
ગાંધીનગર, તા.02 મે 2020, શનિવાર
ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઈવે ઉપર ખોરજ પાસે આવેલા કન્ટેનર ડેપોમાં આજે વહેલી સવારે કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. જેના પગલે ગાંધીનગર અને અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અહીં ર૦૦ જેટલા કન્ટેનરમાં કેમિકલ ભરેલું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં આગ પ્રસરતી અટકાવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી.
ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર ખોરજ પાસે મસમોટો કન્ટેનર ડેપો આવેલો છે. અહીંથી ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમાં પણ કન્ટેનરો મોકલવામાં આવતાં હોય છે. આ કન્ટેનર ડેપોમાં વિવિધ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની સાથે કેમિકલ સહિતના કન્ટેનરો આવતાં હોય છે ત્યારે આજે સવારના સમયે આ ડેપોમાં છ જેટલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગી ગઈ હતી. જેના પગલે ત્યાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. આ બુઝાવવાનો પ્રયાસ થયો હતો પરંતુ તેમાં સફળતા નહીં મળતાં ગાંધીનગર અને અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
જેના પગલે અમદાવાદથી છ અને ગાંધીનગરના બે ફાયર ફાઈટર મળી છ જેટલા વાહનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ વાહનો મારફતે પાણી અને ફોમનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગી તેની બાજુમાં જ ર૦૦ જેટલા અન્ય કેમિકલ ભરેલા કન્ટેનર પણ હતાં જો આગ અહીં પ્રસરી હોત તો તેમાં કાબુ મેળવવો મુશ્કેલ બન્યું હોત. પ્રાથમિક દ્રષ્ટીએ કન્ટેનરમાંથી કેમિકલ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું સુત્રો જણાવી રહયા છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zSHyFf
No comments:
Post a Comment