
ગાંધીનગર, તા. 3 મે 2020, રવિવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીના કેસ દિવસે અને દિવસે વધી રહ્યાં છે. ગઇકાલે એક જ દિવસમાં ૧૮ પોઝિટિવ દર્દીઓ નોંધાવાની સાથે ગાંધીનગરમાં કોરોનાનો આંકડો ૬૭ સુધી પહોંચી ગયો હતો. ત્યારે બે દિવસ પહેલાં અડાલજમાં રહેતાં ૬૮ વર્ષિય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તેમનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગાંધીનગરમાં આ સાથે કોરોના પોઝિટિવ ચાર વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે ગાંધીનગર શહેરમાં સેક્ટર-૨૪ અને સેક્ટર-૨૧માંથી એક-એક પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જ્યારે દહેગામના વાસણા ચૌધરી ગામમાં રહેતો પોલીસ જવાન પણ કોરોનામાં સપડાયો છે.
આ અંગે આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે અડાલજના સ્વાગત સીટીમાં રહેતાં ૬૮ વર્ષિય વૃધ્ધ તા.૧૮ એપ્રિલના રોજ અમદાવાદ દાણીલીમડા - બહેરામપુરા ખાતે મરણ પ્રસંગે ગયા હતા. ત્યારબાદ તેમને બીપીની અને ઝાડા ઉલ્ટીની તકલીફ રહેતી હતી. અડાલજના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમનો કોરોના ટેસ્ટ કરાવતાં તે તા.૧ મેના રોજ પોઝિટિવ આવ્યા હતા. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપ્યા હતાં.
જ્યારે તેમના સંપર્કમાં આવેલા સાત વ્યક્તિઓને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે અશક્તિ અને બીપી લો થઇ જવાના કારણે તેઓ રીકવર થઇ શક્યા ન હતા. આજે તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા. સિવિલમાંથી તેમના મૃતદેહને ડબલકોટેડ પોલીથીનમાં ચેપ બહાર ન ફેલાય તેવી રીતે રાખવામાં આવ્યો હતો અને આજે ગાંધીનગરના અંતિમધામમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ગાંધીનગર શહેરમાં ગઇકાલે રાત્રે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. સેક્ટર-૨૪ના શ્રીનગરમાં રહેતાં ડ્રાઇવર અને તેની પત્નિ તેમજ યુવાન પુત્ર કોરોનામાં સપડાયા છે ત્યારે આ યુવાન પુત્રના સંપર્કમાં આવેલા આ શ્રીનગર વિસ્તારમાં જ રહેતો વધુ એક યુવાન કોરોમાં સપડાયો છે. ૨૪ વર્ષિય આ યુવાન પોઝિટિવ આવતાં તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ યુવાનના સંપર્કમાં આવેલા સાત વ્યક્તિઓને કવોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે સેક્ટર-૨૪ શ્રીનગરમાં રહેતો ૪૧ વર્ષિય યુવાન પણ કોરોનામાં સપડાયો છે. ધોબી કામના વ્યવસાય સાથે સંકળાયેલા આ ૪૧ વર્ષિય યુવાન શ્રીનગરમાં રહે છે અને અગાઉ પોઝિટિવ આવેલાં શ્રીનગરના યુવાન સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ધોબી પરિવારના દસથી વધુ વ્યક્તિઓને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કલોલના વડસરમાં આવેલા એરફોર્સ સ્ટેશનમાં રહેતા ૪૭ વર્ષિય જવાનને છેલ્લા ઘણા દિવસોથી ગળામાં બળતરા અને શારીર દુઃખતું હતું. એરફોર્સની હોસ્પિટલમાં તેને ઓપીડી સારવાર અને દવા આપવામાં આવી હતી તેમ છતા તેની તકલીફ દુર થઇ ન હતી અને તાવ પણ આવતો હતો જેથી તેને તા.૩૦મીએ એરફોર્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ગઇકાલે તેનો ટેસ્ટ કરવામાં આળ્યો હતો જે કોરોના પોઝિટિવ આવ્યો છે. આ જવાનની પત્નિ અને પુત્રી સહિત છ વ્યક્તિઓને આઇસોલેટેડ રાખવામાં આવ્યા છે.
વા.ચૌધરીમાં રહેતો કલોલ પોલીસ સ્ટેશનનો વધુ એક જવાન ચેપગ્રસ્ત
માણસા તાલુકાના બદપુરા ગામમાં અગાઉ પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન કલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૩૨ વર્ષિય પીએસઓ પોઝિટિવ આવ્યા હતા. આ પીએસઓના સંપર્કમાં આવેલાં અને દહેગામના વાસણા ચૌધરીમાં રહેતા ૩૯ વર્ષિય જવાનને પણ શંકાજતાં તેમણે પણ ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. વા.ચૌધરીના પોઝિટિવ જવાન કલોલ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે સેવા આપે છે ત્યારે પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેના ઘરની મુલાકાત લઇને બે વ્યક્તિઓને ફેસેલીટી તથા નવ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કર્યા છે.
આલમપુર શાકમાર્કેટમાં નોકરી જતો જામળાનો યુવક પોઝીટીવ
કલોલમાં કોરોના પોઝીટીવના કુલ છ કેસ નોંધાયા છે. જેમાં જામળા ગામે રહેતો અને આલમપુર શાકમાર્કેટમાં નોકરી કરતો રર વર્ષિય રાજેશ રાવળ પણ કોરોનામાં સપડાયો છે. રાજેશને તાવ આવતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી તેના ઘરના ચાર સભ્યોને ફેસેલિટી કવોરેન્ટાઇન કરાયા છે. તેમજ આજુબાજુના ઘરના લોકોના પણ ૧૫ સેમ્પલ લેવામાં આવ્યા છે અને સર્વે કરી આ વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યું છે. એમ બ્લોક હેલ્થ ઓફિસર ડો.હર્ષદ પ્રજાપતિએ જણાવ્યું હતું.
બાપુનગરથી આવેલાં પુંધરાના વૃધ્ધા કોરોનામાં સપડાયાં
માણસા તાલુકાના પુંધરામાં રહેતા ૬૦ વર્ષિય વૃધ્ધા લોકડાઉન પહેલાં તેમના નાના દિકરા -પુત્ર વધુ સાથે અમદાવાદ સિવિલ ગયા હતા. જો કે આ વૃધ્ધા અમદાવાદ સિવિલમાં ગયા ન હતા અને બાપુનગર રહેતાં તેમના મોટા દિકરાના ઘરે ગયા હતા. જ્યાં તેઓ ઘણો વખત રોકાયા હતા. ત્યારબાદ તા.૨૬ એપ્રિલના રોજ તેઓ પુંધરા પોતાના વતન પરત ફર્યા હતા. અમદાવાદથી આવ્યા હોવાના કારણે ગઇકાલે તેમનો ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમની સાથે રહેતાં ત્રણ સભ્યોને ફેસેલીટી તથા ૧૨ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરાયાં છે.
ઝુંડાલમાં રહેતાં સિવિલના નર્સનો પુત્ર ચેપગ્રસ્ત થયો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં હાલ પોઝિટિવ દર્દીઓ દાખલ છે જેની સારવાર ચાલી રહી છે ત્યારે આ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં અને ઝુંડાલ શ્યામસુંદર બંગલોઝમાં રહેતાં નર્સનો દિકરો કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ૨૩ વર્ષિય આ યુવાન હાલ અભ્યાસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. થોડા દિવસ અગાઉ તેને કફ સહિતની તકલીફ થઇ હતી. જેને લઇને ગઇકાલે તેનો ટેસ્ટ કરાયો હતો. જે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં તેની નર્સ માતાના સંપર્કથી આ યુવાનને ચેપ લાગ્યો હોવાનું આરોગ્ય વિભાગે પ્રાથમિક તારણ મેળવ્યું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WpYGcP
No comments:
Post a Comment