામાં વરસાદી ઝાપટા : જેસરમાં વરસાદનો વિરામ 

આજે રવિવારે ભાદરવ માસમાં ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો અને આજે મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તેથી જિલ્લામાં ચાલુ સીઝનનો કુલ ૯૭ ટકા આસપાસ વરસાદ નોંધાયો ગયો છે. સારો વરસાદ થતા લોકોને રાહત થઈ છે પરંતુ ખેતીના પાકને સતત વરસાદથી નુકશાન થવાની ભીતિ છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે વરસાદી ઝાપટાથી લઈ ૩ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉમરાળામાં ૮૧ મીલીમીટર એટલે ત્રણ ઇંચથી વરસાદ પડયો હતો, જયારે વલભીપુરમાં ૭૪ મીલીમીટર એટલે કે ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. સિહોરમાં ર૭ મીલીમીટર અને મહુવામાં ૧૯ મીલીમીટર એટલે કે એક ઇંચ આસપાસ વરસાદ થયો હતો. ગારિયાધારમાં ૧૬, ભાવનગરમાં ૧૪ અને પાલિતાણામાં ૧૦ મીલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઘોઘામાં ૪, તળાજામાં ૩ મીલીમીટર એટલે કે આ બંને તાલુકામાં ઝરમર વરસાદ પડયો હતો. જેસરમાં મેઘરાજાએ વિરામ રાખ્યો હોય વરસાદ નોંધાયો ન હતો. આજે ઉમરાળા અને વલભીપુર તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી હતી તેથી રોડ પર ચારે બાજુ પાણી ફરી વળ્યા હતાં. ધોધમાર વરસાદના પગલે વાહન ચાલકો મૂશ્કેલીમાં મુકાય ગયા હતાં. 

આગામી દિવસોમાં હજુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેથી વરસાદ હજુ કેટલાક દિવસ પડવાની સંભાવના છે. આશરે છેલ્લા પંદર દિવસથી વાદળછાયુ વાતાવરણ અને વરસાદ પડી રહ્યો હોવાથી કેટલાક ગામના ખેતરોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. હાલ ખેડૂતો વરાપ નિકળે તેની રાહ જોઈ રહ્યા છે, જો વરાપ નહી નિકળે તો ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ છે. સતત વરસાદના પગલે તલનો પાક કેટલાક ગામોમાં બળી ગયો હોવાનુ જાણવા મળેલ છે અને લીલો દુકાળ ન પડે તો સારૂ તેવુ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે. 

ભાવનગર, ઉમરાળા અને વલભીપુરમાં સીઝનનો ૧રપ ટકા વરસાદ 

ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ પડી રહ્યો છે તેથી ભાવનગર તાલુકામાં ચાલુ સીઝનનો ૧રપ.૬૧ ટકા, ઉમરાળામાં ૧રપ.૭૬ ટકા અને વલભીપુરમાં ૧રપ.૭૧ ટકા વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત મહુવા તાલુકામાં ૧ર૦.૪૮ ટકા વરસાદ નોંધાયો છે. સિહોરમાં ૬ર.૯૧, પાલિતાણામાં ૮૭.૭૦, ઘોઘામાં ૭૦.૪૬, ગારિયાધારમાં ૯પ.પ૩, જેસરમાં ૮૭.૩ર અને તળાજામાં ૬૯.૧૯ ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં ચાલુ સીઝનનો કુલ ૯૮.૦૭ ટકા વરસાદ પડયો છે તેથી થોડા દિવસમાં ૧૦૦ ટકા વરસાદ થઈ જશે તેમ જણાય રહ્યુ છે. 



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ERuJxb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages