
ગાંધીનગર,તા. 11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
ગાંધીનગર મહાનગરપાલિકાનું ગઈકાલે ૩૦૪ કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિ.કમિશનરે રજુ કર્યા બાદ તેમાં સફાઈ અને મિલકતવેરામાં ઝીંકાયેલા તોતીંગ વેરા વધારાનો ઠેરઠેર વિરોધ નોંધાઈ રહયો છે ત્યારે વિપક્ષ નેતાએ પણ આ મામલે સ્થાયી સમિતિને પત્ર લખ્યો છે અને કહયું છે કે બજેટમાં સુચવેલા તમામ કરવેરા સર્વાનુમતે નામંજુર થશે તો જ બજેટ સર્વાનુમતે મંજુર થશે. જો આ વેરા નાબુદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પ્રજાને સાથે રાખી આંદોલન કરશે. સરકાર પાસેથી મિલકત વેરાના બાકી નીકળતાં ત્રીસ કરોડ વસુલી નહીં શકતું કોર્પોરેશન પ્રજાને નવા કરવેરાના કોરડા ઝીંકી રહયું છે.
રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાનું ગઈકાલે વર્ષ ર૦૨૦-૨૧નું ડ્રાફટ બજેટ મ્યુનિ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. ૩૦૪.૮૬ કરોડના આ ડ્રાફટ બજેટમાં ગાંધીનગરમાં મિલકત અને સફાઈ વેરામાં વધારો સુચવવામાં આવ્યો હતો. ૧૪૦ ટકાના આ વધારાની જોગવાઈ મામલે હવે વિરોધનો સૂર ઉભો થયો છે ત્યારે કોર્પોરેશનમાં વિરોધપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ આ મામલે સ્થાયી સમિતિ ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ બજેટમાં ફકત અને ફકત કરવેરા વધારવા સિવાય બાકી કાંઈ નવીન કામ નથી.
હાલ દરેક ક્ષેત્રમાં મોંઘવારીએ માઝા મુકી છે અને પ્રજા મોંઘવારીથી ખુબજ ત્રસ્ત છે તો વધુ કરવેરાના નામે પ્રજાને બાનમાં લેવી ના જોઈએ. સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં દર્શાવેલ તમામ વધારાના કરવેરાને નામંજુર કરીને પ્રજાને આ ભારણમાંથી ઉગારી લેવી જોઈએ. ગાંધીનગર કોર્પોરેશન પાસે ફકત અને ફકત સફાઈ સીવાય કોઈ જ કામગીરી નથી અને તેમાં પણ સંપૂર્ણપણે સફળતા મળતી નથી તો પ્રજા ઉપર વધારાનો કરવેરો શું કામ નાંખવો જોઈએ તે સમજાતું નથી.
બજેટમાં કરવેરાની આવકના નામે મોટા મોટા આંકડાઓ રજૂ કરાયે છે અને આ વેરો વસુલવા ફકત સામાન્ય નગરજનો ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે. સરકાર પાસેથી બાકી ૩૦ કરોડ રૂપિયાનો મિલકતવેરો વસુલવામાં આવતો નથી અને પ્રજા ઉપર કરવેરાના નામે નવા કોરડા ઝીંકવામાં આવી રહયા છે. કોર્પોરેશન હદ વિસ્તારમાં વધારો પણ તિજોરી ભરવા માટે થઈ રહયો છે. ત્યારે સ્થાયી સમિતિ બજેટમાં સૂચવેલા નવા કરવેરા નહીં ફગાવે તો કોંગ્રેસ પક્ષને સામાજીક સંસ્થાઓ અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
વસાહત મહામંડળ અને અસરગ્રસ્ત મંડળે પણ
શહેરમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોએ તો હયાત વેરા જ ઘટાડવા માટે રજુઆત કરીવેરાનો વિરોધ નોંધાવ્યો
ગાંધીનગર કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં સફાઈ અને મિલકતવેરામાં વધારો સૂચવવામાં આવ્યો છે ત્યારે આ મામલે હવે વસાહત મહામંડળોએ પણ વિરોધ નોંધાવ્યો છે અને નવા કરવેરા નહીં લાદવા માટે સ્થાયી સમિતિને રજૂઆત કરી છે.જેથી હવે આ મામલે સ્થાયી સમિતિ જ નિર્ણય લેશે.
કોર્પોરેશનના ડ્રાફટ બજેટમાં કમિશનર દ્વારા સુચવવામાં આવેલા મિલકત અને સફાઈ વેરાના વધારાનો શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણ બુચે વીરોધ નોંધાવ્યો હતો અને કહયું હતું કે ગાંધીનગર કોર્પોરેશન સરકારી મિલકતો પાસેથી કરોડોનો બાકી વેરો વસુલતું નથી અને ગાંધીનગરની પ્રજા પાસેથી તોતીંગ વેરા વસુલવા થનગની રહયું છે તે નિંદનીય બાબત છે. પાટનગર હોવાથી અહીં આ પ્રકારનો કોઈ વેરો વસુલવાનો જ ના હોય. જો આ વેરા પરત નહીં ખેંચાય તો મંડળ આ મામલે સરકારને રજૂઆત કરશે.
તો બીજી બાજુ ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળના પ્રમુખ ભરતસિંહ પી.બિહોલાએ પણ સ્થાયી સમિતિ ચેરમેનને પત્ર લખીને રજુઆત કરી છે કે શહેર કરતાં આમ પણ ગ્રામ્ય વિસ્તારોનો એરીયા નાનો છે. અહીં મિલકતવેરા અને સફાઈ વેરા વધારવાનું તો ઠીક હયાત વેરા જ ઓછા લેવા જોઈએ. ત્યારે હવે આ મામલે સ્થાયી સમિતિ શું નિર્ણય લે છે તેની ઉપર સૌની નજર મંડરાયેલી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2waa1EE
No comments:
Post a Comment