
ગાંધીનગર, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
રાજ્ય સરકાર દ્વારા લર્નીંગ લાયસન્સ એટલે કે, કોમ્પ્યુટર ટેસ્ટ તાલુકાકક્ષાની આઇટીઆઇમાં લેવાનો નિર્ણય કર્યા બાદ ગાંધીનગર જિલ્લામાં વેઇટીંગનો સમય વધી ગયો છે. એક સમયે ગાંધીનગર આરટીઓમાં રોજના ૧૮૦ જેટલા લર્નીંગ લાયસન્સ નિકળતા હતા તો હાલની સ્થિતિમાં ગાંધીનગર જિલ્લાની ચાર તાલુકાની ચાર આઇટીઆઇ અને એક પોલીટેકનીક મળીને કુલ પાંચ સેન્ટરમાં રોજ ૬૦ ટેસ્ટ જ લેવામાં આવે છે. રોજ બે કલાક જ સમય ટેસ્ટ માટે ફાળવવાને કારણે વેઇટીંગ પણ બે મહિના સુધીનું થઇ ગયું છે.
રાજ્ય સરકાર દ્વારા તાલુકાના અરજદારોને નજીકમાં સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકાની આઇટીઆઇમાં લર્નીંગ લાયસન્સના ટેસ્ટની સુવિધા ઉભી કરી છે પણ સામે આરટીઓમાં જે કાચા લાયસન્સ કાઢવામાં આવતા હતા તે બંધ કરી દિધા છે. જેના કારણે હાલ આ આઇટીઆઇ અને પોલીટેકનીકમાં અરજદારોનો ટ્રાફિક ખુબ જ વધી ગયો છે.
લર્નીંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારોની સંખ્યા વધી રહી છે તો બીજી બાજુ આઇટીઆઇમાં કોમ્પ્યુટર ઓછા હોવાની સાથે ફક્ત બે જ કલાક લર્નીંગ લાયસન્સ કાઢી આપવામાં આવે છે તેના કારણે વેઇટીંગ વધી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં ગાંધીનગર, કલોલ, દહેગામ અને માણસાની આઇટીઆઇમાં બપોરે બે કલાક દરમિયાન તાલીમબધ્ધ ઇન્સ્ટ્રક્ટર મારફતે કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ લેવામાં આવે છે. બપોરે બે કલાક દરમિયાન ગાંધીનગરમાં ૨૪ જ્યારે કલોલ-માણસા અને દહેગામમાં ૧૨-૧૨ ટેસ્ટ વધુમાં વધુ લેવામાં આવે છે.
આમ, એક દિવસમાં જિલ્લાની ચારેય આઇટીઆઇમાં થઇને કુલ ૬૦ ટેસ્ટ લઇ શકાય છે આ ઉપરાંત ગાંધીનગર પોલીટેકનીકમાં પણ રોજના છ ટેસ્ટ લેવામાં આવે છે એટલે ગાંધીનગર જિલ્લામાં રોજના ૬૬ ટેસ્ટ જ લેવામાં આવે છે.એક બાજુ જ્યારે ગાંધીનગર આરટીઓમાં લર્નીંગ લાયસન્સ કાઢવામાં આવતા હતા ત્યારે દિવસના ૧૮૦ લાયસન્સ માટે ટેસ્ટ લેવાતા હતા તેની સાથે હાલની સ્થિતિએ ચાર આઇટીઆઇ અને એક પોલીટેકનીક એમ કુલ મળીને ફક્ત ૬૬ ટેસ્ટ જ રોજના કાઢવામાં આવે છે.આવી સ્થિતિમાં વેઇટીંગ ખુબ જ વધી ગયું છે લગભગ દરેક આઇટીઆઇમાં લર્નીંગ લાયસન્સ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવામાં આવે તો બે મહિના પછીની તારીખ મળે છે. આવી સ્થિતિમાં આઇટીઆઇમાં ટેસ્ટ માટેનો સમય વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SgBv3T
No comments:
Post a Comment