
ભાવનગર, તા.22 જૂન 2020,સોમવાર
વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે મચ્છરો અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધે છે ત્યારે શહેરીજનો તંત્ર સાથે પોતે પણ સ્વચ્છતા જાળવવા આગળ આવે અને મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યું જેવા રોગોથી આ કોરોનાની વિષમ પરિસ્થિતીમાં બચી શકાય.
ભાવનગર શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરો સહિતની જીવાતોના ઉપદ્રવથી રોગચાળો વધતો હોય છે ત્યારે આ રોગચાળો આગળ વધતો અટકાવવા મચ્છરોના ઉત્પતિ સ્થાનોની નિયમીત સફાઈ કરી દવા છંટકાવ કરવો, ખાડા-ખાબોચીયામાં ભરાઈ રહેતા બંધીયાર પાણીને વહેતુ કરવુ જોઈએ. ટાયરો, કુંડામાં સતત પાણી ભર્યુ ન રહે તેની કાળજી લેવી અને ગંદકી ન થાય તે માટે જાગૃતિ તેમજ સમજણ કેળવવી પડશે. શેરી, સોસાયટી, મહોલ્લાને સ્વયંભુ સ્વચ્છ રાખવાના પ્રયત્નો અને આગ્રહ રાખીએ. રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તેવો ખોરાક લઈએ,
કોરોના સામે લડતા લડતા ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકન ગુનીયા સામે પણ સાવચેતી અને સતર્કતાથી લડીએ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઈ થઈ રહી છે તેમ છતાં કોઈપણ જગ્યાએ વધુ પ્રમાણમાં કચરો હોય, કોહવાતુ હોય તો દરેક વોર્ડમાં સોલીડ વેસ્ટ વિભાગની કચેરી આવેલી છે તેમા ફરિયાદ કરવાની રહેશે તેમ ભાવનગર મહાપાલિકાના જાહેર આરોગ્ય કમિટિના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવેલ છે.
લોકોમાં જાગૃત અને સાવચેતી ખુબ જ જરૂરી છે ત્યારે વાહક જન્ય રોગોથી બચવા સહીયારા પગલા ભરીએ. રોગચાળો મુકત ભાવનગર બનાવીએ તેવી સંસ્કારી નગરીના નગરજનોને ચેરમેને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન શહેરમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાતુ હોય છે અને ગંદકી થતી હોય છે ત્યારે લોકોએ જાગૃત બની સ્વચ્છતા જાળવવી જરૂરી બની રહે છે. મહાપાલિકાએ પણ સ્વચ્છતા માટે ઝડપી અને સારી કામગીરી કરવી જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V6k1Is
No comments:
Post a Comment