
ગાંધીનગર, તા.02 મે 2020, શનિવાર
અમદાવાદના કારણે ગાંધીનગર હવે હોટ સ્પોટ બનતું જાય છે. દિવસે અને દિવસે અમદાવાદ કનેક્શનથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. અગાઉ જે પોઝિટિવ આવ્યા હતા તેના ચેપથી સંપર્કમાં આવેલા ઘરના સભ્યો પોઝિટિવ આવવાનો સિલ સિલો થઇ ગયો છે. તો બીજી બાજુ અમદાવાદની હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ પણ કોરોનામાં સપડાઇ રહ્યાં છે.
ગાંધીનગરમાં બે દિવસ પહેલાં ૧૪ પોઝિટિવ કેસ આવતાં પોઝિટિવ દર્દીઓનો આંકડો ૫૦ને પાર પહોંચી ગયો હતો. તો ગઇકાલે ગાંધીનગરના અડાલજમાં એક જ પોઝિટિવ દર્દી મળી આવ્યો હતો. જ્યારે આજે ગાંધીનગર શહેરમાંથી છ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ આઠ મળી વધુ ૧૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. આ સાથે ગાંધીનગરમાં કોરોનાનો આંકડો ૬૭ સુધી પહોંચી ગયો છે. જે પૈકી ત્રણના મોત પણ નિપજ્યાં છે. આવી સ્થિતિમાં અમદાવાદના રૂટો આવશ્યક સેવાના કર્મચારીઓ માટે બંધ કરી દેવા જોઇએ તેવી માંગણી ઉઠી રહી છે.
સેક્ટર-2માં રહેતો ઉદ્યોગભવનના બાયોટેકનોલોજીનો સેવક સપડાયોે
ગાંધીનગરના ઉદ્યોગભવનમાં આવેલાં ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી સંસ્થાનો એક કર્મચારી પણ કોરોનામાં સપડાયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે બાયોટેકનોલોજીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો અને સેક્ટર-૨/બીમાં રહેતો ૩૧ વર્ષિય યુવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારી કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીનો રીપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય કર્મચારી - અધિકારીઓના જીવ પડીકે બંધાયા છે. તો બીજી બાજુ આ યુવાનને ચેપ ક્યાંથી લાગ્યો તે અંગે યુવાન કંઇ જાણતો નથી અને આરોગ્ય વિભાગ પણ હજુ સુધી સંક્રમણ ક્યાંથી થયું તેની શોધ કરી શક્યાં નથી.
તો બીજી બાજુ આ યુવાનના ઘરમાં રહેતાં તેની પત્નિ, ચાર વર્ષની પુત્રી અને માતાને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એમએસ બિલ્ડીંગમાં બાયોટેકનોલોજી સંસ્થાની લેબોરેટરી છે તેમાં કોરોનાના સેમ્પલનું પણ પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે આજ સંસ્થાની ઉદ્યોગ ભવનમાં આવેલી કચેરીમાં આ યુવાન કામ કરતો હતો ત્યારે ચેપ લાગવાની શક્યતા આ લેબોરેટરી અથવા તેમાં કામ કરતાં કર્મચારી હોઇ શકે. તો બીજી બાજુ સે-૨/બીમાં આ યુવાન રહે છે જ્યાં અગાઉ ત્રણ કેસ પોઝિટિવ મળી આવ્યા છે.
સે-૨માં રહેતાં લેબ ટેકનિશીયનના 70 વર્ષિય માતા કોરોના પોઝિટિવ
અમદાવાદના સિવિલ સંકુલમાં આવેલાં કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં લેબ ટેકનિશીયન તરીકે ફરજ બજાવતાં અને ગાંધીનગર શહેરના સેક્ટર-૨/બીમાં રહેતાં ૫૩ વર્ષિય પુરુષનો રીપોર્ટ બે દિવસ પહેલાં પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને આ પોઝિટિવ લેબ ટેકનિશીયનની પત્નિ અને માતાને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતાં. કવોરેન્ટાઇન દરમિયાન ટેસ્ટ કરાતાં તેની ૭૦ વર્ષિય માતાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પોઝિટિવ વૃધ્ધાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી છે. તો સેક્ટર-૨/બીના આ પોઝિટિવ દર્દીના નિવાસસ્થાન પાસે જડબેસલાક બંધ પાળવવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ સેક્ટર-રના આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બીનજરૂરી ફરતાં લોકો સામે તંત્રએ લાલ આંખ કરવાનું નક્કી કર્યું છે અને દિવસ અને રાત પોલીસે પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે સે-૨બીમાં અત્યાર સુધી પાંચ પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યાં છે.
સેટેલાઇટમાં ફુડ ડિલિવરી કરતો ઝુંડાલનો ઝોમેટો બોય સુપર સ્પ્રેડર!
અમદાવાદ કનેક્શનના કારણે ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં ફરીને ફુડ ડિલિવરી કરતો ઝુંડાલનો યુવાન ડિલિવરી બોય પોઝિટિવ આવ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર તાલુકાના ઝુંડાલ ખાતે આવેલી પરમેશ્વર-૩ સોસાયટીમાં રહેતો ૩૮ વર્ષિય યુવાન છેલ્લા ઘણા વખતથી ફુડ ડિલિવરી સર્વિસ ઝોમેટોમાં નોકરી કરે છે.
લોકડાઉનના સમયમાં પણ આ યુવાન અમદાવાદના બોપલ, સેટેલાઇટ, ગોતા, ઇસ્કોન જેવા વિસ્તારમાં જઇને ઓર્ડર પ્રમાણે ફુડ ડિલિવરી કરતો હતો. બે દિવસ પહેલાં તેને શારીરિક તકલીફ જણાતાં તેણે કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. હાલ આ ડિલિવરી બોયને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો બીજી બાજુ તેના પરિવારના સાત સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ડિલિવરી બોય હોવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં ઘણા બધા વ્યક્તિઓને મળ્યો હતો તેથી આ સુપર સ્પ્રેડર બાબતે અમદાવાદના સંબંધિત વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
કલોલ શહેરમાં એક જ દિવસમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં
કલોલમાં એક જ દિવસમાં બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ બંને કેસમાં અગાઉ અન્ય બિમારીની સારવાર માટે વિવિધ હોસ્પિટલોની મુલાકાત લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવે છે. કલોલની હરીદર્શન સોસાયટીમાં રહેતી પ૦ વર્ષિય મહિલા કોરોના પોઝિટિવ આવી છે. આ મહિલાને સ્ટોનની તકલીફ હતી. જેની સારવાર માટે ગત બુધવારે હર્ષ સર્જીકલ હોસ્પિટલ ખાતે ગઇ હતી. ત્યાંથી તેને અન્ય રીપોર્ટ કરાવવા માટેની સલાહ આપતાં તેણી વેદમ હોસ્પિટલ કલોલ તથા ગોપાલ ઇમેજીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. તો ગઇકાલે અમદાવાદ ખાતે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ પણ આપ્યું હતું. જે આજે પોઝિટિવ આવ્યું હતું. તેઓના ઘરમાં ચાર સભ્યો કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં આવેલી આશાદીપ સોસાયટીમાં રહેતાં ૬૮ વર્ષિય વૃદ્ધનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ગત તા.૨૮ના રોજ તેઓને પગમાં લકવાની અસર હોવાથી સારવાર અર્થે નિરવ હોસ્પિટલ કલોલ ખાતે ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ હૃદયની તકલીફ જણાતાં સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતાં. બે દિવસ પહેલા તેમનો ટેસ્ટ કરાતાં ગઇકાલે તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ દર્દીના સંપર્કમાં આવેલા આઠ વ્યક્તિઓને ફેસેલીટી કવોરેન્ટાઇન કરાયાં છે.
સે-૨૨માં રહેતી અમદાવાદ કીડની હોસ્પિટલની નર્સ સંક્રમિત
સામાન્ય રીતે દવાખાનામાં દર્દીઓ દવા અને સારવાર લેવા માટે જતાં હોય છે પરંતુ હાલની સ્થિતિમાં હોસ્પિટલ કોરોના જેવા પ્રાણઘાતક રોગ ફેલાવાનું કામ કરી રહ્યાં છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સિવિલ સંકુલ સૌથી મોટું હોટ સ્પોટ બની રહ્યું છે. અમદાવાદ સિવિલ સંકુલમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત કીડની હોસ્પિટલ ઉપરાંત રીસર્ચ સેન્ટર આવેલાં છે. જેમાં કામ કરતાં મેડીકલ અને પેરા મેડિકલ સ્ટાફ તબક્કાવાર કોરોનાથી સંક્રમિત થઇ રહ્યો છે. જ્યારે ગાંધીનગરના સેક્ટર-રરના પુષ્પક એપાર્ટમેન્ટમાં રહેતી અને અમદાવાદની કીડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી રપ વર્ષિય યુવતિ પણ હોસ્પિટલથી સંક્રમિત થઇ છે. સ્થાનિક તંત્ર દ્વારા આ નર્સના ઘરે સેનેટાઇઝેશન સહિતની કામગીરી કરવામાં આવી છે. તો બીજી બાજુ નર્સના પતિ, સાસુ - સસરા અને આઠ માસના બાળકને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
દહેગામના હરખજીના મુવાડા અને ઇસનપુર ડોડીયામાં કેસ
જિલ્લાના દહેગામમાં પણ અમદાવાદના કનેક્શનના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. હરખજીના મુવાડામાં રહેતા ૭૫ વર્ષિય વૃધ્ધા આજે પોઝિટિવ આવ્યા છે. આ પોઝિટિવ વૃધ્ધાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા ચાર સભ્યોને કવોરેન્ટાઇન કરાયાં છે. આ ઉપરાંત ઇસનપુર ડોડીયામાં રહેતા ૩૦ વર્ષિય યુવાન પણ પોઝિટિવ આવ્યો છે. જેની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દહેગામમાં અત્યાર સુધી કોરોના દર્દી નવ નોંધાઇ ચુક્યાં છે.
સે-24માં ડ્રાઇવર બાદ તેની પત્નિ અને યુવાન પુત્ર પણ કોરોનાગ્રસ્ત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલાં લગભગ તમામ દર્દીઓ અમદાવાદ કનેક્શન ધરાવે છે. ત્યારે ગાંધીનગર શહેરમાં વસ્તીની દ્રષ્ટીએ સૌથી ગીચ એટલે કે સે-૨૪માંથી બે દિવસ પહેલાં પોઝિટિવ આવેલાં દર્દીને ચેપ ક્યાંથી લાગ્યો તેનો તંત્રને હજી સુધી કોઇ ખ્યાલ આવ્યો નથી. ત્યારે આ પ૦ વર્ષિય આધેડ અને ડ્રાઇવરના વ્યવસાય સાથે જોડાયેલાં આ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વધુ બે વ્યક્તિઓ કોરોનામાં સપડાયાં છે. બે દિવસ પહેલાં સેક્ટર-૨૪ શ્રીનગરમાં રહેતા ૫૦ વર્ષિય આધેડ પોઝિટિવ આવ્યા બાદ તેની પત્નિ અને પુત્રને કવોરેન્ટાઇન કરાયાં હતાં. બે દિવસ બાદ તેમનો ટેસ્ટ કરાતાં તેઓ આજે પોઝિટિવ આવ્યા છે. આ બંને પોઝિટિવ દર્દીઓને પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં છે.
સેક્ટર-3/ન્યુમાં વધુ એક પોઝિટિવ કેસ મળી આવ્યો
ગાંધીનગર શહેરના છેવાડાના સેક્ટર-૩/ન્યુમાં રહેતો તબીબી યુવાન અગાઉ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારને કન્ટેન્ટમેઇન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો હતો અને સેક્ટરમાં પ્રવેશતા દરેક માર્ગ ઉપર ચોકી પહેરો મુકી દેવામાં આવ્યો હતો. ત્યારે એક મહિના અગાઉ અમદાવાદના હોટ સ્પોટ વિસ્તાર સરસપુરથી ગાંધીનગર પોતાના સાસુના ઘરે આવેલાં ૪૦ વર્ષિય પુરુષ કોરોનામાં સપડાયાં છે. આ પોઝિટિવ પુરુષ સેક્ટર-૩/ન્યુમાં તેમના સાસુના ઘરે એક મહિનાથી રહેતાં હતાં. જેમનો ગાંધીનગર સિવિલમાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં સાસુ - સસરા સહિત તેની પત્નિ, આઠ વર્ષની દીકરી અને તેનો સાળો પણ રહે છે. જેઓ આ પોઝિટિવ પુરુષના સંપર્કમાં આવેલા હોવાના કારણે તેમને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
વાવોલમાં કોરોનાનો પ્રથમ કેસ મળ્યો : 26 વર્ષિય યુવાન સપડાયો
ગાંધીનગર શહેરને અડીને આવેલાં વાવોલમાંથી કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ આજે મળી આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે વાવોલના સિધ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા અને જુના સચિવાલયના બ્લોક નં.૧૦માં નોકરી કરતાં ૨૬ વર્ષિય યુવાનને ઘણા વખતથી ગળામાં તકલીફ રહેતી હતી. જેને લઇને તેમણે કોરોનાની હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ યુવાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી.
તો શંકાસ્પદ લાગતાં સ્થાનિક આરોગ્યની ટીમે પણ તેમની મુલાકાત લીધી હતી. તેમ છતાં તેમને કોઇ ફેર નહીં પડતાં ગઇકાલે તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા ત્યાં તેમનું ટેસ્ટ કરાતાં તે પોઝિટિવ આવ્યો હતો. આ યુવાન જુના સચિવાલય બ્લોક નં.૧૦માં નોકરી કરે છે અને તા.૧૬ એપ્રિલ પછી તે નોકરી ઉપર ગયો નથી. જ્યારે સે-૨૧ની બેકરીમાં પણ આ યુવાન બે વખત ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોઝિટિવ યુવાનના પાંચ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સિવિલમાં ઓપરેશન કરાયાં બાદ ઉવારસદના આધેડ કોરોનાગ્રસ્ત
ગાંધીનગર તાલુકાના ઉવારસદમાં આવેલાં ચરેડી (રહે.દંતાણીવાસ) ૪૫ વર્ષિય પુરુષને તાવ અને ખાંસીની ફરિયાદ હતી. જેને લઇને તેઓનું ગઇકાલે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે પોઝિટિવ આવતાં આ આધેડને ગાંધીનગર સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ આધેડે તા.૧૧ એપ્રિલના રોજ સારનગાંઠનું ઓપરેશન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરાવ્યું હતું.
જેને તા.૧૪ એપ્રિલના રોજ રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ તબક્કાવાર તા.૧૭, ૨૩ અને ૨૪ના રોજ તેણે ડ્રેસીંગ અને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે દરમિયાન આધેડને ચેપ લાગ્યો હોવાની શક્યતા આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે. હાલ આ આધેડના પત્નિ ગાંધીનગર સિવિલમાં છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા આઠ વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઇન તથા ૧૭ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારને સેનેટાઇઝ કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે.
કલોલમાં ફરજ બજાવતો બદપુરાનો પોલીસ જવાન કોરોનામાં સપડાયો
હાલ પોતાના અને પોતાના પરિવારના જીવના જોખમે પોલીસ, આરોગ્ય સહિત અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરી રહ્યાં છે. ગુજરાતના સેંકડો કોરોના વોરિયર્સ હાલ કોરોનામાં સપડાયાં છે. તેવી સ્થિતિમાં કલોલ શહેર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે જેઓ માણસાના બદપુરામાં રહે છ તે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ચાર દિવસ પહેલાં આ બદપુરામાંથી એક પોઝિટિવ દર્દી મળી આવતાં આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ હાથ ધર્યું હતું.
જે દરમિયાન બદપુરામાં રહેતા ૩૨ વર્ષિય પોલીસ જવાનને ગળામાં કફ સહિતની તકલીફ હતી. જેથી તેમનો ગઇકાલે સેમ્પલ લેવાયો હતો. આજે પોલીસ જવાનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને ગાંધીનગર સિવિલ મોકલી આપવામાં આવ્યા છે.
બહેરામપુરથી આવેલાં ચડાસણાના પિતા-પુત્રથી 65 વર્ષિય દાદી સંક્રમિત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં અમદાવાદ અવર જવર કરતાં લોકોને કારણે કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. દિવસે અને દિવસે પોઝિટિવ દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. અમદાવાદ કેસ વધતાં ૩૮ વર્ષિય પિતા તેના છ વર્ષના પુત્રને લઇને માદરે વતન ચડાસણા આવી ગયા હતા. અહીં આવ્યા બાદ કવોરેન્ટાઇન રહેલાં આ પિતા-પુત્રનો ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. જેથી આ છ વર્ષના બાળકની માતા તથા તેની ૬૫ વર્ષિય દાદીને કવોરેન્ટાઇન કરાયા હતાં. બે દિવસ થઇ ગયા બાદ દાદીનો રીપોર્ટ કરતાં તે આજે પોઝિટિવ આવ્યો છે. આમ કહી શકાય કે ચેપ ન લાગે તે માટે અમદાવાદથી ભાગીને વતનમાં આવેલાં વ્યક્તિએ પોતાના જ ઘરમાં ચેપ લગાડયો. ઉલ્લેખનીય છે કે, આજે પોઝિટિવ આવેલા ૬૫ વર્ષિય દાદી ચડાસણામાં જ રહેતાં હતાં.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WjZfoF
No comments:
Post a Comment