
- ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ડિફોલ્ટ : એસ્સેલ ગ્રુપ રૂ.૬૧૬ કરોડના એનસીડીઝની પાકતી મુદતે ચૂકવણી જવાબદારીમાં નિષ્ફળ
- એનસીડીઝ માટે ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈસીઝ, ડીશ ટીવી ઈન્ડિયા, અનલિસ્ટેડ ઈઆઈએલના શેરો અને સુભાષ ચંદ્રાની પર્સનલ ગેરંટી હતી
ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ એસ્સેલ ઈન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડ દ્વારા ઈસ્યુ કરાયેલા ઋણ-ડેટમાં ડિફોલ્ટ થયાનું ડિસ્ટ્રીબ્યુટરોને એક નોંધમાં જાહેર કરાયું છે. પાકતી મુદતે ઈસ્યુઅર-એસ્સેલ તેની મેચ્યુરિટી જવાબદારી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યાનું આ નોટમાં જણાવાયું છે.
આ મામલે મળતી જાણકારી મુજબ આ ડેટ-ઋણનું ગીરો મૂલ્ય એ ડેટ જે મૂલ્યે તેમની પાસે છે એના કરતાં ઘણુ વધુ છે. જેથી આ સ્કિમોની એનએવી પર કોઈ અસર નથી. આ પેપર-ડેટ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરો(એનસીડીઝ) સ્વરૂપમાં છે, જેને ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈસીઝ, ડીશ ટીવી ઈન્ડિયા, અનલિસ્ટેડ ઈઆઈએલના શેરો અને સુભાષ ચંદ્રાની પર્સનલ ગેરંટી સમર્થિત હોવાનું ફ્રેન્કલિનની નોટમાં જણાવાયું છે. અલબત એ સ્પષ્ટ નથી કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન એએમસી દ્વારા આ ગીરો પૈકી કોઈ વેચવાનો કે ચંદ્રાની પર્સનલ ગેરંટી વટાવવાનો પ્રયાસ કરાયો છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે ઝી એન્ટરટેઈન્મેન્ટના શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં રૂ.૩૬૦ થી ૫૪ ટકા ઘટીને રૂ.૧૬૫ આવી ગયો છે. જ્યારે ડીશ ટીવીના શેરનો ભાવ રૂ.૩૦ થી ઘટીને રૂ.૪.૬ આવી ગયો છે. એસ્સેલ ગુ્રપના પેપર-ડેટનું પાકતી મુદત-મેચ્યુરિટી મૂલ્ય રૂ.૬૧૬ કરોડ થાય છે, પરંતુ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન દ્વારા તેના ચોપડે અત્યારે મૂલ્ય માત્ર રૂ.૯૨ કરોડ મૂકવામાં આવ્યું છે. જે ફ્રેન્કલિનની ચાર સ્કિમો-ડાયનામિક એકરલ, ક્રેડિટ રિસ્ક, શોર્ટ ટર્મ ઈન્કમ પ્લાન અને લો ડયુરેશનના ૦.૧૬ ટકા થી ૧.૮૭ ટકા છે. આ નોંધમાં વધુ જણાવાયું છે કે ફ્રેન્કલિન દ્વારા લિગલ કાઉન્સેલની નિમણૂક કરાઈ છે અને મહત્તમ મૂલ્યની રિકવરી થઈ શકે એ માટે જરૂરી તમામ પગલાં લેવા સક્રિય વિચારણા થઈ રહી છે.
અન્ય મ્યુચ્યુઅલ ફંડો-એએમસીઝ જે વર્ષ ૨૦૧૯માં એસ્સેલ ગુ્રપના પેપરમાં રોકાણ ધરાવે છે એમાં એચડીએફસી, કોટક, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ સહિતનો સમાવેશ છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં જ્યારે ઈન્વેસ્કો ઓપનહેમર દ્વારા કંપનીમાં રૂ.૪૨૨૪ કરોડમાં ઈક્વિટી હોલ્ડિંગ ખરીદાયું ત્યારે કેટલાક ફંડ હાઉસો જેવા કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી, કોટક એએમસી અને એચડીએફસી એએમસીએ પોતાના નાણાં રિકવર કરી લીધા હતા અને અન્ય ફંડ હાઉસોએ તેમના નાણાંના અમુક રિકવર કર્યા હતા.
જો કે ત્યારબાદ વધુ ડિફોલ્ટ ચાલુ રહેતાં ઉદ્યોગને ફટકો પડયો છે. આદિત્ય બિરલા સન લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપની આ પ્રકારની એક ક્રેડિટ ઘટના જે નવેમ્બર ૨૦૧૯માં આદિલિન્ક ઈન્ફ્રા અને મલ્ટિ ટ્રેડીંગ લિમિટેડ દ્વારા ઈસ્યુ કરાઈ હતી એમાં ભોગ બની હતી. અત્રે નોંધનીય છે કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેની આ સમેટાયેલી છ ડેટ સ્કિમોની સમેટી લેવાની પ્રક્રિયા માટે સલાહકાર તરીકે કોટક મહિન્દ્રા બેંકની નિમણૂક કરી છે. જ્યારે સેબી દ્વારા પણ આ સમેટાતી સ્કિમોના યુનિટોને એક્સચેન્જો પર લિસ્ટ કરવાની પરવાનગી આપીને રોકાણકારોને એક્ઝિટનો મોકો આપવામાં આવ્યો છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zt3wyy
No comments:
Post a Comment