
મુંબઇ,તા.18 જુન, 2020, ગુરુવાર
વિશ્વવિખ્યાત તાડોબા અંધારી વ્યાઘ્ર પ્રકલ્પની સીમાપર આવેલા સીતારામ પેઇ ગામ નજીક થોડા દિવસો પહેલા એક વાઘ અને તેનુ બચ્ચું મૃતાવસ્થામાં મળી આવ્યું હતું. વનવિભાગે આ મૃત્યુનું રહસ્ય ઉકેલી આ વિસ્તારના કોડેગાંવમાં રહેતા ત્રણ ગામવીસીઓની ધરપકડ કરી હતી. જંગલની અંદર દારૃ ગાળવો સરળ રહે તે માટે આ વાઘને ઝેર આપી તેમને મારી નાંખવામાં આવ્યાનું નિષ્પન્ન થયું છે.
વનવિભાગને આ ત્રણેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી વિદર્ભના જંગલોમાં મહુડાના ફુલોની આવક શરૃ થઇ જાય છે. આ સાથે જે ગેરકાયદે દારૃ ગાળવાના કાર્યની પણ શરૃઆત થાય છે. વિસ્તારમાં રહેતા સુર્યભાન ઠાકરે, શ્રવણ મડાવી અને નરેદ્ર દડમલ અહીં ગેરકાયદે દારૃ ગાળવાનું કામ કરતા હતા પણ અહીં વાઘ અને તેના બચ્ચાની કાયમ અવરજવર રહેતી હોવાથી આ વિસ્તારમાં દહેશત રહેતી હતી.
પરિણામે દારૃ ગાળવાનું સ રળ નહોતું. લોકડાઉનને પગલે દારૃ બંધી હોવાથી દારૃના ધંધામાં ખૂબજ તેજી નિકળી હોવાથી આ ત્રણેએ અમૂક જંગલી ભૂંડને પકડી તેમના પર ઝેરી પાવડર ચોંપડી દીધો હતો. વાઘ અને તેના બચ્ચાએ આ ભૂંડનો શિકાર કરી તેને ખાતા ઝેરની અસરને પગલે બન્નેનું મૃત્યુ થયું હતું. ૧૦ જૂન અને ૧૪ જૂનના બન્નેના મૃત દેહ વનવિભાગને મળ્યા હતા. વનવિભાગે આ બન્નેના વિસેરાના સેમ્પલ હૈદ્રાબાદની લેવામાં મોકલતા વિષ પ્રયોગ થયો હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ ઘટના બાદ વનવિભાગે વિવિધ ટીમો બનાવી કસીને તપાસ આદરી હતી અને આ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ આગળની તપાસ આરંભી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YdBosN
No comments:
Post a Comment