
નવી દિલ્હી,તા.23 મે 2020 શનિવાર
લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (વાસ્તવિક નિયંત્રણ રેખા - એલએસી) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પેંગોંગ ત્સો સરોવર નજીકના ફિંગર એરિયા વિસ્તારમાં ચીન બંકર બનાવી રહ્યું છે તો ગલવાન રિજનમાં ૩ જગ્યાઓ પર તેણે ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. ભારતની ઉત્તરીય સરહદે ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે તેવા જ સમયે પાકિસ્તાને પણ પીઓકેમાં વધારાનું સૈન્ય અને તોપો ખડકી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ યોગાનુયોગ હોઈ શકે નહીં. બંને પડોશી દેશોનું એક સાથે એક્ટિવ થવું એ ભારત માટે કારગીલ જેવા કોઈ મોટા કાવતરાંની આશંકા પેદા કરી રહ્યું છે. ચીન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આર્મી ચીફ મુકુંદ નરવાણેએ શનિવારે લદ્દાખની મુલાકાત લીધી હતી અને ટોચના અધિકારીઓને મળીને સ્થિતિની સમિક્ષા કરી હતી.
સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છ કે ચીન સાથેની નિયંત્રણ રેખા અને પાકિસ્તાન સાથેની અંકુશ રેખા પર થઈ રહેલી ગતિવિધિઓમાં તાલમેલ જોવા મળી રહ્યો છે અને તેને સંયોગ કહી શકાય નહીં. આ જ કારણે સલામતી એજન્સીઓ આ પ્રવૃત્તિઓ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે. બધી સરહદો પર વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે, જેથી બંને પડોશી મળીને કોઈ કાવતરું ઘડે તો તેમને જવાબ આપી શકાય. ચીન અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણમાં આર્મીના વડા મુકુંદ નરવાણેએ શનિવારે લદ્દાખની મુલાકાત લીધી હતી અને ઉત્તરીય કમાન્ડના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિની સમિક્ષા કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે લદ્દાખના ગલવાન રિજનમાં પહેલા કરતાં વધુ ભારે સૈન્ય વાહનો દેખાયા પછી તણાવ વધ્યો છે. ચીનના સૈનિકોએ લદ્દાખમાં ૩ પોઈન્ટ્સ પર ભારતીય ક્ષેત્રોનો ભંગ કર્યો છે. તેમાં પેટ્રોલ પોઈન્ટ ૧૪ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગોગરા પોસ્ટની નજીકની જગ્યાનો સમાવેશ થાય છે. અહેવાલો એવા સંકેત કરે છે કે તેમાંથી દરેક સ્પોટ પર ચીનના ૫૦૦થી વધુ સૈનિકો છે અને તે પણ ભારતીય ક્ષેત્રની અંદર.
ચીનના સૈનિકોની નિયુક્તી પછી ભારતીય સૈન્યે પણ આ વિસ્તારમાં વધુ સૈનિકો ગોઠવ્યા છે. પેંગોંગ ત્સો સરોવર નજીક ફિંગર એરિયામાં ચીન બંકર બનાવી રહ્યું હોવાના પણ અહેવાલ છે. ભારતીય જવાન ફિંગર ૫થી ૮ સુધીના વિસ્તારોમાં અનેક વર્ષોથી પેટ્રોલિંગ કરી રહ્યા છે જ્યારે ચીનના સૈનિક ફિંગર ૩ સુધીના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે. હવે ચીન ફિંગર ૩ અને ૪ની વચ્ચે બંકર બનાવી રહ્યું છે, જેનો આશય ભારતીય જવાનોને અન્ય વિસ્તારો સુધી પહોંચતા અટકાવવાનો છે.
એલએસી અને એલઓસી પર પાકિસ્તાન અને ચીનની હિલચાલે કારગીલ યુદ્ધની યાદ તાજી કરી દીધી છે. ભારત કારગીલમાં પાકિસ્તાનને હરાવી રહ્યું હતું તેવા સમયે ચીને પેંગોંગ ત્સો સરોવરના કિનારે વિક્રમી સમયમાં પાંચ કિ.મી. લાંબો રસ્તો બનાવી દીધો હતો.
ભૂતપૂર્વ ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર એસ. ડી. પ્રધાને જણાવ્યું કે ચીન પાકિસ્તાનનું જોડાણ પીઓકે અને અક્સાઈ ચીન ફરીથી પાછા મેળવવાના ભારતીય પ્રયાસોને ફટકો પહોંચાડી શકે છે. આ બંને ક્ષેત્રો ચીનના પ્રમુખ શી જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સીપીઈસી માટે ખૂબ જ મહત્વના છે. વધુમાં અફઘાનિસ્તાનમાં ભારતનો પ્રભાવ મર્યાદિત કરવા માટે પણ આ વિસ્તારો મહત્વના છે.
દરમિયાન ચીનના સૈનિકો માત્ર વ્યૂહાત્મક દૃષ્ટિએ જ નહીં પરંતુ એક વિશેષ આશયથી ભારતને ભારતીય ક્ષેત્રમાં જ રસ્તો બનાવતા અટકાવી રહ્યું છે તેમ નિષ્ણાતોનું માનવું છે. હકીકતમાં લદ્દાખના પર્વતીય વિસ્તારો યુરેનિયમ, ગ્રેનાઈટ, સોનું અને રેર અર્થ જેવી મૂલ્યવાન ધાતુઓથી ભરેલા છે. લદ્દાખના ગલવાન રિજનમાં જે જગ્યાએ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે તેની નજીક ગોગરા પોસ્ટ પાસે 'ગોલ્ડન માઉન્ટેન' છે. બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિના કારણે આ વિસ્તારનો સરવે થયો નથી, પરંતુ માનવામાં આવે છે કે આ વિસ્તારમાં સોના સહિત અનેક મૂલ્યવાન ધાતુઓ છુપાયેલી છે. અહીં અનેક વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા યુરેનિયમના ભંડાર છે. આ યુરેનિયમ પરમાણુ વીજળી બનાવવાની સાથે પરમાણુ બોમ્બ બનાવવા માટે પણ ઉપયોગી છે. ૨૦૦૭માં જર્મનીની લેબમાં લદ્દાખના ખડકોના નમૂનાની તપાસમાં ખુલાસો થયો હતો કે તેમાંથી ૫.૩૬ ટકા યુરેનિયમ મળ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36qkVE7
No comments:
Post a Comment