
ગાંધીનગર,તા.05 ફેબ્રુઆરી 2020 બુધવાર
ગાંધીનગર શહેર નજીક કુડાસણમાં કોર્પોરેશન દ્વારા ગુડાની જગ્યામાં રેઈન બસેરા બનાવવાનું કામ શરૂ થયું હતું પરંતુ રહેણાંક વિસ્તારને અડીને જ આ બસેરા બનતાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગઈકાલે રાત્રે મેયરને રજૂઆત કરી હતી.
જેના પગલે આજે મેયરે ગાંધીનગર મ્યુનિ.કમિશનર સાથે પ્રભારી મંત્રીની મુલાકાત લઈ આ મામલે રજુઆત કરી હતી અને મંત્રીએ મેયરને આ અંગે નિર્ણય લઈ લેવા સૂચના આપી હતી. જેથી તેમણે તાત્કાલિક અસરથી કામ બંધ કરાવી દીધું છે અને હવે અન્ય કોઈ વિસ્તારમાં રેઈન બસેરા બનાવવા જગ્યા શોધવા માટે કમિશનરને તાકીદ કરી દીધી છે. છેલ્લા ચાર દીવસથી વસાહતીઓએ ચલાવેલી લડત આખરે રંગ લાવી છે.
ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન ર૦૧૧થી અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ અહીં શ્રમજીવીઓને રહેવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે ગુડા દ્વારા શહેરની બહાર કુડાસણ વિસ્તારમાં રેઈન બસેરા બનાવવા માટે કોર્પોરેશનને જગ્યા આપવામાં આવી હતી અને આ જગ્યા ઉપર કોર્પોરેશન દ્વારા હાલ રેઈન બસેરા બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
જેના પગલે આસપાસની રાજધાની વસાહત, શ્યામ રેસીડેન્સી દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે અહીં રેઈન બસેરા બનવાથી જાહેર મિલકતને નુકશાન થવાની સાથે અસામાજીક પ્રવૃતિ વધવાની શકયતા પણ જણાઈ રહી છે તેમ છતાં આ કામ અટકાવાયું નહોતું અને પોલીસ બંદોબસ્ત સાથે કમિશનરે કામ ચાલુ જ રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ગઈકાલે રાત્રે પણ આ કામ ચાલુ રહેતા આ વિસ્તારની મહિલાઓ રજુઆત માટે મેયરના બંગલે પહોંચી ગઈ હતી.
જેથી મેયર રીટાબેન પટેલે આજે મ્યુનિ.કમિશનર સાથે પ્રભારી મંત્રી કૌશિકભાઈ પટેલની મુલાકાત લીધી હતી અને તેમને આ પ્રશ્નનો હલ લાવવા રજુઆત કરી હતી. જો કે મંત્રીએ પણ આ મામલે મેયરને યોગ્ય નિર્ણય લઈ લેવા માટે કહયું હતું.
જેથી મેયરે આ મામલે વસાહતીઓની રજુઆતને ધ્યાને રાખી અહીં રેઈન બસેરા બનાવવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે અને કામ પણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયું છે. તો બીજી બાજુ મ્યુનિ.કમિશનરે રેઈન બસેરા બનાવવા માટે અન્ય કોઈ વિસ્તારની જગ્યા શોધવા માટે સૂચના આપી હતી. વસાહતીઓએ ચાર દિવસ સુધી ચલાવેલા આંદોલનને પગલે આખરે તેમને આ વિસ્તારમાં રેઈન બસેરાથી મુક્તિ મળી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31vWJ0Y
No comments:
Post a Comment